દીપોત્સવી .   Leave a comment

દીપોત્સવી.

દીપોત્સવી એટલે દિપ પ્રગટાવવા નો તહેવાર. એટલું તો બધાજ સમજે છે, એક જમાનો હતો જયારે વીજળી ન હતી. ઘરે ઘરે કોડીયા કે ફાનસ પ્રગટાવી ને રાત્રી નાં અંધકાર નો સામનો કરવા મા આવતો. બહાર એક તો અમાસ અને કૃષ્ણપક્ષ નું અંધારું હોય, ઘર ના દીવા સિવાય પ્રકાશ ક્યાયે દેખાતો ન હોય, અંધારું તો એટલું હોય કે સગો હાથ પણ દેખાય નહિ. ઘર ની બહાર નીકળો તો આકાશ તારાઓ નાં જગમગાટ થી શોભતું હોય, એનો ઝાંખો પ્રકાશ માત્ર જોવા મળે. આઠ સાડા આઠ સુધી મા તો ગામ જંપી જતું, દશ વાગ્યે તો અર્ધીરાત જેવું ભેંકાર વાતાવરણ થઇ જતું, શેરીઓ મા દૂર દૂર નાં અંતરે મુકેલા દિપસ્થંભ નાં દીવા પ્રકાશ પાથરવા નાં બદલે જાત જાત નાં ભ્રમ ઉભા કરતા હોય, દીવા માટે નું ડોળિયું તેલ અથવા ફાનસ માટે નું કેરોસીન પણ મોંઘુ પડતું. એટલે સુર્યાસ્ત પહેલા બધુજ કામ આટોપી લેવા મા આવતું, અને વહેલા સુઈ જવા નું ચલણ હતું.
દિપોત્સવી આવે એટલે ઘર મા , આંગણા મા પ્રકાશ પથરાયેલો હોવો જોઈએ એવી એક માન્યતા ચાલતી હતી, તેથી ઘરના ખૂણે ખૂણે, આંગણા મા, ખડકી નાં ગોખલા મા દીવા મુકવા મા આવતા, બધા જ આવું કરે તે માટે એક દંતકથા પણ ચલાવવા મા આવતી, કે દિવાળી મા લક્ષ્મીજી ફરવા નીકળે, અને જે ઘર મા દીવાબત્તી ન દેખાય તેના ઉપર તેમની અવકૃપા ઉતરે…! એટલે લક્ષ્મીજી ને આવકારવા દીવા પ્રગટાવવા મા આવતા અને પ્રકાશ નું પર્વ ઉજવવા મા આવતું,
મૂળ હકીકત એ હતી કે પહેલા જમાનો ખેતી આધારિત અર્થવ્યવસ્થાનો હતો. ચોમાસું પૂરું થયું હોય, ખેતરો મા વાવેલો પાક હવે પાકી ગયો હોય, અને ખળા ઉભરાતા હોય ત્યારે ખેડૂત ને સારા પૈસા મળવા ની આશા જાગે તે સ્વાભાવિક છે, વેપારીઓ ને પણ આ વર્ષનો છેલ્લો દિવસ હોય, એટલે સારી વસુલાત આવવાની આશા હોય, અન્ય કોમ સુથાર, લુહાર, મોચી, વણકર ,કાપડિયા, સફાઈ કામદારો, લડવૈયાઓ , સુભટો ,બ્રાહ્મણ પુરોહિતો બધા નેજ તેમનું વર્ષ ભર નું બાંધેલું ભથ્થું મળતું, એટલે આ દિવસો મા બધાજ ખુશ હોય, અને ખુશાલી વ્યક્ત કરવા ધડાકા, દીવા ની રોશની, દ્વારા આનંદ વ્યક્ત કરતા, મિષ્ઠાન્ન આજ ની જેમ રોજ રોજ નહોતું બનતું, વર્ષ ભર પરિશ્રમ કર્યા પછી આ વર્ષાન્ત નાં દિવસો મા જ લોકો કઈક સારું ખાઈ શકતા, અને એ મિષ્ઠાન પણ કેવું..? લાપસી, કંસાર,લાડુ, શીરો જેવા ચોખ્ખા ઘી માંથી બનેલા વ્યંજનો લોકો ખાતા, આ જ દિવસો મા આવું ખાવા નો પસંગ આવતો એટલે ભોજન થી પણ બધા તૃપ્તિ અનુભવતા, અને આનંદ મા રહેતા,
ખુશાલી નાં એ દિવસો મા લોકો વેરઝેર ભૂલી જતા, અને પ્રેમ થી ભેટતા, એક બીજા ને દિવાળી મુબારક કહેતા, દીપાવલી નાં આ ચાર દિવસો વર્ષ ભર નાં પરિશ્રમ નો બદલો હતો. એ દિવસો સાદાઈ, સચ્ચાઈ, અને ખરેખરા ઉત્સાહ નાં હતા. કારણ લોકો નાં હાથ મા પૈસા આવતા, બધા નો હિસાબ દિવાળી એજ થતો. વર્ષ ભર કરેલા વ્યવહારો ની ચૂકવણી અને વસુલાત આ દિવસો માજ થતા, એટલે આ તહેવાર સિવાય નાં તહેવારો ગૌણ હતા, દિવાળી એક મહત્વ નો વાર્ષિક દિન હતો. આ દિવસો માજ લેણદારો ને તેમનું લેણું મળતું, નોકરો મજૂરો ને બોનસ મળતું, કારીગરો ને તેમને વર્ષ ભર આપેલીસેવા નો બદલો મળતો, તેથીજ દિવાળી જેવી ખુશાલી અન્ય તઃહેવારો મા જોવા ન મળતી.
એ ગ્રામીણ અર્થવ્યવસ્થા હતી, ગામ મા જે પ્રોડક્ટ બને એ ગામના જ સાધનો માંથી બને, તે વેચાય પણ ગામ માજ, તેના નાણા પણ ગામ માજ રહે,પૈસા ના બદલે મોટા ભાગે સેવા થીજ ચુકવણી કે ખરીદી થતી. બાર્ટર સીસ્ટમ પણ અસ્તિત્વ માં હતી. નાણા નો ઉપયોગ બહુ ઓછો થતો. એટલેજ દિવાળી આટલી ધામધૂમ થી ઉજવવા મા આવતી. કારણ એ દિવસો મા બધાજ ખુશ રહેતા, અને ખુશ રેહવાનું કારણ પણ તેમને ઉપલબ્ધ હતું.
આજે આપણે અંધકાર ઉપર વિજય મેળવ્યો છે, જે મા કથાઓ મા રાવણ જેવા મહારથીઓ એ પવન, પાણી, પ્રકાશ, ને વશ માં કર્યા હતા એવુજ અત્યારે ખરેખર થયું છે, આપણે અમાસ ની રાત્રે પણ જગમગાટ પ્રકાશ થી ઝળા હળા થઇ શકીએ છીએ, એક સ્વીચ પાડી ને જમીન મા થી પાણી મેળવિયે છીએ, એક સ્વીચ પાડી ને ગરમી ને વશ કરનાર એર કંડીશનર ચલાવીએ છીએ, કૃત્રિમ ઠંડક થી ફ્રીઝ ચલાવીએ છીએ, એકજ બટન દબાવી ને પંખા ચલાવીએ છીએ , નળ ખોલી ને પાણી ઘર માં લાવીએ છીએ, આપણી પાસે વીજળી થી ચાલતા ઉપકરણો છે, આપણે ખાંડવા, દળવા, રસોઈ કરવા વિવિધ મશીનો નો ઉપયોગ કરીએ છીએ, કહી શકાય કે આપણો સામાન્ય નાગરિક જેવી સુવિધા ભોગવી રહ્યો છે એવી સુવિધા આખા ભારત નાં સમ્રાટો અશોક કે અકબર ને પણ નસીબ ન હતી.
એટલે આજ ની દિવાળી ઔપચારિક થઇ ગઈ છે, હવે તો રોજ દિવાળી જેવુજ વાતાવરણ હોય છે, રોજ જાતજાત નાં વ્યંજનો આપણે ખાઈએ છિએ , હવે દિવાળી માજ મીઠાઈ ખાવા મળે એવું રહ્યું નથી, બારે માસ આપણે સ્વાદિષ્ઠ ભોજન લઇ શકીએ છીએ , , લેટેસ્ટ ફેશન નાં કપડા હવે રોજ પહેરીએ છી એ . ચમકતા બૂટ, ચપ્પલ સેન્ડલ હવે દિવાળી નાં મોહતાજ નથી. ઘરે ઘરે આવનજાવન નાં સાધનો થઇ ગયા છે, એટલે દિવાળી આવે ત્યારે બધા ખુશ જરૂર થાય પણ એ એક ફોર્માલીટી બની જાય છે, સાચી ખુસાલી હવે દિવાળી ની રાહ જોવા રહેતી નથી.
અલબત્ત, આ આપણી પ્રગતિ છે, આપણે જુના જમાના ની તકલીફો ને વળગી રહેવું એવો કહેવા નો મતલબ નથી. આપણે આગળ વધ્યા છીએ, નવી ટેકનોલોજી થી આપણી સુવિધાઓ વધી છે, હવે કોઈ બે ગાઉં દૂર થી માથે બેડું ઊંચકી ને પાણી ભરવા જવા નું પસંદ ન કરે, કે ચાલી ને ઓફિસે ન જ જાય, વાર તહેવારે જ મીઠાઈ ન ખાય, તેમ છતાં આપણે જે સમય નાં માર્ગે ચાલી ને આજ સુધી પહોંચ્યા છીએ, તે પણ ભૂલવા જેવું નથી.
પ્રગતિ ની મજા લેતી વખતે પણ ભૂતકાળ નાં મીઠા દુખ પણ યાદ તો આવવા નાજ.
સૌ ને દિવાળી મુબારક,

Advertisements

Posted ઓક્ટોબર 15, 2017 by sureshmsheth67 in Uncategorized

બચત યોજના .   Leave a comment

બચત યોજના ..

