Archive for ઓગસ્ટ 2017

એ યુગ ,   Leave a comment

એ યુગ .
અત્યારે એવું જરૂર લાગે છે કે ચીમનકાકા એ અમારા માં એવું શું જોયું કે એકદમ તૈયાર થઇ ગયા…!મારી પાસે કોઈ સારી જોબ ન હતી, ઘર ખુબ નાનુ હતું, ભાઈ પણ બહુ સારું કમાતો ન હતો. તો પછી છેક મુંબઈ સુધી લાંબા કેમ થયા…! અમદાવાદ માજ તેમને સારો છોકરો કેમ ન મળ્યો..? પણ એ બધી ચર્ચા નો કોઈ અર્થ ન હતો.
એ વખતે છોકરો જોવા જનાર નો એક પ્રશ્ન ખાસ રહેતો કે કેટલા મળે છે..?જવાબ માં કહેવાતું કે બસો પગાર છે , અને એટલા બીજા પાડે છે….! આ “પાડે છે” એટલે શું સમજવું..? ક્યા થી પાડતા હશે…!ઝાડ ઉપર થી..?આ :પાડવા “ ને હોશિયારી સમજવા મા આવતી હશે, પગાર ઉપરાંત પણ આવક ધરાવે છે એટલે છોકરો પાણીદાર કહેવાતો હશે. ..! પણ અમે તો જે સાચું હતું તેજ કહેવા મા માનતા હતા, એટલે ચીમનકાકા એ તેમની પુત્રી ને અમારા ઘર માં આપવા નું કેમ વિચાર્યું એ તો એ અને એમનું પરિવાર જ કહી શકે, મોટાબેન સુશીલા બેન ને કહેતા સાંભળ્યા હતા, કે “કાકા” (એટલે તેમના પિતાજી ચીમનકાકા ) એ ત્રણે ય બહેનો માટે કશું જોયું નથી. “ એમની બહુ ઇચ્છા ન હોય એવું લાગ્યું. એટલે આવા પ્રતિકુળ વાતાવરણ મા સંબંધ નું આ વ્રુક્ષ કઈ રીતે અને કેવું ઉગશે એ કહેવું મુશ્કેલ હતું. શુકન નો રૂપિયો આપી ને એ લોકો એજ સાંજે અમદાવાદ જવા નીકળી ગયા, એટલે ભાવી પત્ની સાથે વધુ કોમ્યુનીકેશન થઇ ન શક્યું.
અમદાવાદ માં ભાવીપત્ની ની બેનપણીઓ માં તેનો વટ પડી ગયો હતો, કારણ મુંબઈ જેવા શહેર મા જવાનું હતું, અને છોકરો પણ દેખાવડો હતો….!આવું મેં પત્ની ના મુખેજ પાછળ થી સાંભળ્યું હતું. એમાં કેટલું સત્ય હતું એ તો હું એકલોજ જાણતો હતો, ….!!.મુંબઈ માં મેં શું વાવટા ફરકાવ્યા હતા, એ મને તો ખબર જ હોય ને…!
એક રૂમ કિચન અને બાલ્કની ધરાવતા નાના ફ્લેટ માં છ જણા નો સમાવેશ થવો મુશ્કેલ હતો, પણ આ તો મુંબઈ હતું….! મુંબઈ માં તો બધા આમજ રહે એવી વાત બહુ પ્રચલિત હતી.
બે મામાઓ ,પ્રાણ લાલ મામા, અને ત્રંબકલાલ મામા ભૂલેશ્વર ની હનુમાન ગલી માં મા રહેતા હતા, દશ બાય દશ ની રૂમ હતી, એમાં જ રસોડું, અને બેડરૂમ અને ડ્રોઈંગ રૂમ બધું આવી જતું હતું, બંને ભાઈઓ અલગ કામ કરતા હતા, પણ રહેવા માટે તો આ એકજ રૂમ હતી, બંને મામીઓ વારાફરતી છ છ મહીને આવતી, અને છ મહિના તેમના વતન વિંછીયા મા રહેતી હતી. એ પણ એ સમય ની એક લાક્ષણીકતા હતી. એમનું જીવનધોરણ તો ખુબ સારું હતું, બંને સારું કમાતા હતા, પણ કોઈ ને પરા માં જવું ન હતું એટલે રહેવા માટે આ શુકનિયાળ રૂમ જ રાખેલ હતી.
એમના પ્રમાણ મા અમારો એક રૂમ નો ફ્લેટ ઘણી રીતે સારો હતો, પણ જોરાવરનગર નાં મુક્ત અને વિશાળ ઘર મા રહેલ હોઈ અહી ગોઠવાવું જરા તકલીફ વાળુ લાગતું હતું.હન્સાભાભી જરા ડોમીનેટીન્ગ સ્વભાવ ધરાવતા હતા, તેમની દેરાણી આમતો તેમના બનેવી નિજ સગી બેન હતી પણ પરસ્પર અહં નો ટકરાવ થતો રહેતો હતો, અમે પણ આટલા વર્ષો મા બા અને બહેનો સિવાય અન્ય કોઈ સ્ત્રી ને ઘર માં જોઈ ન હતી એટલે અમે પણ હન્સાભાભી સાથે તેમના સ્વપ્ન મુજબ નું વર્તાવ કરવા માં નિષ્ફળ રહ્યા હતા, અમારા બા એ પણ આજ સુધી એકચક્રી શાશન ભોગવ્યું હતું, એટલે તેઓ પણ ડીવાઈડ એન્ડ રૂલ ની નીતિ અપનાવતા હતા, ઘડી મા એક વહુ સારી લાગે તો બીજી ઘડીએ બીજી સારી લાગે, પરિણામે બંને વહુઓ માં કટુતા પેદા થવા લાગી.
હસમુખ અગાઉ કહ્યું તેમ આ લગ્ન કરવા માજ રાજી ન હતો, અમે બધાએજ તેને પરાણે આ સંબંધ માં વળગાડ્યો હતો, પણ લગ્ન પછી ભાભી નો પ્રભાવ તેના ઉપર વધતો ગયો. અમે બે ભાઈઓ જે આજ સુધી મિત્ર ની જેમ ઉછર્યા હતા, તેમની વચ્ચે પણ સ્પર્ધા, સ્વાભિમાન અને અહં નો ઉદ્ભવ થવા લાગ્યો .આપણા માં પત્નીઓ ગૃહલક્ષ્મી કહેવાય છે, પણ એજ પત્નીઓ ગૃહકલેશ ને પણ કોઈવાર આમંત્રણ આપે છે એ એક કટુ સત્ય છે. બધાજ થોડે ઘણે અંશે દોષિત હતા, કોઈ દુધે ધોયેલા ન હતા, અમારા છ વ્યક્તિઓ નાં આ પરિવાર માં પિતા તો તદ્દન નિર્લેપ હતા, બાકી નાં પાંચ માંથી કોઈ ને તદ્દન નિદોષ કહી શકાય એમ ન હતું,હું જોઈ શકતો હતો કે હસમુખ ઉપર આ વાતાવરણ નું બ્બહુજ ટેન્શન રહેતું હતું , તે કોઈ ને કહી શકતો ન હતો, તેનું ઘર માં બોલવું બહુ ઓછું થતું ગયું, અને મારા થી પણ તે દૂર થતો ગયો.
મેં એક ધોરણ સ્વીકાર્યું હતું, કે મારી બાને જે કહેવા જેવું હો તે હું કહેતો પણ અન્ય કોઈ તેમના વિષે ઘસાતું બોલે કે તેમની સામે ઊંચા અવાજે વાત કરે તે હું સ્વીકારતો નહિ, તેમની સાથે લડવા નો અધિકાર મેં મારી પાસેજ અનામત રાખ્યો હતો, પણ ભાભી કે પત્ની તેમ કરે તે હું સહન કરી શકતો ન હતો. હું કોઈ માતૃભક્ત ન હતો, પણ આટલી એક મર્યાદા મેં સ્વીકારી હતી, એટલેજ કોઈ વાર પત્ની સાથે કે ભાભી સાથે ટકરાવ થઇ જતો. પત્ની જરા નમ્રતા રાખતી, કારણ મેં પ્રથમથીજ ભાભી નો દાખલો લઇ ને તેને મારા ઉપર છવાઈ જતા રોકી હતી. તે સંયુક્ત કુટુંબ માંથી આવતી હતી એટલે આવા કૌટુંબિક સંઘર્ષ થી ટેવાયેલી હતી. ભાભી તેના ભાઈ ની જ સાળી હતી, તેમણે જ તેનું ગોઠવી આપ્યું હતું, તેમ છતાં તેમની તરફ તે મૈત્રીપૂર્ણ વર્તાવ ન રાખી શકી, એવું કેમ થયું એ સમજી શકાતું નથી. છેવટે તો અમે બધાજ સ્વતંત્ર મિજાજ નાં, અને સ્પર્ધાત્મક બની ગયા હતા, જે લાંબા સહજીવન માટે અનિષ્ટકારી હતું.
દરમ્યાન ચીમનકાકા નાં મોટા જમાઈ જે ગુજરાતસરકાર માં સીનીયર મામલતદાર સ્તરે પહોંચી ગયા હતા, તેમણે મને સરકાર નાં એક જાહેરનામાં ની છાપામાં આવેલી એક નકલ મોકલી , તેમાં તાલુકા ડેવલપ મેન્ટ ઓફિસરો ની ભરતી કરવા ની જાહેરાત હતી.અરજીફોર્મ નો નમૂનો પણ આપવા મા આવ્યો હતો. મેં અરજી વ્યવસ્થિત તૈયાર કરી અને બધાજ પ્રમાણપત્રો ની નકલો સાથે મોકલી આપી.બહુ આશા ન હતી, પણ સાઢૂભાઈ નો આગ્રહ હોઈ અરજી રવાના કરી હતી.