આપણે પહેલા બચત ને બહુજ મહત્વ આપતા હતા, સરકાર શ્રી પણ નાની બચત યોજનાઓ જાહેર કરી ને લોકો ને બચત કરવા સમજાવતી રહેતી હતી. બેંકો પણ તેમની લો કોસ્ટ ડીપોઝીટો વધારવા માટે બચત ખાતા ખોલવા આગળ આવતી હતી. પોસ્ટ ઓફીસની બચત યોજનાઓ ખુબજ લોકપ્રિય હતી તેમાં વ્યાજ પણ સારું મળતું હતું જેનાથી નિવૃત લોકો ની આજીવિકા ચાલતી. .બેંકો પણ લામ્બીમુદત ની થાપણો ઉપર વધુ વ્યાજ આપતી. જેનાથી સરકાર ને તથા બેંકો ને લાંબા સમય સુધી નાણા રોકવા મળતા અને તેમનો નફો પણ વધતો હતો. આમ પબ્લિક ને વધુ વ્યાજ મળતું, તેમની થાપણો સલામત અહેતી અને બેંકો પોસ્ટ ઓફિસો ને તેમજ સરકારી યોજનાઓ ને પબ્લિક મની વાપરવા મળતા .
એવુજ જીવન વીમા કોર્પોરેશન ની યોજનાઓ નું હતું. લોકો એ ભરેલ પ્રીમીયમ નાં નાણા વિકાસકામો મા જતા હતા, અને લાંબા સમય માટે આ નાણા વાપરવા મળતા. બદલ માં વીમા ધારક જો પોલીસી ચાલુ હોય એ અરસા માં મરણ પામે તો તેના વારસો ને નિશ્ચિત રકમ મળતી. પણ આવું જવલ્લેજ બનતું, રોજ રોજ કોઈ એમ મરતુ નથી, એટલે વીમા કંપનીએ ચુકવણી કરવા ના પ્રસંગો બહુ ઓછા આવતા, આ પબ્લ્ક મની પણ છેવટે તો વિકાસ ફાળા માટેજ વપરાતા હતા.
સરકાર પાસે લોકો પાસે થી નાણા મેળવવા કરવેરા નું સાધન એ વખતે બહુ આકર્ષક ન હતું. હું વર્ષ ૬૨/૬૩ મા બી. એ. મા ભણતો હતો ત્યારે અમારે ભારત ની આર્થિક સમસ્યાઓ નું એક પેપર શીખવું પડતું. એમાં આવક વેરા નાં દર જોઈ ને આજે પણ આનદ નો રોમાંચ થઇ આવે છે, એ વખતે વ્યક્તિ ની વાર્ષિક આવક રૂપિયા ૩૦૦૦ હોય તો તેને આવકવેરો ભરવો પડતો., એ સમયે ઇન્કમટેક્ષ ભરનાર વટ થી રૂઆબ મારી શકતો કે આઈ એમ અ ટેક્ષ પે અર “તેમ છતાં સરકાર ને ઇન્કમટેક્ષ માં બહુ રકમ મળતી ન હતી. કારણ એ વખતે આઈ.ટી વિભાગ બહુ સંકુલ ન હતો.અને આવક નું સ્તર પણ બહુ ઊંચું ન હતું. વિવિધ સર્વિસ ટેક્ષ . કે સેસ ન હતા. એટલે લોકો ની બચત ને વધુ મહત્વ આપવા મા આવતું, કારણ આ મુદતી થાપણો ની મુદત પૂરી થાય ત્યાં સુધી એ નાણા સરકાર નિર્વિઘ્ને વાપરી શકતી.
પણ પછી વધુ એ વધુ બુદ્ધિશાળી નાણા પ્રધાનો આવતા ગયા. દેશ નું કરમાળખું પણ વિસ્તૃત અને વધુ જટિલ બનતું ગયું. હવે સરકાર ને કર માળખા દ્વારા સારા પ્રમાણ મા નાણા મળતા થયા. નાણા પ્રધાનો હવે તદ્દન નવા, અને કદી કલ્પના પણ ન કરી હોય એવા કર મથાળા શોધી કાઢવા લાગ્યા, હવે સરકાર ને નાની બચત ભાર રૂપ લાગવા માંડી, કારણ એ યોજનાઓ મા ઓફર કરવા માં આવેલા ઊંચા વ્યાજ ની ચૂકવણીઓ હવે કોઈ ને ગમતી ન હતી. સરકાર હવે આ નાની બચતો થી કંટાળવા લાગી હતી. કારણ હવે લોકો ની થાપણો ની જરૂર ન હતી. તેના ઉપર વ્યાજ ચુકવવું પડતું હતું. આ ચુન્ગાલ માંથી નીકળવા માટે હવે સરકાર ક્રમશ: વ્યાજ નો દર ઘટાડતી ગઈ, ઓછું વ્યાજ મળવા થી લોકો આ થાપણો ઉપાડી લેશે, એવી ગણતરી હતી, પણ લોકો વ્યાજ ભલે ઓછું મળે , પણ નાણા ની સલામતી તો ખરીને એ ધોરણે હજી નાની બચતો ને વળગી રહી. સરકાર નિજ યોજનાઓ હતી. એમાં નાણા રોકવા ની કોઈ ને નાં તો પાડી ન શકાય , એટલે એમાં અડચણો ઉભી કરવા માંડી. ફોટોગ્રાફ, કેવાયસી દસ્તાવેજો. ઉપાડ વખતે પાર્ટી ની હાજરી. પાન કાર્ડ, અને છેવટે આધાર કાર્ડ પણ માગવા મા આવ્યા. ગમ્મત તો જુઓ. પાનકાર્ડ છે તો આધાર કાર્ડ શા માટે જોઈએ..?પણ થાપણદારો ને જેમ હેરાનગતિ આપીશું તેમ લોકો નાનીબચત થી દૂર થતા જશે. એવી ગણતરી હોય એમ લાગ્યું.
બીજી હેરાન ગતિ . બચત ના વ્યાજ ઉપર ટી.ડી .એસ. કાપી લેવાની..!બચત ઉપર વ્યાજ એ બચત કાર નો અધિકાર છે, વ્યક્તિ તેના નાણા ન વાપરે એની કીમત એ વ્યાજ છે, વ્યાજ ઉપર ઇન્કમટેક્ષ કાપવો એ કોઈ પણ દ્રષ્ટિકોણ થી તાર્કિક નથી લાગતું. , આપણી કાયદેસર ની આવક માંથી પેટે પાટા બાંધી ને બચત કરી હોય એના વ્યાજ ઉપર ટેક્ષ કઈ રિતે લઇ શકાય..?આપણે મહેનત કરી ને આવક ઉભી કરી અનેતેમાંથી અમૂક હિસ્સો બચત થાપણ તરીકે મૂકી, તો તેના ઉપર મળતું વ્યાજ આવકવેરા ને પાત્ર કઈરીતે ગણાય..?જો એ તર્કસંગત લાગતું હોય તો જેને કશી આવક ન હોય એને આવક કરી આપવા ની સરકાર ની ફરજ નહિ કે..?જો આવક ઉપર કર ભરવાનો હોય તો બીન આવક ને સરકારે નાણા ચુકવવા જોઈએ.
હવે સરકાર નાની બચત ને ઉત્તેજન એટલેજ નથી આપતી કે લોકો તેમના નાણા બચાવવા નાં બદલે વાપરે, અથવા વ્યાપાર ઉદ્યોગ મા રોકે, પણ એમ નિવૃત લોકો આ ઉમરે બહાર ધંધો કરવા જાય..? ધંધો ન ચાલ્યો તો શું કરવા નું..? વિદેશો નું નકલ કરતા પહેલા મહાન અર્થશાસ્ત્રેઓ કેમ વિચારતા નથી કે એ દેશો મા બેકારી ભથ્થું આપવા મા આવે છે, વૃદ્ધને પણ પેન્શન આપવા મા આવે છે એટલે એ દેશો મા બચત કોઈ કરતુ નથી. સરકારજ સારવાર કરે છે, સરકાર જ જીવન જીવવા જેટલું આપે છે, પછી કોઈ બચત શા માટે કરે..?
પણ આપણી સ્થતિ જુદી છે, આપણે ત્યાં બેકાર ને જીવવું મુશ્કેલ બની જાય છે, વૃધ્ધો ની વ્યાજ આવક તદ્દન નહીવત બનતી જાય છે, બીજી તરફ મોંઘવારી ઉપર તો કોઈ નીયન્ત્રણ નથી. આવક ઘટાડી નાખી છે, અને ભાવો વધારી મુક્યા છે, પછી લોકો કઈ રીતે જીવશે એ નહિ વિચારવા નું..? સરકાર નું કર માળખુજ એટલું પાવરફુલ થઇ ગયું છે કે તેને હવે નાના લોકો ની બચત ની કોઈ જરૂર નથી. પણ પ્રતિદિન વધતી જતી મોંઘવારી મા આ નાના લોકો ક્યા જશે એ કોઈ વિચારતું નથી.
ઈતિહાસ સાક્ષી છે, જયારે જયારે ધનનંદો પેદા થાય છે ત્યારે કોઈ ચાણક્ય આવી જ મળે છે.

Posted ઓક્ટોબર 14, 2017 by sureshmsheth67 in Uncategorized

ફટાકડા .   Leave a comment

વર્ષ મત પણ આપશે.

ફટાકડા ..!