દરમ્યાન હસમુખ મને જન્મભૂમિ ન્યુઝપેપર ની ઓફિસે લઇ ગયો.

Advertisements

Posted ઓગસ્ટ 31, 2017 by sureshmsheth67 in Uncategorized

એ યુગ,   Leave a comment

એ યુગ,

હમણાજ એવો ખયાલ આવ્યો, કે આ લેખમાળા યુગ વિષે, યુગના પ્રવાહો વિષે, લખવાની છે, આ કોઈ આત્મ કથા નથી, આત્મકથા કહેવાનો અધિકાર પણ નથી, માત્ર સમય નાં પ્રવાહ નેજ વણી લેવાનો છે, એટલે હવે પછી અંગત પરિવાર કથા અહી કહેવા નું કોઈ પ્રયોજન નથી, તેમ છતાં સંબંધિત પ્રસંગો માં થોડી પરીવાર કથા આવી જઈ શકે છે,
અમે અમારા મગન મામા ની સલાહ થી બોરીવલી માં , સ્ટેશન થી પંદર મિનીટ ના રસ્તે નવા બનેલ પદ્મશ્રી નામ નાં એક રહેવાસી સંકુલ માં એક રૂમ રસોડું બાલ્કની નો એક ફ્લેટ સાત હજાર ની પાઘડી આપી ને ભાડા ઉપર લીધો, પીતામાતા, ભાઈ અને ભાભી સાથે ત્યાં રહેવા લાગ્યા, પાંચ વ્યક્તિઓ માટે આ જગ્યા ઘણી નાની હતી, પણ આ તો મુંબઈ હતું…! એમાં તો લાખો લોકો આમજ રહેતા હતા, તો અમને વધુ સારું ઘર એટલા ઓછા પૈસે મળે તેવી અપેક્ષા જ ન હતી. ભાઈ ભાભી રસોડા માં પથારી કરતા હતા, બહાર ના રૂમ મા માતાપિતા અને મારો સમાવેશ હતો.
મુંબઈ નું જીવન જીરવવું મારા માટે મુશ્કેલ હતું, પણ અન્ય કોઈ માર્ગ ન હતો.
દરમ્યાન મારા માટે વાત ચાલવી શરુ થઇ ગઈ હતી,
એક ભાઈ તો હું જ્યાં સર્વિસ કરતો હતો ત્યાં આવી ચઢ્યા, જોરાવરનગર થી કોઈ એ ભલામણ કરી હોય એમ લાગ્યું.મારી સર્વિસ નું સ્થળ નુ તેમણે નિરિક્ષણ કર્યું,
“શું સેલેરી મળે છે..?”તેમણે પૂછ્યું.
મને એ વખતે ૨૦૦ રૂપિયા મળતા હતા, મારે કશું છુપાવવું ન હતું મેં સાચી રકમ કહી,
“જરા બહાર આવશો..?”તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર નાં અંદાઝ મા કહ્યું.
હું અકબરઅલી ની રજા લઇ ને બહાર આવ્યો. તે મને ચાલતા એક દિશા માં લઇ ગયો.
“ જરા સામે સુધી ચાલી ને બતાવશો..?”તેને વિચિત્ર રીતે કહ્યું.
“શા માટે..?’મેં કુતુહલ થી પૂછ્યું.
“બસ, એમજ “તેણે કહ્યું.
એટલે તમને કોઈએ એવી માહિતી આપી છે કે મને પગે ખોડ છે..?’”મેં જરા ગુસ્સે થતા કહ્યું.
“નાં નાં ભાઈ આ તો અમસ્તું.”
“જુઓ તમે મને લશ્કર માં કે પોલીસ મા ભરતી કરવા આવ્યા છો..? મારો ટેસ્ટ લેવા માગો છો..? તો મને એવી પરિક્ષા આપવા મા રસ નથી.”
તે ભાઈ જરા છોભીલા પડ્યા, હું પાછો ફરી ને મારી દુકાન તરફ ચાલવા લાગ્યો , પાછું ફ્રરી ને મેં એક નજર નાખી, તો તે મને ચાલતો જોઈ રહ્યા હતા, મને ખાતરી થઇ કે તેમને મારી ચાલ જોવી હતી.મારો રેફરન્સ આપનારે કદાચ એમને એવું કહ્યું હોવું જોઈએ કે મને પગે ખોડ છે કે નહિ તે ચકાસવું.