ફટાકડા એ ચીની પ્રોડક્ટ છે એવું નથી. ચીન મા તે બનતા હશે, પણ તેનો આવિષ્કાર એક ગુજરાતી રામજી મિસ્ત્રી એ કર્યો હતો એવું શ્રી ગુણવન્તરાય આચાર્ય ની એક નોવેલ મા દર્શાવાયું છે, રામજી શુદ્ધ ચાંદી માંથી બંદુક અને તોપનો દારૂ પાવડર _ગન પાવડર બનાવતો અને યુદ્ધ મા આ ગન પાવડર નો ઉપયોગ બંદુકો અને પ્રક્ષેપ્તાશ્ત્રો બનાવવા મા ઉપયોગ થતો. આજે પણ ગન પાવડર ચાંદી માંથીજ બને છે એવો ખયાલ છે,
ફટાકડા નો આવિષ્કાર પણ આપણે જ કર્યો છે, એ સમયે લોકો ખુશાલી દર્શાવવા મોટા ધડાકા કરી ને આનન્દ લેતા, લગ્ન સમારંભ માં વરઘોડા મા પણ લોકો બંદુકના ધડાકા કરતા, ખુશાલી વ્યક્ત કરવા માટે શોરબકોર અને અવાજ ધમાલ અને ધડાકા કરવા ની સ્વાભાવિક વૃતિ આપણા મા હોય છે,કોઈ ખુશાલી નાં પ્રસંગે આપણે માળા લઇ ને બેસી જતા નથી, પણ શોરબકોર અને ધમાલ મસ્તીજ કરીએ છીએ. પ્રદુષણ ની દલીલો વિચારવા જેવી તો છે, પણ ફટાકડા થી તો હવા શુદ્ધ થાય છે, તેના ધુમાડા થી મચ્છર જેવા ઉપદ્રવો કાબુ મા આવે છે, અમદાવાદ મા સીઝન દરમ્યાન અમૂક વિસ્તારો મા દવા યુક્ત ધુમાડા ફેલાવવા મા આવે છે, જેના થી જેટલું પ્રદુશણ થાય છે એટલું ફટાકડા થી થતું નથી, અલબત્ત. ખુબ મોટા ધડાકા કરવા ની જરૂર જણાતી નથી, લક્ષ્મીછાપ ટેટા કે સુતળી બોમ્બ નાં ધડાકા કાન ને , પક્ષીઓ ને, અને વૃદ્ધ જનો ને પરેશાન કરે છે, એટલે એમાં ફટાકડા નહિ પણ વધુ પડતો અવાજ બંધ કરવો જોઈએ,
બચપણ મા અમારો એક મિત્ર મહેન્દ્ર ઉર્ફે બાબલો પોટાશ નાં ધુમાડા નો બહુ શોખીન હતો તે પોટાશ નાં સહેજ પીળા અને વાદળી ધુમાડા ને ખાઈ જતો હોય એક મો મા લઇ ને ચાવવા ની મજા લેતો,પોટાશ નાં ધુમાડા જોકે મને પણ ગમતા. ઘણી વાર તો એ ધુમાડો લેવા ની ઈચ્છા નાં કારણે અમે પોટાશ ફોડતા. એટલે ફટાકડા થી હવાનું પ્રદૂષણ થાય છે એમ મન મા બેસતું નથી.
આપણા મા કેટલીક વાતો એવી ચાલતી હોય છે કે કોઈ એ વ્યક્તિ શરુ કરે એટલે તે વસ્તુ બધાજ અપનાવી લેતા હોય છે, ઘણા પોતાને પર્યાવરણ વિદ મા ખપાવવા ફટાકડા ન ફોડવા નું વ્રત લેતા હોય છે, અને પોતે અન્ય લોકો થી કેટલા જુદા અને શ્રેષ્ઠ છીએ તેવું જતાવવા માગે છે, અને એમનું જોઈ ને બીજા પણ નકલખોરો આ નવી જમાત મા ભળવા કુદી પડતા હોય છે,બીજા કેટલાક જીવદયા નાં સમર્થકો પણ ફટાકડા થી થતી સુક્ષ્મ જીવો ની હિંસા , પક્ષીઓ ને થતી તકલીફ ને આગળ કરી ને ફટાકડા નો વિરોધ કરતા હોય છે.
જીવદયા નાં સમર્થકો વિષે મેં એક વાત સાંભળી છે, ખાટલા મા માંકડ પડ્યા હોય તો એમાં કોઈ સુવે નહિ તે સ્વાભાવિક છે , પણ આ દયાળુઓ તો એ માંકડ ની પણ ચિંતા કરતા હોય છે, ખાટલા નાં માંકડ ને કોઈ સુવે નહિ તો ખોરાક શામાં થી મળે..?એટલે ગામનું પંચ કોઈ ગરીબ અથવા જરૂરતમંદ માણસ ને પૈસા આપી ને એ ખાટલા મા એક રાત સુવા માટે લઇ આવે, અને ખાટલા નાં માંકડો ને મિજબાની માણવા મળે, …!
પક્ષીઓ ની આપણે કાળજી લઈએ એ બરાબર છે પણ આવા જીવલેણ અને લોહી ચુસનારા જંતુઓ ની ચિંતા શા માટે કરવી જોઈએ..?વર્ષ ભર સખત કામ કરનાર વ્યક્તિ બે દિવસ આનંદ મેળવવા ફટાકડા ના બેચાર ધડાકા કરી લે તો ક્યા આભ ફાટી પાડવા નું છે..!અલબત, ઓછા અવાજ વાળા ,ફટાકડા ફોડવા ની છૂટ હોવી જોઈએ,
આપણા દેશ મા મન ફાવે એવા પ્રતિબંધો મૂકી ને જનતા નાં આનંદ ને અવરોધવા માં આવે છે, ગરબા ઉપર પ્રતિબંધ, પતંગ ઉપર પ્રતિબંધ, માઈક નાં અવાજ ઉપર પ્રતિબંધ, ફટાકડા ના અવાજ ઉપર પ્રતિબંધ, વિગેરે, તો માણસ નાં નસીબ મા આવા નાના સરખા સીઝનલ આનંદ પણ ન રહેવા દેવા એવો નિર્ણય કરવા માં આવ્યો છે..?તો સામાન્ય માણસ ખુશી કઈ રીતે વ્યક્ત કરે..?
જો પ્રદુષણ નિજ વાત કરતા હો તો ઉદ્યોગો નાં ગંદા પાણી અને ધુમાડા ને પણ ધ્યાન મા લેવા જોઈએ, મિલો, કારખાના,ભઠ્ઠીઓ રોજ પીવાતી બીડી અને સિગારેટ નાં ધુમાડા , કપાઈ જતા ઝાડપાન, ઉભરતી ગટરો , નદી ના સ્થિર પાણી મા થતા મચ્છરો આ બધું ધ્યાન મા નથી આવતું..?માત્ર નિર્દોષ આનંદ આપતા ફટાકડા જ નજર મા આવે છે..?
કેટલાક ચામ્પલા .ચોખલિયા લોકો નવરા બેઠા આવી જુંબેશ ઉપાડતા હોય છે, અને સળી કરી ને ખસી જતા હોય છે. પછી લોકો ના મગજ ફેરવી ને તમાશો જોતા હોય છે.
પછી તો જે કરવું હોય એ લોકો એજ નક્કી કરવા નું હોય છે
“જૈસી જિસકી સોચ ..!”

Posted ઓક્ટોબર 13, 2017 by sureshmsheth67 in Uncategorized

ધ્રાન્ગ્ધરા નું નવયુગ સિનેમા .   Leave a comment

ધ્રાન્ગ્ધરા નું નવયુગ સિનેમા .

બુધવાર નાં ગુજરાત સમાચાર ની શતદલ પુરતી મા શ્રી ઝવેરીલાલ મહેતા ની ફોટો સ્ટોરી ધ્રાન્ગ્ધારા નાં નવયુગ સિનેમા વિષે જોવા મા આવી.
આ નવયુગ સિનેમા સાથે પણ મારું સારું સ્મરણ રહેલું છે, એ વખતે હું સુરેન્દ્રનગર ની શેઠ એન.ટી.એમ હાઈસ્કૂલ મા ફિફ્થ સ્તાન્ડરડ મા ભણતો હતો. મારું ચિત્રકામ સારું ગણાતું હતું, ડ્રોઈંગ ની પ્રવેશ પરિક્ષા મામેં પણ ફોર્મ ભર્યું હતું, મારી સાથે મિત્ર મગન પણ સામેલ હતો, બીજો એક છોકરો ગામના બોર્ડ.તેમજ સિનેમા નાં મોટા હોર્ડિંગ બનાવનાર જાણીતા પેન્ટર શ્રી પ્રેમજી.ડી નો છોકરો હતો . એ છોકરાનું નામ મનું , પણ પાછળ થી તે પણ સિનેમા ના હોર્ડીન્ગ્સ બનાવવા લાગ્યો હતો અને ચિત્ર નીચે તેના પિતા નું જેમ “મનુપ્રેમજી.ડી “એવી સહી પણ કરતો. તેને માટે તો આ પરિક્ષા બહુજ આસાન હતી.
મોટા ભાગે આ પરિક્ષા નાં નેચર નાં વિષય મા એક કરેણ નાં છોડ નાં પાન ની આકૃતિ દોરવા ની આવતી, અમને એવું પાન બનાવવા ની સારી પ્રેકટીશ આપવા મા આવી હતી. અમને એ પાન નાં રંગ ની તૈયાર બનાવેલી નાની શીશી આપવા મા આવી હતી જેથી એ વખતે રંગ બનાવવા ની તરખડ મા પડવું ન પડે.
અમારો ઉતારો એક ભંગાર જેવી ધર્મશાલા મા હતો. ખાવા માટે ત્રણ દિવસ ચાલે એટલા ઢેબરા લઇ ગયા હતા, દરરોજ હું અને મગન નવયુગ સિનેમા તરફ આવતા, રાતનો ટાઈમ પાસ કરવા અમે એમાં ચાલતા ચલ ચિત્ર જોવા નું નક્કી કર્યું નવયુગ સિનેમા ભવ્ય મહેલ જેવું હતું. તેના કલાત્મક થાંભલાઓ ની હાર, વિશાલ લોબી, અને ભવ્ય દરવાજો બહુજ આકર્ષક લાગતા હતા,
પહેલા દિવસે તેમાં આઝાદ ફિલ્મ ચાલતી હતી. મગન તો દિલીપ કુમાર નો આશિક હતો. પહેલે દિવસે અમે આઝાદ ફિલ્મ જોઈ. બીજા દિવસે આઝાદ બદલાઈ ગયું અને મદભરે નૈન ચાલુ થયું , એમાં કિશોરકુમાર હતો. એટલે જોવાની મજા આવી. હવે ત્રીજા દિવસે શું કરવું એવું વિચારતા હતા પણ અજાણ્યા ગામ મા બીજો તો શું પ્રોગ્રામ થઇ શકે…?એટલે બીજી વાર મદ ભરે નૈન જ જોવા બેસી ગયા. એ વખતે થર્ડકલાસ મા ટીકીટ નો દર સાડાચાર આના માત્ર હતો.
આમ ત્રણ દિવસ ની સાંજ પસાર કરવા માટે નવયુગ સિનેમા અમને ખુબજ સહાયભૂત થયું હતું. આજે ગુજરાત સમાચાર ની બુધવાર ની પુરતી મા નવયુગ સિનેમા નો ફોટો અને સ્ટોરી વાંચી ને બચપણ નાં એ ભવ્ય લાગતા દિવસો યાદ આવી ગયા.
ભવ્ય એટલે એમાં કશું અસામાન્ય ન હતું, પણ સ્મૃતિઓ , ખાસ કરી ને બચપણ ની સ્મૃતિઓ હંમેશા ભવ્ય જ લાગતી હોય છે, કારણ જે સમય વીતી ગયો છે તે હવે કદી પાછો આવવાનો નથી. માત્ર તેની યાદોજ જીવિત રહેવાની છે, જે કદાપી પાછું આવવાનું ન હોય એની સાથે એક સેન્ટીમેન્ટલ બંધન બંધાઈ જતું હોય છે, જેની હયાતી મા કોઈજ મહત્વ ન હોય એ જયારે વિલીન થઇ જાય ત્યારેજ એની યાદ વ્યક્તિ નાં હૃદય નાં તાર ઝંકૃત કરી દે છે.
આજે શ્રી ઝવેરીલાલ મહેતા ની ફોટો સ્ટોરી જોઈ ને નવયુગ સિનેમા એક સ્વજન જેવી યાદ આપી જાય છે,
ડ્રોઈંગ ની એ પ્રવેશ પરિક્ષા તો પાસ કરી દીધી.જોકે એ જ લાઈન મા આગળ વધવા નું કોઈ માર્ગદર્શન ન હતું.કારણ એ સમય ના વડીલો બહુ જાણતા ન હતા, તેઓ પ્રથમ એવુજ વિચારતા કે “ચિતર દોરવા મા શું મળે..? કેટલો પગાર મળે..?ગમે તેમ કહેવાઈએ તો ચિતારા જ ને…! “ એમની આગળ રવિશંકર રાવળ નો દાખલો આપવા નો કોઈ અર્થ ન હતો. જો તેમનું નામ આપ્યું હોત તો જરૂર સાંભળવા મળત કે એવા લેભાગુ બામણો કરે એમ આપણે કરવા નું…?”બધેજ પગાર નું મહત્વ હતું. “ કનૈયો કેવો કમાતો થઇ ગયો…! છોટુ ઠાકર કેવો નોકરીએ લાગી ગયો. એક તમેજ રખડી પડ્યા છો…! “બધા ને એમ હતું કે છોકરો જલ્દી ભણી ને સારી નોકરીએ લાગી જાય, બીજી બાબતો મા તેઓ સમજતા ન હતા.
આજે નવયુગ સિનેમા એક જુના મિત્ર ની જેમ યાદ આવે છે.

Posted ઓક્ટોબર 12, 2017 by sureshmsheth67 in Uncategorized

public works __જાહેર કામો .   Leave a comment

Publik works , જાહેર કામો.