મેં સાંભળ્યું હતું કે પહેલા નાં જમાના મા છોકરી જોવા જતા ત્યારે છોકરાવાળા તે છોકરી ને દેરાસર કે મંદિર સાથે આવવા કહેતા, જેથી તેની ચાલ માં કાઈ ખામી નથી તે પારખી શકાય, પણ છોકરા ની પણ આવી ચકાસણી થતી મેં પહેલી વાર જોઈ. મને અપમાન જેવું લાગ્યું અને મેં એ ભાઈ સાથે જે વર્તન કર્યું એનો મને કદી પસ્તાવો નથી થયો. એ ભાઈ કોણ હતા, કે કોનાતરફ થી આવ્યા હતા એ કશી ખબર ન પડી. અને કિસ્સો ભુલાઈ ગયો. અલબત્ત એક અનુભવ થયો કે લગ્ન નાં બજાર મા આવી ચકાસણી થતી હોય છે.
મારા કઝીન મામા મગન મામા એ તેમની સાળી માટે મારો વિચાર કર્યો. મગન મામા પ્રેમાળ વડીલ હતા, પ્રાણલાલ મામા કરતા તેમની સાથે વાત કરવી સહેલું હતું. જોકે તેમને પ્રાણલાલ મામા સાથે પરામર્શ તો કર્યોજ હતો એ પછીજ ઓફર લઇ ને આવ્યા હતા, મગન મામા ની સાળી દેખાવ માં તો સારી હતી. સહેજ ભીનેવાન હતી, (આ શબ્દ આપણે સારો શોધી કાઢ્યો છે, શ્યામ, કાળી કે ઘઉં વરણી એવું ન કહેવું હોય તો ભીનેવાન શબ્દ પ્રયોજવા માં આવતો. )જો કે નાક નકશો સારો હતો, જેને નમણી કહી શકાય એવી હતી, પણ ઉમર માં જરા મોટી લાગતી હતી, સાચી ઉમર તો ખબર નથી , માત્ર દેખાવ એવો લાગતો હતો કે આ છોકરી આવા ઘણા પ્રસંગો માં થી પસાર થઇ ચુકી હોવી જોઈએ, બોલવા ચાલવા માં સારી હતી. અમે એ સમયે ચાલતા ચીલાચાલુ પ્રશ્નોત્તર કર્યા,
તેના પિતાશ્રી હોય કે બીજું કોઈ એ બરાબર ખબર નથી, પણ તેમને મારો ઈન્ટરવ્યું લેવા માંડ્યો.શું કરો છો, ક્યા નોકરી છે, પગાર ઠીક હશે, બીજે પ્રયત્ન કરો છો કે નહિ..?બેંકો માં કેમ અરજી નથી કરતા, આવી વેપારી પેઢી મા કેરિયર જેવું ન બને, બેંક માટે ટ્રાય કરતાજ રહેજો.વિગેરે, મારી જોબ એ વખતે કાઈ એવી આકર્ષક ન હતી, ઘર પણ નાનુ હતું, માતાપિતા ભાઈ ભાભી બધાએ સાથેજ રહેવાનું હતું,આ બધી હકીકત ઉપર તેમણે બહુ લક્ષ્ય ન આપ્યું,તેમણે એ આશા સાથે મારો મનોમન સ્વીકાર કર્યો લાગતો હતો કે ભવિષ્ય માં બેંક જેવી સારી જોબ મળીજ જશે, એટલે છોકરી નાખવા મા વાંધો નહિ લાગ્યો હોય.
એમના ગયા પછી મગન મામા એ મારો વિચાર જાણવા માગ્યો. ઘર માં ચર્ચા કરી ને જવાબ આપવા નું મારી બાએ કહ્યું.
એકંદર બધા ને ખાસ વાંધો લેવા જેવું લાગ્ય ન હતું. દરમ્યાન હંસાભાભી એ બીજી ઓફર ઘર માં કરી, તેમના એક બનેવી ચંપક લાલ અમદાવાદ માં દવા ની દુકાન ધરાવતા હતા, તેમની નાનીબેન લગભગ હંસાભાભી જેવડી જ હતી તેના માટે વિચાર કરવા તેમણે કહ્યું, ઘર બહુજ સારું છે, અને પઈસો તો કેટલો છે… !દવાની દુકાન ધમધોકાર ચાલે છે, ઘર જરા જુનવાણી છે, પણ આપણે છોકરી લેવા મા શું વાંધો…!બા, બહેન બધા એ મળી ને નક્કી કર્યું કે જોવા મા શું વાંધો છે, તેથી હન્સાભાભી એ તેમના બનેવી ને લખી નાખ્યું,
દરમ્યાન કોઈ ની ભલામણ સાથે ઘર શોધતા શોધતા એક ભાઈ ગુણવંત ભાઈ આવી ચઢ્યા, ખુબ જ આત્મીય ભાવે વાતો કરી તે જલગામ થી આવતા હતા, તેમની બહેન માટે આવ્યા હતા, તેમને હું પસંદ પડ્યો હતો. (કેમ એ તો એજ જાણે …!)તેમણે બા અને મોટા બહેન ને જલગામ આવવા નિમંત્રણ આપ્યું. બંને તૈયાર થઇ ગયા, એમને પસંદ પડશે તો પછી મારે જવું એમ નક્કી થયું.
બા અને બહેન જલગામ થી આવી ને ખુબ જ આનંદ વ્યક્ત કરવા લાગ્યા, છોકરી નો ફોટો પણ લાવ્યા હતા, ફોટા માં છોકરી બહુજ પ્રભાવશાળી દેખાતી હતી. ગુણવંત ભાઈ ને કહેવા માં આવ્યું કે તમે છોકરી ને લઇ ને મુંબઈ આવો તો બધું નક્કી કરી લઈએ, પણ ગુણવંત ભાઈ નો આગ્રહ હતો કે પહેલા મુરતિયો અમારા ઘરે આવી જાય, એ પછી જો બધું મંજૂર હશે તો તેમની સાથેજ છોકરી ને મુંબઈ મોકલીશું, પણ એક વાર ભાઈ ને જલગામ મોકલો.
જલગામ નાસિક પાસે, દેવ્લાલી ની બાજુ મા આવ્યું હતું, પહેલા તો અમે વિચાર કર્યો કે એટલે બધે કોણ જોવા માટે જાય, પણ છોકરી ની તસ્વીર જોઈ ને આપણે થોડું નમતું મુકવું જોઈએ, એમ ઠરાવવા મા આવ્યું. મારી સાથે આવવા માટે બનેવી ને તૈયાર કર્યા. અને એક રાતની ગાડી મા અમે બંને જલગામ જવા નીકળ્યા, રીઝર્વેશન તો હતું નહિ, મોટા ભાગે ઉભા ઉભા અને થોડી જગ્યા મળે તો વારાફરતી થોડું બેસી ને પ્રવાસ કરવો પડ્યો. વહેલી સવારે જલગામ ઉતર્યા, એ વખતે મોબિલ ફોન તો હતા નહિ. લેન્ડ લાઈન ટેલીફોન પણ એક લકઝરી ગણાતી, એટલે ગુણવન્ત્ભાઈ ને એક પોશ્ત્કારડ દ્વારા ખબર તો આપી હતી,પણ કોઈ સ્ટેશને લેવા આવ્યું ન હતું, કદાચ કાર્ડ મળ્યું નહિ હોય…! એડ્રેસ સાથે હતું એ લઇ ને ઘર શોધતા ચાલ્યા, ઘર મળી ગયું. અમે આવતા પહેલા એક પોશ્ત્કાર્ડ તો લખ્યું હતું,પણ ઘર માં કોઈ ચહલ પહલ દેખાતી ન હતી. એક આધેડ મહીલા એ ઘર ઉઘાડ્યું.અમને જોઈ ને જરા ડઘાયા હોય એવું લાગ્યું અંદર આવવા કહ્યું અમે અંદર જઈ ને બેઠા, તુરતજ એક યુવાન છોકરો સાયકલ લઇ ને બહાર ચાલ્યો. ઘર માં ગુણવંત હતો નહિ, તે જુદો બીજા ઘર મા રહેતો હશે, એટલેજ તેનો નાનોભાઈ તેને બોલાવવા દોડ્યો હશે એવું ધાર્યું. અમને પાણી અને ચાં આપ્યા ત્યાં સુધી તો ગુણવંત આવી ગયો. ખુશાલી વ્યક્ત કરી ને અમારી સાથે બેઠો,મને ખ્યાલ તો આવી ગયો કે આ લોકો એ અમારા આવવા ની આશા રાખી ન હતી, અને અમે અણધાર્યા આવી ગયા હતા, પોષ્ટ કાર્ડ તો મળ્યું હશેજ પણ તેમ છતાં તેઓ કેમ આમ બેદરકાર રહ્યા હશે એસમાંજાયું નહિ.
સામાન્ય વાતો મા સમય પસાર થવા લાગ્યો. જમવા નો સમય થયો અમને જમવા બેસવા કહ્યું, જમવા મા તદ્દન સાદું હતું. છોકરી ને જોવા બહાર ગામ થી આવનાર મહેમાનો માટે કોઈ વિશેષ વાનગી નું આયોજન ન હતું. બનેવી બહુ વ્યવ્હાર કુશળ ન હતા, તે તેમનું કામ સાથે લઇ ને આવ્યા હતા, એટલે કામ લઇ ને બેસી ગયા, જમ્યા પછી ગુણવંત અને અન્ય પરિવાર ના સભ્યો બીજા રૂમ મા એકત્ર થયા હોય એવું લાગ્યું. થોડી ચર્ચા થતી હોય એમ લાગતું હતું.