આર્થિક મંદી માંથી બહાર આવવાનો એક ઉપાય અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઈન્સે બતાવેલોજ છે, આજે પણ લોર્ડ કેઈન્સ નાં સિદ્ધાંતો ને ઘણે ભાગે ધ્યાન મા લેવા મા આવે છે. કેઈન્સ નું કહેવું હતું, કે લોકો નાં હાથ મા નાણું આપો, તેમને આવક નું સાધન કરી આપો , નાણું મળવા થી એ લોકો બજાર મા જશે, ખરીદી કરશે, તેનાથી ડીમાંડ વધશે, ડીમાંડ વધવા નાં કારણે ઉત્પાદન વધશે, અને તે માટે નવી નોકરીઓ પણ વધશે, ફરીથી વધુ લોકો નાં હાથ મા વધુ નાણું આવશે અને આમ આ ચક્ર ફરતું રહેવા થી બજાર મા તેજી આવશે.
આ સિધ્ધાંત મા ઘણું તથ્ય છે, કેન્સ તો ત્યાં સુધી કહતો હતો કે લોકો ને નાણું આપવા તેમની પાસે ખાડા ખોદાવો અને પુરાવો, તેમને કામ અને રોજગારી ગમે તેમ કરી ને પણ આપો.
આ સિધ્ધાંત નાં અમલ લગભગ દરેક વિકાસશીલ દેશ કરી રહ્યો છે, લોકો ને ખાડા ખોદવા નાં પૈસા આપવા નાં બદલે જાહેર કામો ઉભા કરી તેમને તેમાં કામ આપવા થી વિકાસ પણ થશે, અને જોબ પણ ઉભી થશે, રસ્તાઓ બનાવવા, બિલ્ડીંગો બનાવવા ,બંધ બનાવવા, રેલ્વે લાઈન નાખવી, નહેરો બાંધવી, પુલો બાંધવા જેવા કામો સરકાર હસ્તક નાં છે, સરકાર એવા પ્રોજેક્ટો શરુ કરે, તો અનેક લોકો ને રોજી મળી શકે, બીજી તરફ દેશ નાં વિકાસકામો પણ થતા રહે.લોકો ના હાથ માં પૈસા આવતાજ બજારો ધમધમી ઉઠે અને એક ચક્ર શરુ થઇ જાય,
જોકે કેઈન્સ ને આપના દેશ ની નૈતિકતા નો અનુભવ ન હતો. એટલે તેમણે એક મહત્વ નું ફેક્ટર ધ્યાન મા લીધું ન હતું. તે હતું આપણે ત્યાં ચાલતો ભ્રષ્ટાચાર . જાહેર કામો નાં ટેન્ડર પાસ કરવા થી માંડી ને પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી મા મૂળ બજેટ નાં પચાશ ટકા નાણા અધ્વચ્ચેજ ચાવી જતા હોય છે, પછી કોન્ટ્રાકટર પોતાને પડેલ ખોટ ભરપાઈ કરવા માલ ની , મટીરીયલ ની . તેમજ વર્ક્મેન્શીપ ની ગુણવત્તા ઓછી કરે છે, તેમણે આ કરવુજ પડે છે, કારણ એ વિના નિર્ધારિત બજેટ મા ગુણવત્તાસભર કામ થઇ શકે તેમજ નથી હોતું, સરકારી સુપર વાઈઝરો એન્જીનીયરો અને બાંધકામ ખાતા નાં રાજકારણી સુધ્ધા તેમને આમ કરવા દે છે, કારણ તેઓ બજેટ નો મોટો ભાગ ખાઈ ને બેઠા હય છે,
ઘણા કોન્ટ્રાકટરો ટેન્ડર ભરતી વખતેજ આ બધી ખાયકી ગણતરી કરી લેતા હોય છે, અને ખાયકી કરનાર તત્વો ની સંમતિ હોઈ માલસામાન ની ગુણવત્તા નબળી કરવા નું તો ચુકતાજ નથી.
આટલું હોવા છતાં કેઈન્સ નો સિધ્ધાંત તો રહેજ છે, મોટા પ્રોજેક્ટ હાથ ધરવા થી નવી જોબ તો ઉભી થાયજ છે, અને લોકો ને કામ મળે છે, અને તેથી તેમની આવક વધે છે,
એક રીતે જોતા બુલેટ ટ્રેન , એરપોર્ટ બનાવવા નાં જાહેર કામો હાથ ધરવા થી નવી જોબ તો ઉભી કરીજ શકાય છે, બુલેટ ટ્રેન જેવા બિનજરૂરી પ્રોજેક્ટ હાથ ધરવા થી ઘણા લોકો ને નોકરી તો મળવાનીજ છે એટલે એમ જરૂર બચાવ કરી શકાય કે ખાડા ખોદાવવા કરતા બુલેટ ટ્રેન બનાવવા મા અસંખ્ય લોકો ને કામ મલશેજ, અને બજાર માં તેજી આવશે. પરંતુ આપણી તાસીર મુજબ જો બજેટ ની મોટી રકમ અધિકારીઓ, રાજકારણીઓ નાં ખીસા મા જ જતી રહે અને પછી યા તો બજેટ વધારવું પડે અથવા પ્રોજેક્ટ નબળો બ્નાવાવવો પડે. એટલે ખર્ચેલા નાણા ધોવાઇ જાય. આપણે અમદાવાદ નાં ધોવાઇ ગયેલા રસ્તાઓ જોયા છે, આ નબળા કામ નાં કારણે જ થયું છે એ બધા સમજે છે, જો પૂરું બજેટ રસ્તા બનાવવા મા, મેન્ટેન કરવા માં વપરાયું હોય તો પાંચ વર્ષ સુધી તેમાં કશુજ કરવું ન પડે.
પણ જો પાંચ વર્ષ સુધી કોઈ કામ જ ન નીકળે તો આપણ ને ખાવા શું મળે..?આદર્શ ખાયકી નો એ નિયમ છે કે નબળું કામ કરો અને પ્રતિવર્ષ નવું કામ મેળવતા રહો. કારણ કામ કાઢીશું તોજ આપણ ને પૈસા ખાવા મળે તેમ છે, સારું, મજબૂત બાંધ કામ કરી ને શું આપણી ઉપર ની આવક ગુમાવવી…?એક આદર્શ ભારતીય માટે આ તો નાલેશી કહેવાય. સમાજ મા , સગાવહાલા પૂછ્યા વિના રહેવાના છે કે તમે આટલા મોટા એન્જીન્યર હોવા છતાં આવા સામાન્ય ઘર મા રહો છો..? આવી સામાન્ય ગાડી ફેરવો છો..વિગેરે…, આવા મહેણાં ટોણા થી બચવા નબળા કામો કરવા, અને વર્ષે વર્ષે કામ મળતું રહે, અને બજેટ માં થી કઈક ખાવા મળે તેવો પ્રબંધ કરવોજ પડે છે, તોજ સાચા ભારતીય કહેવાઈએ. !અને કોઈ ધર્મ એવું નથી શીખવતો કે જાહેરકામ નાં બજેટ મા થી પૈસા ન ખાવા…!મંદિર માં આવો, બે પૈસા મંદિર ને ધરો, કોઈ ભિખારી ને આઠ આના આપો, પૂજા પાઠ કરો, તિલક કરો, બાકી પૈસા ખાવા ને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી હોતી. ધર્મ એની જગ્યાએ છે અને નૈતિકતા એની જગ્યા એ છે, બંને ને ભેગા કરવા ની ચેષ્ઠા ન કરવી જોઈએ…!
પબ્લિક વર્કસ આ રીતે લોકો ના હાથ મા નાણા મુકે છે અને પછી બજાર નું ચક્ર ચાલતું રહે છે. જો ખાયકી નાં પૈસા પણ જો બજાર મા આવતા હોય તો તે પણ એક સારી નિશાની છે, પણ એ પૈસા જો લોકર્સ મા કે સ્વીસ બેંકો મા પડી રહેતા હોય અને દેશ ને કોઈ કામ ન આવતા હોય તો એવી લાંચ રુશ્વત બિન ઉત્પાદક બનીરહે છે માટે કોઈ પણ રીતે મળેલા નાણા બજાર માં ફરવા જોઈએ, ભલે પછી તે લાંચ કે ખાયકી માંથી ઉપજેલા હોય. બજાર માં આવેલ નાણા જ મંદી ને દૂર કરશે અને રોજગારી ઉભી કરવા માં મદદ કરશે. સ્વીસ બેંકો મા પડેલા નાણા તો ગયાજ સમજવાના…!
દરેક દેશ ની સ્થિતિ અનુસાર કેઈન્સ નો સિધ્ધાંત કામ કરે છે, તેમ છતાં આ સિધ્ધાંત મા ઘણું તથ્ય છે, લોકો ના હાથ માં નાણા મુકશો તો ખરીદી વધશે, ખરીદી વધશે તો ઉત્પાદન વધ શે ઉત્પાદન વધવા થી નવી નોકરીઓ નું સર્જન થશે, નવી નોકરી વધવા થી ફરીથી લોકો ના હાથમાં નાણા આવશે , આ વ્યાપાર ચક્ર ચલાવવું હોય તો , ખાયકી ઘટાડી ને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટો હાથ ધરવા મા નવી જોબ અવશ્ય મળશે, ભલે બુલેટ ટ્રેન થાય કે ન થાય, લોકો ને પૈસા તો મળશે, અને વાતાવરણ મા તેજી ફેલાશે. .આ દ્રષ્ટિ જો સરકારે રાખી હોય તો મોટા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો આવકાર્ય છે, ભલે દેશ નાં કરોડો લોકો ને આ પ્રોજેક્ટ નો લાભ ન મળે, પણ તેમને પ્રોજેક્ટ ચાલે ત્યાં સુધી આવક તો મળતી જ રહેશે, એ પણ ક્યા ઓછું છે…?
લોકો ની બચત ઉપર નિયંત્રણ મુકવા માટેજ વ્યાજ ઘટાડવા મા આવ્યા છે, વ્યાજ ઓછું મળશે તો લોકો બેંકો માં થાપણો નહિ મુકે અને એ નિષ્ક્રિય પડી રહેલા નાણા બજાર મા આવશે એવી ગણતરી છે. જે સાચી છે કે ખોટી તે તો સમયજ સમજાવશે ,આમેય બેંકો મા મુકેલ નાણા ખંધા ડીફોલ્ટરો ખાઈ જાતા હોય છે, એના કરતા એ નાણા કોઈ ધંધા મા રોકી ને આવક અને રોજગારી શા માટે ઉભી ન કરાવી એવો વિચાર આની પાછળ છે. વ્યાજ ઉપર જીવન ગુજારતા સીનીયર સિટીઝનો ભલે મરણ પામે, આમેય એવા વૃધ્ધો દેશ માટે ભારણ રૂપ જ હોય છે, તેઓ કશું પ્રોડયુસ તો કરતા નથી પણ દેશ નાં સંસાધનો મફત મા ઉડાવે છે….! એટલે તેઓ મરે એનો અફશોશ કરવો ન જોઈએ.!
આ ભારતીય કેઇન્સિયન ઇકોનોમિકસ છે ….!
એક રીતે વડાપ્રધાન શ્રી નું ઐતિહાસિક વચન દરેક નાગરિક નાં ખાતા મા પંદર લાખ રૂપિયા મૂકી આપવાનું , પણ ઉપયોગી થઇ પડે. ભલે પંદર નહિ તો પાંચ લાખ તો આપો, તો એ નાણા સીધા બજાર મા આવશે અને મંદી દૂર નાસી જશે.!અને પ્રજા ખુશખુશાલ થઇ ને વર્ષો વર્ષ મત પણ આપશે.

Posted ઓક્ટોબર 11, 2017 by sureshmsheth67 in Uncategorized

રાજધર્મ .   Leave a comment

રાજધર્મ.

રાજધર્મ એટલે શાશક નું કર્તવ્ય. ,શાશન કરનારે માત્ર પ્રજા ને ડરાવી ધમકાવી ને કરવેરા નાં દાયરા હેઠળ લાવવા નુજ કામ કરવા નું નથી. એ સામે પ્રજા ને રક્ષણ ,પોષણ ,સુવિધાઓ અને સલામતી પણ પુરા પાડવા નાં છે, સારો શાશક પ્રજા નાં નાના મા નાના નાગરિક ની પણ ચિંતા કરતો હોય છે, તે માત્ર કેટલાક ધનવાન, સંપતિવાન અને સમૃદ્ધ નાગરિક માટેજ કામ કરે એ ન્યાયસંગત નથી. તેના માટે રાય કે રંક એક સરખા હોવા જોઈએ, અને તમામ પ્રજા નું કલ્યાણ તેના હૃદય મા નિવાસ કરતુ હોવું જોઈએ,
રાજ્ય કોઈ એક ,બે કે દશબાર લોકો થી નથી બનતું. રાજ્ય નું બંધારણ, રાજ્ય નું ગઠન કોઈ થોડા વ્યક્તિઓ દ્વારા જ થાય છે એવું નથી. રાજ્ય નો ગરીબ માં ગરીબ વ્યક્તિ પણ પોતાની રીતે રાજ્ય ને વફાદાર રહી ને પોતાનું કર્તવ્ય બજાવે છે, તેઓ પાસે વધુ પૈસો નથી, કે રાજ્ય ને અન્ય રીતે મદદ કરી શકે એવી તેમની હેસિયત નથી હોતી, એનો અર્થ એ નહિ કરવો જોઈએ કે રાજ્ય ને અન્ય રીતે સહાયરૂપ બનનાર દશ્પંદર નાગરીકો નુજ માનવા મા આવે, અને તેમના લાભનું જ વિચારવા મા આવે, સામાન્ય નાનો વ્યક્તિ પણ શાશક ની દ્રષ્ટિ થી બહાર રહેવો જોઈએ નહિ.
લોકશાહી મા તો આ સામાન્ય લોકોજ શાશક ને ચૂંટે છે, એક સામાન્ય માણસ ને શાશક બનાવનાર અસંખ્ય સામાન્ય લોકોજ હોય છે, તેઓ શાશક ને ચૂંટણી ફંડ નથી આપી શકતા, પણ તેમની જગ્યા એ રહી ને વફાદારી પૂર્વક કામ તો કરે છે..! મત પણ આપે છે, જેના કારણે શાશક રાજ્યકર્તા બને છે, મત મળ્યા પછી, રાજ્ય ની ધુરા હાથ આવી ગયા પછી મતદારો ને ભૂલી જવા, કે તેમની હાલત સુધારવા ની કોશિશ ન કરવી એ મતદારો પ્રત્યે દગાબાજી કહેવાય.
સમજી શકાય કે તુરત માજ લોકો નાં હિત ની કામગીરી ન થઇ શકે, પણ એવું કરવા ની દાનત તો દેખાવી જોઈએ ને..?એક ગરીબ દેશ મા વસતા લાખો લોકો જયારે ફૂટપાથ ઉપર સુતા હોય, ગંદી ઝુંપડપટ્ટી મા રહેતા હોય,કેટલાયે ભીખ માગતા હોય, કેટલાય બાળકો કેળવણી પામી શકતા ન હોય, કેટલાયે લાચાર લોકો સારવાર નાં અભાવે મરી રહ્યા હોય, ખેડૂતો સદાયે દુષ્કાળ કે અતિવૃષ્ટિ નો સતત ભોગ બનતા હોય,અસંગઠિત વર્ગ નાં નોકરો, ગુમાસ્તાઓ, ખાનગી કર્મ ચારીઓ સતત શોષણ નીચે પીસાતા હોય , લાખો લોકો બેકાર ફરતા હોય ત્યારે બુલેટ ટ્રેન , એર પોર્ટ, અને વિવિધ સમારંભો કરતા શાશક ને શરમ આવવી જોઈએ, એ કેવું શાશ્સ્ન જેમાં ગરીબો ચુસાતા રહેતા હોય , માધ્યમ વર્ગ પીસાતો રહેતો હોય અને માત્ર થોડા ઉદ્યોગપતિઓ, કે સરકારી અધિકારીઓ અને સાંસદો ની મિલકત દશ્ગણી ઝડપે વધતી રહેતી હોય….!શાશક ને પ્રેમ થી ચુન્ટનારી પ્રજા એ વારંવાર આંદોલનો કરવા પડતા હોય, તેમને આપવા મા આવેલા વચનો નો અમલ ક્ષિતિજ માં પણ દેખાતો ન હોય, ત્યારે પોતાના અંગત સ્વપ્નો પુરા કરવા માટે લોકો પાસે થી જુલમ પૂર્વક ઉઘરાવેલ રેવન્યુ નો દુરુપયોગ થતો હોય, ત્યારે એ શાશન ને કઈ રીતે બીરદાવવું..?
ખરો રાજધર્મ તો એ છે કે પ્રજા ની સુખ સુવિધા વધે, બુલેટ ટ્રેન કે એરોડ્રામ નો ઉપયોગ શું દેશ નાં કરોડો ગરીબ લોકો માટે છે..?તેમને તેની ટીકીટ પોષાશે..?તેમને એટલી આવક તો કરી આપો કે તેઓ કવચિત બુલેટ ટ્રેન મા બેસી ને મુંબઈ જઈ શકે…!અરે સામાન્ય ટ્રેનો માપણ રીઝર્વેશન નથી મળતું. લોકો ભીંસાતા મુસાફરી કરતા હોય છે, એ અગવડ નો તો પહેલા ઉપાય કરો…!પછી આવી વૈભવી સફર નો પ્રબંધ કરો. થોડા પૈસાદાર લોકો માટે આવી સેવાઓ કરવા ના બદલે સામાન્ય જનતા માટે તો કઈક વિચારો…!