થોડી વારે ગુણવંત બહાર આવ્યો.અને મને એક બીજા નાના રૂમ મા લઇ ગયો. ત્યાં પેલી છોકરી પહેલેથીજ ઉપસ્થિત હતી. તેનું નામ અરુણા હતું. ગુણવંત બહાર ગયા પછી મેં થોડી પ્રશ્નોત્તરી શરુ કરી, છોકરી એકાદવાર જોરાવર નગર આવી ગઈ હતી એમ જાણવા મળ્યું અને જોરાવર નગર થીજ ગુણવંત ને અમારી માહિતી મળી હોવી જોઈએ, અરુણા ની ઉંચાઈ લગભગ મારા જેટલીજ હતી, એટલે તેને ઉંચી કહી શકાય, એટલું જતું કરીએ તો અરુણા ફોટા મા દેખાતી હતી એના થી પણ વધુ સારી લાગતી હતી. થોડી વાત કર્યા પછી અમે બહાર આવી ગયા,
બપોર ના સમયે એક યુવાન છોકરો આવ્યો. તેણે મારો ઈન્ટરવ્યું લેવા માંડ્યો. લોખંડ ના અત્યારે શું ભાવ ચાલે છે,,સળિયા,એન્ગલ,પ્લેટ વિગેરે ના ભાવ પુછવા માંડ્યો. મેં જણાવ્યું કે હું આ બીઝનેસ માં નોકરીજ કરું છું મને બહુ ઊંડું જ્ઞાન નથી. એ છોકરો મારી સામે વેધક દ્રષ્ટિ એ જોયા કરતો હતો.
સાંજે અમને સ્ટેશન મુકવા ગુણવંત બહુજ ઉતાવળો હતો. ટ્રેન ભરચક હતી અમે માંડ ચઢી શક્યા, ગુણવંત મને ટ્રેન માં ચઢાવવા માટે વધુ ઉત્સુક હતો, હું રહી ન જાઉં એવી તેની ઈચ્છા હોય એમ લાગ્યું. આખી રાત ટ્રેન મા ઉભા ઉભા જવું પડ્યું. એક મીલીટરી સોલ્જરે મને ઉભા ઉભા ઊંઘતો જોઈ ને પોતાની જગ્યા આપી. અને અમે પાછા મુંબઈ પહોંચ્યા.
બા અને બહેન તો બહુ સારી રીતે જલગામ જઈ આવ્યા હતાં અને માનભેર રહી આવ્યા હતા, એટલે હવે ગુણવંત તરફ થી જવાબ આવવા નિજ રાહ હતી.
પણ જવાબ આવ્યોજ નહિ. બનેલ પ્રસંગો નું વિશ્લેષ્ણ કરતા મને સમજાયું કે ઘર માં ગુણવંત સિવાય કોઈ આ લગ્ન ઇચ્છતું ન હતું, અરુણા મારો ઈન્ટરવ્યું લેનાર યુવાન સાથે પ્રેમ પ્રકરણ માં હોય એવું લાગ્યું. તેને આ સંબંધ કરવા ની ચોખ્ખી નાં પાડી હોવી જોઈએ, એટલેજ ગુણવંત સ્ટેશન આવ્યો ન હતો, એ લોકો એ ધાર્યું કે અજાણ્યા ગામ મા ઘર નહિ મળે તો આ મહેમાનો પાછા જતા રહેશે, પણ અમે તો જઈ ને પડ્યા…! એટલે તાત્કાલ ગુંણવન્ટ ને બોલાવવા મા આવ્યો અને બધીજ ફોર્માલીટી કરવા મા આવી. મને એ પણ યાદ આવ્યું કે છોકરી જરા પણ શરમાતી ન હતી અને ખુબ બોલ્ડલી જવાબો આપતી હતી.તે આ સંબંધ માં જરા પણ રસ ધરાવતી હોય એમ લાગ્યું નહિ એટલેજ અમને સાદું શાક રોટલી જેવું જમણ આપવા મા આવ્યું. અને આવી પડેલું ધર્મસંકટ જેમ તેમ પાર કર્યું.ગુણવંતે આવું કેમ કર્યું તેનો એકજ ખુલાશો હતો કે છોકરી અન્ય સ્થળે એન્ગેજ હશે, અને આ સંબંધ કરવા માનતી નહિ હોય .
તત્કાલ તો આબધુ સમજાયું ન હતું, અને અમે બધા ગુણવંત ના પોઝીટીવ જવાબ નિજ રાહ જોયા કરતા હતા, છેવટે ઘણા દિવસ થયા એ પછી અમે સમજી ગયા કે એ લોકો આમાં આગળ વધવા માગતા ન હતા, પણ તો ગુણવંતે આટલો ભાર મૂકી ને કેમ બોલાવ્યા એ પણ સમજવું અઘરું હતું. પણ એ રહસ્ય કદી ઉકેલાયું નહિ.
જોકે એ સમય માં પણ આટલી હિંમતવાન છોકરીઓ હતી ખરી એવું જાણી શકાયું, આખા પરિવાર ની સામે પડી ને, આવેલા મહેમાનો ની ઠંડી ઉપેક્ષા કરવી એ ખરેખર હિંમત નું કામ હતું. પરંતુ ગુણવંતે અમને આની જાણ કરવી જોઈતી હતી, તો અમારો આવો ફિયાસ્કો ન થાત, કદાચ એણે ધારીલીધું હોય કે આ લોકો નહિજ આવે, પણ અમારું પોસ્ટ કાર્ડ મળ્યા પછી તો જાણ કરવા નો સમયજ નહિ રહ્યો હોય, કારણ એ સમયે મોબાઈલફોન ન હતા, ટ્રંક કોલ કરવા મા પણ કલાકો નીકળી જતા, એટલે ગુણવંત અમને જણાવી નહિ શક્યો હોય,જે થયું તે પણ આ એક કડવો અને અપમાનજનક અનુભવ હતો.
થોડા દિવસ પછી ભાભી નાં બનેવી ચંપકલાલ તરફ થી પત્ર આવ્યો કે અમે મુંબઈ આવીએ છીએ. ભાભીના બનેવી નાં પિતાશ્રી ચીમનલાલ શાહ આવવા નાં હતા, તેમના મોટા જમાઈ ના એક માસા દાદર માં રહેતા હતા, તેમને ત્યાંજ ઉતારો હતો. જયંતીલાલ માસા મુંબઈ માં વર્ષો થી રહેતા હતા, તેમના માળા માજ તેમનાજ ફ્લોર ઉપર ચેત્મચ્છંદર નાં તંત્રી શની રહેતા હતા,શની સારા કારટુનિસટ હતા, તેમના કાર્ટૂનો શંકર નાં લેવલ ના હતા, પણ રાજકારણીઓ નાં ભાંડા ફોડવા નાં કારણે તેમનું એ સાપ્તાહિક બંધ કરવું પડ્યું હતું. સૌરાષ્ટ્ર મા ચેત મચ્છંદર ખુબ લોકપ્રિય હતું. તેમના આપા અને મેપા નાં પાત્રો ખુબ લોક ચાહના મેળવતા હતા,
જયંતીલાલ માસા મારા પિતાશ્રી નો ભૂતકાળ જાણતા હતા, તેમણે તેમના ભવ્ય ભૂતકાળ ની ઘણી વાત કરી એટલે ચીમનલાલ શાહ ને ભરોષો પડ્યો કે કુટુંબ સાવ નાખીદેવા જેવું નથી….!
બીજે દિવસે તેઓ બોરીવલી આવ્યા. અમારા ઘરે આખો દિવસ રહ્યા, મારી સાથે પણ ઘણી વાતો કરી. એ લોકો એમ માનતા હતા કે બી.એ બી.com એટલે બહુજ મોટી ડીગ્રી કહેવાતી હશે.. તેમના મન થી હું ખુબજ ભણેલો હતો…! ભણેલા ની તો દુનિયા કદર કરવા નિજ છે.
એ પછી તેમની પુત્રી ને પણ મુંબઈ બોલાવવા મા આવી. સાથે તેમની મોટી બેન પણ હતા, વાતો દરમ્યાન ચીમન કાકા એ કહ્યું કે એમના મોટા જમાઈ ગુજરાત સરકાર માં તાલુકા ડે વલપ મેંટ ઓફિસર હતા, અને તેમને આ સર્વિસ આપાવવા મા તેમને ઘણો ફાળો આપ્યો હતો. એટલે તમને પણ આવી પોસ્ટ ઉપર મૂકી દેવા એ એમના માટે સહજ હતું. છોકરી ને પણ દાદર માજ જોવાનું ગોઠવાયું. મગન મામા ની સાળી અને આ નવી ઓફર , બે માંથી હવે પસંદગી કરવા ની હતી. છેવટે મગન મામા ની સાળી જરા મોટી લગતી હોવાથી આ નવી ઓફર સર્વાનુમતે મંજૂર કરવા મા આવી.

હવે આગળ કહેવા જઈએ તો ઘણા જીવંત પાત્રો ને અન્યાય થઇ બેસે એવો ભય લાગે છે,આપણે તેમના વિષે શું માનતા હોઈએ અને ખરેખર તેઓ શું હતા એ નું વિશ્લેષણ એક પક્ષીય રીતે કરવું એ યોગ્ય નથી જણાતું, તેથી હવે પરિવાર કથા બહુજ મર્યાદિત રીતે કહેવી જોઈએ એમ માનું છું..