ભૂતકાળ મા આપણે ઘણા જુલમ ગાર રાજ્ય્કરતાઓ જોયા છે, જેઓ માત્ર લોકો નું લોહી ચૂસવા માજ માનતા હતા, પ્રજાના લોકો માત્ર તેમના મોજશોખ પુરા કરવા માટે નું એક નાણાકીય સાધન જ હતા, પૈસા ખાતર ખૂણે ખૂણે થી ખોતરી ખોતરી ને ટેક્ષ નાં મથાળા શોધવા માજ રચ્યા પચ્યા રહેનારાઓ યોગ્ય રાજયકરતા નથી. લોકો નાં સુખદુખ ની પણ તમા રાખવી જોઈએ, ભાષણો કરવા, અને જુઠા વચનો આપવા એ લોકો પ્રત્યે ની છેતરપીંડી છે, એ રાજધર્મ નથી.
હાલ નાં શાશક નાં મન મા ગમે તે હોય, પણ તેઓ સામાન્ય લોકો ની સતત ઉપેક્ષા જ કરે છે, ઘણી વાર એવો વિચાર પણ આવે છે કે તેઓ ભારત નાં લોકો ઉપર કયા જન્મ નું વેર વાળી રહ્યા છે….!ધનનન્દ ની જેમ બસ પૈસા લાવો. પૈસા લાવો એવીજ લુંટારી રાજનીતિ ખુલ્લે આમ ચાલી રહી છે,
છતાં જોકે લોકો જાગતા નથી. , માર ખાઈ ને પણ શાશક પ્રત્યે અદભૂત ભક્તિ ભાવ દર્શાવી રહી છે, કુતરા ને લાત મારવા માં આવે તે છતાં તે મારનાર તરફ પૂછડી હલાવતા જ રહે છે, આવી ગુલામી તેઓ કેમ કરે છે..?તેમને કશું મળતું હશે..?
અત્યાર નો યુગ ગોબેલ્સ ની પ્રચાર નીતિ ઉપર ચાલી રહ્યો છે, આજે સંદેશવ્યવહાર નાં સાધનો વધી ગયા છે, એટલે સતત પ્રચાર જુંબેશ ચાલતી રહે છે, રીતસર એક સાયબર સેલ ઉભો કરવા મા આવેલો છે, અને એમાં પગારદાર લેખકો, વક્તાઓ અને વિચારકો ને કામે લગાડવા મા આવ્યા હોય એવું જણાય છે, કારણ આટલી દુખી પ્રજા શા માટે વિરોધ નો એક શબ્દ પણ બોલી શકતા નથી..?અને શા માટે શાશક ની પ્રશંષા નાં ફૂલો વરસાવી રહ્યા છે..?
એક વ્યવસ્થીત રેકેટ ચાલી રહ્યું છે, જેમાં ગાંધીજી, નહેરુ, સરદાર, મૌલાના, જેવા નેતાઓ ની ઈમેજ ખરાબ કરવા માં આવી રહી છે, પાછલી સરકાર એ કશું નથી કર્યું એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ આ નવા શાશકે ઠાઠ માઠ સિવાય બહુ કર્યું લાગતું નથી.
આની સામે પ્રચારકો એક ચીલાચાલુ વાક્ય કહેવાનાજ કે આમને હજી ત્રણ વર્ષ જ થયા છે, એમને ટાઈમ તો આપો….! આપવા નો ક્યા સવાલ જ છે..? એમને ટાઈમ લઇ લેવાનો છે, પણ એ ટાઈમ નો કઈક જનતા નાં હિત માં ઉપયોગ થતો દેખાય એટલી અપેક્ષા તો પ્રજા જરૂર રાખે.
વર્ષો ની ગુલામી. રાજાશાહી નું અન્યાયી કડક શાશન વિગેરે ના કારણે આપણી પ્રજા સંવેદન રહિત બની ગઈ છે, જે લાદવા મા આવે તે મૂંગે મોયે સહન કરવા ની આદત પડી ગઈ છે,
જુલ્મી સરમુખત્યારો ની આ જ પધ્ધતિ હતી. ગમે તેવા જુલમ સામે અવાજ ઉઠાવનાર ને શિક્ષા કરી ને ચુપ કરી દેવા મા આવતા.
લોકો ની ખરી આવક ટેક્ષ ના કારણે ઓછી થઇ ગઈ છે, બચત નાં વ્યાજ ઉપર જીવનારા લોકો ની નજીવી આવક ઉપર પણ અતાર્કિક રીતે ઇન્કમ ટેક્ષ લેવા માં આવે છે,મહા મહેનતે બનાવેલ ઘર ને ભાડે આપીએ તોયે ટેક્ષ આપવાનો હોય છે, ચારે તરફ થી ટેક્ષ ની માયાજાળપ્રસરતી જાય છે, હવે અમૂક વર્ષ થી વધુ જીવનાર ઉપર પણ ટેક્ષ લાગે એ અસંભવિત નથી લાગતું.
રાજ ધર્મ નિભાવનારા રાજાઓ તો તેમના રાજ્ય નાં માલિકો હતા, લીલા માથા વધેરી ને તેમણે , રાજ્ય મેળવ્યું હતું, તેમ છતાં તેઓ રાજધર્મ નિભાવતા હતા, જયારે આજે તો શાશકો લોકો ના મત ના આધારે શાશક બની બેસે છે, રાજાઓ જેવી ખાનદાની ન હોવાથી પાંચ વર્ષ મા જેટલું કમાઈ શકાય એટલું કમાવા નિજ વૃતિ થઇ ગઈ છે,ભ્રષ્ટાચાર, શોષણ જેવી બદીઓ ચારે તરફ વધી ગઈ છે, પછી પ્રજા નું કામ કરવા ની કોને નવરાશ મળે..? પાંચ વર્ષ પછી આ પદ રહે કે ન રહે, માટે આજે બને તેટલું ભેગું કરી લો એવીજ લાગણી ચારે તરફ પ્રવર્તી રહી છે,
પહેલા રાજા પ્રજાનો માલિક હતો, પ્રજા તેના સંતાનો ગણાતા, આજે હવે શાશક પ્રજા ના મત દ્વારા શાશન મા આવ્યો હોય છે, પાંચ વર્ષ સુધી બને તેટલું કમાઈ લેવા ની ભાવના થીજ આ સત્તાધારીઓ આવે છે, તેઓ પ્રજા વતસલ નથી હોતા, પ્રજા ને એક સાધન સમજનારા હોય છે,,એટલે રાજધર્મ ની શી અપેક્ષા રાખવી..?
આપણા દેશ મા અનેક દુષણો રહેલા છે, લોકશાહી રાજ્ય્પધ્ધતિ પણ એક દુષણ જ બની ગઈ છે. આ એક જાત નો “મિડાસ ટચ “ છે, આપણો હાથ જેને લાગે એ બધુજ ભ્રષ્ટ અને સ્વાર્થી થઇ જાય છે.
ઘણા કહે છે કે આમાં સરકાર એકલી શું કરે..?આપણી પણ ફરજ બને છે, આવી ચીલાચાલુ ચવાયેલી વાત નો શું જવાબ આપવો..?સરકાર પાસે સત્તા છે , તે ધારે તે કરી શકે છે પણ પહેલા તેમણે ધારવું તો જોઈએ…!આપણે શું કરી શકીએ..? ટેક્ષ ભરીયે, લાંચ આપીએ, એ સિવાય આપણા હાથ મા છે શું..?કોઈ કહેશે “આપણે લાંચ આપવીજ ન જોઈએ. “ પણ જ્યાં લાંચ વગર કોઈ કામ થતું ન હોય, લાંચ વિરોધી ખાતું જ લાંચ માગતું હોય તો શું કરવું..?આપણું કામ કોની પાસે કરાવવું..? એનો જવાબ છે કોઈ પાસે..?બધી કહેવા ની વાતો છે, એક વર્ગ એવો હોય છે જે પોતાનોજ દોષ જોવા ટેવાયેલો હોય છે “આપણે લાંચ આપવીજ ન જોઈએ, “ “આપણેજ સ્વચ્છતા નું ધ્યાન રાખવું જોઈએ, “કેમ સરકારી પગાર ખાતા સફાઈ કામદારો કામ ન કરે..?એમની પાસે કામ ન લઇ શકાય..? બધો વાંક આપણો જ છે..?તો પછી બધી માગણીઓ , આંદોલનો છોડી ને ઘરે ઘરે શાશક નો એક ફોટો આપી દો , એટલે તેમની પૂજા કરી ને લોકો ઉપવાસો ખેંચી કાઢશે અને પસાર થતી બુલેટ ટ્રેન સામે હાથ હલાવતા ઉભા રહેશે…!રહેવા ઘર નહિ હોય પણ શૌચાલય તો જરૂર હોવું જોઈએ. એમાં પાણી નહિ હોય તો ચાલશે, ટીસ્યુપેપર ક્યા નથી..?ભલે એ પણ જી.એસ.ટી. ભરી ને ખરીદવા પડે . …!
ધર્મ નેજ ન માનનારા આપણા સજ્જનો રાજધર્મ ને પણ શાના સ્વીકારે..?

Posted ઓક્ટોબર 10, 2017 by sureshmsheth67 in Uncategorized

કીડની ફેલ્યોર _એક પેશન્ટ ની દ્રષ્ટિ એ .   Leave a comment

કીડની ફેલ્યોર _એક પેશન્ટ ની દ્રષ્ટીએ.

કીડની એ આપણા શરીર નું એક અગત્ય નું અંગ છે, શરીર ની આંતરિક સફાઈ ,લોહી માં પ્રસરેલ વિષ ને બહાર કાઢી ને શરીર ને તંદુરસ્ત રાખવા નું તેનું કામ છે, કીડની ચુપચાપ તેનું કાર્ય કર્યે જાય છે,અને અવિરત સેવા આપે છે, જો કીડની નું ફંક્શન ધીમું પડે, અથવા તેમાં કોઈ અવરોધ આવે,કે પછી કીડની કામ કરતી બંધ થઇ જાય તો શરીર આંતરિક કામગીરી ને ગંભીર અસર પહોંચે છે, શરીર મા પેદા થતા વિષ બહાર નીકળી શકતા નથી. અને શરીર મા જમા થયે જાય છે,
કોઈ દેશ મા ઘુસણ ખોરો ઘુસી આવે અને સરકાર , લશ્કર કે પોલીસ તંત્ર તેને બહાર તગેડે નહિ તો દેશ ને છેવટે ઘણું નૂકશાન થાય છે, એવીજ રીતે આ વિષ અથવા કચરો શરીર મા જમા થયા કરે છે અને તેની આડ અસરો થયા વિના રહેતી નથી.
કીડની ફેઈલ થવા નાં ઘણા કારણો હોય છે, કોઈ ગંભીર અકસ્માત થી લોહી નું વહી જવું , બહુ ખરાબ રીતે દાજી જવું કે કોઈ રોગની યોગ્ય સારવાર ન મળી હોય ત્યારે કીડની નું ફંક્શન અસર પામે છે, એ સિવાય , આમાનું કશુજ ન થયું હોય ,ત્યારે જુના ડાયાબીટીશ નાં કારણે પણ કીડની કામ કરતી બંધ થાય છે,
ડાયાબીટીશ નાં પેશન્ટ ને કીડની ખરાબ થવા નાં ઘણા ચાન્સીસ હોય છે, જો લોહી મા ગ્લુકોઝ નું સ્તર સતત વધેલું રહેતું હોય, અથવા તેમાં વારંવાર અપ્સ & ડાઉન્સ આવતા રહેતા હોય ત્યારે કીડની ઉપર અસર થયા વિના રહે તી નથી.સામાન્ય રીતે શરીર ની આંતરિક હિલીંગ સીસ્ટમ નાં કારણે ડાયાબીટીશ નાં પેશન્ટ તત્કાલ અસર જાણી શકતા નથી, પણ જયારે તેના કાબુ બહાર વાત જવા માંડે ત્યારે કીડની નું ફંક્શન ડીસ્ટર્બ થાય છે,
આ પ્રકાર નાં કીડની ફેલ્યોર એકદમ અચાનક નથી આવતા, શરીર ઘણા સમય પહેલા આપણ ને ચેતવણી આપતુજ રહે છે , પણ જો આપણે ચેતીએ નહિ તો છેવટ નું પરિણામ ભાગ્વ્યેજ છૂટકો થાય છે,
ડાયાબીટીશ મા બ્લડ સુગર અને યુરીન સુગર ની તપાસ કરવા માં આવે છે, જો સવારે ખાલી પેટે બ્લડ મા સુગર લેવલ ૮૦ થી ૧૨૦ યુનિટ રહેતું હોય , અને જમ્યા પછી ૧૩૦ થી વધતું ન હોય તો ડાયાબીટીશ કાબુ મા છે એમ કહી શકાય , જોકે આ પ્રમાણ રોજ રોજ બદલાતું રહેતું હોય છે. એટલે આજે ડાયાબીટીશ કાબુ મા હોય એટલે કાલે પણ એવુજ રહેશે એવું નક્કી ન કહી શકાય .એટલે ગમે તેટલું ધ્યાન આપો,એક્ષર્સાઇઝ કરો. ગળ્યું ખાવા નું તદ્દન છોડી દો તેમ છતાં સુગર કંટ્રોલ મા રહેતી નથી, અને જેમ ઉમર વધતી જાય તેમ કંટ્રોલ કરવા ની ક્ષમતા પણ ઘટતી જાય. અને ડાયાબીટીશ જુનો ક્રોનિક થતો જાય.
કીડની અચાનક બગડવા નાં કારણો તો ઉપર જણાવ્યા, એ સિવાય પણ જો કીડની બગડતી હોય તો તે અચાનક નથી બગડતી . શરીર તેની ચેતવણી જરૂર આપે છે. પ્રથમ તો યુરીન ની તપાસ મા આલ્બ્યુંમીન નામ નું પ્રોટીન જતું દેખાય છે, જો કોઈ પણ રીપોર્ટ મા યુરીન મા આલ્બ્યુંમીન ટ્રેસ થતું દેખાય કે તુરતજ ચેતી જવું જોઈએ, એમાં ગફલત કરવા થી કોડની બગડતી જાય છે. ઘણા ડાયાબીટીશ નાં ડોકટરો રીપોર્ટ માં આલ્બ્યુંમીન આવેલું જોવા છતાં તેનો ઉપાય બતાવતા નથી.અને ડાયાબીટીશ ની ચાલુ દવાઓ આપ્યે જાય છે,
“મેં એક ડોક્ટર ને પૂછ્યું કે આ આલ્બ્યુંમીન શું છે તે સમજાવશો..?તેમણે જરા વિચિત્ર નજરે મારી સામે જોયું અને પછી પોતાના માથા તરફ આંગળી ચીંધતા બોલ્યા “આ જુઓ છો..?મારા બધા વાળ સફેદ થઇ ગયા છે, આલ્બ્યુંમીન વિષે જાણવું હોય તો જીંદગી તેમાં હોમી દેવી જોઈએ. “હવે આવા ડોક્ટર ને શું કહેવું..?લોકો ડોકટરો પાસે રાહત મેળવવા જાય છે, તેઓ જે સારવાર કરે છે તેનું હાર્દ કોઈ ને જણાવતા નથી. પૂછીએ તો ગુસ્સો કરે છે, અરે ભાઈ તમને જવાબ આપતા કંટાળો આવતો હોય તો શા માટે કલીનીક ખોલી ને બેઠા છો..?ઘરે આરામ કરો ને..!દર્દી ને તમે શી સારવાર આપો છો, તેને કેવા પ્રકાર ની દવા આપો છો એના થી દર્દી ને વાકેફ કરવા મા શું રાષ્ટ્રીય સિક્રેટ ખુલ્લું પડી જવાનું છે..?
યુરીન મા આલ્બ્યુંમીન જતું દેખાય એજ કીડની બગડવા ની પ્રથમ ચેતવણી છે, એ વખતે ચેતી જવું જોઈએ, જોકે એ એટલું સરળ નથી હોતું, કારણ કીડની ધીમી ગતિએ બગડતી હોય છે, આપણે એમ માનીએ કે અલ્બ્યુંમીન તો જાય, બાકી આપણે તદ્દન સ્વસ્થ જ છીએ, અને એરીતેજ ખોરાક મા ફેરફારો ન કરીએ તો વધુ બગાડ થતો હોય છે.
કીડની બગડવા ની બીજી પણ નિશાની છે, શરીર ઉપર ખજવાળ આવે, યુરીન નું પ્રમાણ ઘટી જાય, અવારનવાર ડાયેરિયા થઇ જાય, ચાલવા માં સ્ફૂર્તિ ન લાગે, મારીજ વાત કરું, તો હું જયારે ગાંધીનગર જતો હતો ત્યારે ધોલાકુવા સ્ટેન્ડ ઉપર ઉતરવા નું થતું, ત્યાં થી અમારી ઇન્સ્ટીટ્યુટ લગભગ અર્ધો કિલો મીટર જેટલી દૂર હશે, બસ માં થી મારી સાથે ઉતરવા વાળા બીજા પણ કોઈ ભાઈ હતા, તે સામાન્ય ચાલ સાથે ચાલતા હતા, જયારે હું ખુબજ જોર કરી ને ઉતાવળે ચાલતો હતો, તેમ છતાં એ ભાઈ મારા થી ક્યાય આગળ નીકળી જતા, અને હું આટલું જોર કરવા છતાં પાછળ રહી જતો. કારણ એ વખતેજ કીડની નું ફંક્શન ધીમું પડ્યું હોવું જોઈએ ,
શરૂઆત મા કીડની બગાડવા ની અન્ય કોઈ ધ્યાન મા આવે એની નિશાનીઓ દેખાતી નથી.થાક કે કામ મા આળસ ,જેવું થતું ન હતું. હા, રાત્રે ઊંઘ બરાબર નહોતી આવતી. બીજી ખાસ નિશાની ભૂખ નહોતી લાગતી, ખોરાક નું પ્રમાણ ઘટી ગયું હતું. વજન સતત ઓછું થતું ગયુ બ્લડ રીપોર્ટ મા ક્રીએટીનીન નું પ્રમાણ ૧,૨૫ જેટલું આવવા લાગ્યું. ડોક્ટર નું ધ્યાન દોરવા માં આવ્યું તો તેમને કહ્યું કે બહુ ચિંતા જનક નથી.આટલું પ્રમાણ નોર્મલ કહેવાય, પણ હકીકત મા એ બોર્ડર લાઈન નું ક્રિએટીનીન હતું. ૧.૨૫ થી વધે ત્યારે કીડની ડેમેજ થઇ કહેવાય. બે ત્રણ રીપોર્ટ મા ક્રીએતીનીન નું પ્રમાણ ૧.૨૫ જ રહ્યું . એટલે આપણે ધાર્યું કે બધું બરાબર છે, પણ પછી એ પ્રમાણ વધવા લાગ્યું. ડોકટરે બહુ ધ્યાન ન આપ્યું. કારણ તે ડાયાબીટીશિયન હતો. નેફ્રોલોજીસ્ત ન હતો. સુગર લેવલ ૨૦૦ થી ૩૦૦ ની વચમાં રહેતું હતું. ચાલવું બહુ ગમતું ન હતું. તેમ છતાં અર્ધો કલાક ચાલવા નું રાખ્યું હતું, એ સાથે થોડા યોગાસનો, થોડી સ્ટ્રેચિંગ ની કસરતો, પ્રાણાયામ વિગેરે તો અચૂક ચાલતું હતું.
એ જ અરસા મા પગ ની પીંડી ઉપર એક ગુમડું થયું. સ્થાનિક ડોક્ટર ને બતાવ્યું, તેણે ત્રણેક દિવસ તેમની અનામી દવાઓ આપી, પછી બહાર ની એન્તીબાયોટીક લખી આપી , છ ટેબ્લેટ નો કોર્સ પૂરો કર્યો પણ ગુમડું કાબુ મા ન આવ્યું. બીજા છ દિવસ નો કોર્સ કર્યો,આમ લગભગ બાર થી વધારે એન્ટીબાયોટીક ગોળીઓ લીધી. છેવટે ડોકટરે હાથ ઊંચા કરી દીધા, કે હવે આ મારું કામ નથી….! કોઈ સર્જન પાસે જાવ અને ચેકો મુકાવો. ..!એ બિચારાએ કમાઈ લીધું હતું. હવે તેના વશ માં કશું ન હતું..!સર્જન નો સંપર્ક કરી ને ગુમડા ઉપર ચેકો મુકાવ્યો.. એ સમયે એ હોસ્પિટલ ના એક ફીજીશીયન ને કશો વહેમ પડ્યો , તેમણે રીપોર્ટ કઢાવ્યા તો તેમને જાણ થઇ કે કીડની ડેમેજ થઇ છે, મને કલાક મા રજા આપવા ની હતી તેને બદલે ચાર દિવસ રાખવા મા આવ્યો. અને અનેક રીપોર્ટ કઢાવી ને કીડની સારવાર શરુ કરાવી. તેમણે કોઈ નેફ્રોલોજીસ્ત ને રીફર કરવા પણ કહ્યું. છેવટે ઝાઈડસ હોસ્પિટલ નાં ડો. હિમાંશુ પટેલ ની ત્રીત્મેન્ત શરુ કરી, એક વખત ડાયાલીસીસ પણ કર્યું અને તેની વિવિધ પ્રકાર ની દવાઓ ચાલુ થઇ.
નેફ્રોલોજીસ્ટ નાં કહેવા મુજબ કીડની ૧૭ ટકા કામ કરે છે, એમાં હવે સુધારો નહિ થાય, પણ જે છે તે જાળવી રાખવા માટે ટ્રીટમેંન્ટ આજીવન ચાલુ રાખવા ની રહેશે.
ડાયાબીટીસ અનેક લોકો ને હોય છે, પણ બધાની કીડની આમ દગો દેતી નથી, ઘણા તો ડાયાબીટીસ સાથે ઘણા વર્ષો જીવતા હોય છે, અને તેમનું ક્રિએટીનીન નું લેવલ સારું હોય છે, ઘણા નિયમિત દવા પણ નથી લેતા છતાં મોજ થી જીવતા હોય છે, પણ આપણે એવર્ગ મા નહિ આવતા હોઈએ…!આમાં ક્યાંક ડોકટરો ની ધંધાદારી વર્તણુક , આપણી પણ બેદરકારી વર્ષો થી આલ્બ્યુંમીન દેખાતું હોવા છતાં ડોકટરો એ તે તરફ ધ્યાન ન આપ્યું, આપણે પણ બહુ ગંભીર ન ગણ્યું એવા બધા કારણો હોઈ શકે છે.
કીડની ફેલ્યોર નાં પેશંટે દિવસ દરમ્યાન એક લીટર પાણીજ પીવું જોઈએ, આ એક લીટર મા ચાં, કોફી છાશ, દૂધ કે અન્ય પીણા બધુજ આવી જાય, પોટેશીયમ યુક્ત પદાર્થો બંધ કરવા પડે, ફ્રુટ મા માત્ર એપલ. પપૈયું,જેવા ફળો જ થોડા લઇ શકાય, શાકભાજી ખાવા ની છૂટ છે, મીઠુ સોલ્ટ દિવ ભર માં ૩.૫ ગ્રામ થી વધુ નહિ લેવાનું, આટલું ધ્યાન રાખવા થી ફાયદો તો નહિજ થાય, પણ જે છે તે જળવાઈ રહેશે.
પહેલા પાણી બહુજ પીવાતું હતું. એ દિવસો મા એક પ્રયોગ બહુજ પ્રચલિત હતો, સવારે ઉઠી ને બ્રશ કર્યા વગર ખાલી પેટે ચાર ગ્લાસ પાણી પી જવું.એના થી કીડની સાફ થશે, દિવસ ભર મા ત્રણ કે ચાર લીટર પાણી પિતા રહેવું . આ પ્રયોગ મેં પણ કર્યો હતો. એ વખતે કીડની ની હાલત ની ખબર ન હતી, પણ બગડેલી કીડની આટલું પાણી કેવી રીતે જીલી શકે..? એટલે પગ મા અને મો ઉપર સોજા રૂપે આ પાણી દેખાવા લાગ્યું. હવે પાણી એક લીટર જ પીવા થી સોજા ઉતરી ગયા છે, આવા ગાંડા પ્રયોગો માં ડોક્ટર ની સલાહ વિના પડવું ન જોઈએ એવું સમજાયું .
આ પહેલા પણ એક ડોક્ટર ને થોડો વહેમ ગયો હતો, તેમણે સલાહ આપી હતી કે તડકા માં નહિ ફરવું, પાણી બહુ ન પીવું તડબુચ જેવા ફળો ન ખાવા, વિગેરે. પણ આપણે બહુ ધ્યાન ન આપ્યું એ આપણી જ ભૂલ …!
સામાન્ય પણે જોઈએ તો કીડની બચાવવા માટે નિયમિત ડાયા બીટીશ ની તપાસ કરાવવી. બ્લડ સુગર ઉપરાંત ક્રીએટીનીન , પોટાશીયમ સોડીયમ જેવા તત્વો ની હાજરી ની તપાસ કરાવતા રહેવું જોઈએ, સુગર લેવલ જળવાઈ રહે તેવો ખોરાક લેવો જોઈએ, જંકફૂડ બિલકુલ બંધ કરવું જોઈએ, થોડી કસરત, પ્રાણાયામ નિયમિત કરતા રહેવું જોઈએ, પાણી જરૂર મુજબ જ પીવું જોઈએ, વધુ પાણી પીવા થી કીડની સાફ થાય એ માન્યતા મા બહુ તથ્ય નથી, ઉલટું તેના થી કીડની ઉપર બિન જરૂરી બોજો પડે છે,
કીડની સારી હોય એ લોકો નસીબદાર છે, પણ આ નસીબ જાળવી રાખવું હોય તો ઉપરોક્ત માર્ગે ચાલી ને કીડની ની જાળવણી કરતા રહેવું જોઈએ, ડાયાબીટીસ નાં પેશન્ટો તો ઘણું લાંબુ જીવતા જોયા છે, કીડની પેશન્ટ નું જીવન કેટલું લંબાય એ કહી શકાતું નથી.તેમ છતાં જે નથી જાણતા એ જાણવા ની જરૂર પણ નથી , ચિંતામુક્ત રહી મૃત્યુ ને પણ પ્રિય મહેમાન તરીકે સ્વીકારી ને જીવાય એટલું જીવી લેવું જોઈએ,
આપણે કાઈ મેડીકલ સાયંસ ભણ્યા નથી,એટલે આમાં કોઈ ખોડ કાઢી શકે છે, તો તે સ્વીકાર્ય છે. આમાં તો અનુભવ અને સિદ્ધાંતો બંને નું મીશ્રણ જ સારું કામ આપી શકે.

Posted ઓક્ટોબર 9, 2017 by sureshmsheth67 in Uncategorized