બાકી નીવિગત હવે પછી.

Posted ઓગસ્ટ 30, 2017 by sureshmsheth67 in Uncategorized

એ યુગ,   Leave a comment

એ યુગ ,
એક સત્ય તરફ મારું હમણા જ ધ્યાન ગયું. કોઈ સ્મરણો લખે કે કહે, એમાં અન્ય લોકો ને શા માટે રસ પડતો હશે..?આત્મકથાનક માં તેમને રસ નથી હોતો, પણ કોઈ એક વ્યક્તિ પોતાના વિષે સ્મરણો લખે એમાં માત્ર તેનું પોતાનું જીવનજ નથી હોતું, પણ તે વ્યક્તિ જે યુગ મા, જે સમયગાળા મા જીવી ને પસાર થયો હોય, તેનું દર્શન તેમાં થઇ શકે છે, સમય એક પ્રવાહ છે, પ્રવાહ મા વહેતું એક એક ટીપું એક સમાન નથી હોતું, કોઈ છેક સમુદ્ર માં પહોંચે છે, કોઈ જમીન માં ઉતરી જાય છે, કોઈ તળાવો માં કેદ થાય છે, તો કોઈ કોઈના ઘર નાં પાણીયારા મા સ્થાન પામે છે, તેમ છતાં એ એકજ પ્રવાહ નાં અલગ અલગ રૂપાંતરો હોઈ ને પ્રવાહ નો જ એક ભાગ હોય છે, આત્મકથાનક કે જીવન સંસ્મરણો માં પણ એક યુગ , એક સમય પ્રવાહ સમાયેલો હોય છે, ગાંધીજી ની આત્મ કથા માં ગાંધીજી નાં જીવન ની વાત મહત્વ ની નથી પણ એ યુગ નાં પ્રવાહ ની જાણકારી મળે છે, એ જોતા અહી મુકાયેલા સ્મરણો નો પણ એક સમય્પ્રવાહ હતો, અને તેનુજ મહત્વ છે.
હસમુખભાઈ મારા થી બે કે અઢી વર્ષ મોટો હશે, અમારા ઘર માં તેનું માન સારું હતું. ત્રણ બહેનો પછી તે પહેલા પુત્ર તરીકે જન્મ્યો હતો એટલે અને તેનો ધીરગંભીર સ્વભાવ જોતા તે નાનપણ થીજ ઘર નું એક મહત્વ નું પાત્ર હતો. અમે બંને સાથે રમ્યા હતા, સાથે મોટા થયા હતા, એક બીજા નાં સ્વપ્ના એકબીજા ને કહેતા હતા, ઘર ની ખરીદી, બહાર ના કામો, બધું તેજ કરતો, હું હજી આવા કામો માં કોઈ નો વિશ્વાસ ઉભો કરી શક્યો ન હતો. અમે ઘણી વાતો કરતા, તે ઘણી વાર મારો અભિપ્રાય પણ પૂછતો, અને હું પણ તેનો વિકાસ થાય એમાં વધુ ખુશ રહેતો,
તે જોરાવરનગર છોડી ને સ્વપ્નભૂમિ મુંબઈ ગયો, એ પછી તેના કામો મારે કરવા માં આવ્યા ત્યારે સમજ પડી કે તેની વ્યવસ્થાશક્તિ ઘણી સારી હતી, મને ઘણો વખત તેની ખોટ સાલતી.
મુંબઈ જઈ ને હસમુખ ભાઈએ પોતાની સ્ટ્રગલ શરુ કરી દીધી. તેણે બેચાર નોકરીઓ બદલી, એક સમાચારપત્ર મા પણ તેણે કામ કર્યું, એક મુસ્લિમ બિલ્ડર સાથે પણ કામ કર્યું, એને પોતાનું કન્સ્ત્રક્ષન નું કામ પણ શરુ કર્યું, પણ સફળતા ન મળી, પણ ધીમે ધીમે તે ના પગ મજબૂત થતા ગયા, તેને પ્લાસ્ટિક નાં રો મટીરીયલ નું કામ હાથ માં આવી ગયું. અને એમાં તેને ફાવટ આવી ગઈ,
પણ એ પહેલા તેના લગ્ન ની ચર્ચા ચાલુ થઇ ગઈ હતી, હસમુખ સ્વપ્નશીલ હતો, એમ તુરતજ લગ્ન બંધન મા બંધાવા મા તેને રસ ન હતો, એના સ્ટ્રગલ ના દિવસો મા કોઈ છોકરી ના વડીલો તરફ થી ખાસ વાત પણ આવતી ન હતી. એવા માં મોટાબેન ની એક બેનપણી ની બહેન કે એવીજ કોઈ નજીક ના પરિવારણી છોકરી માટે પુછાવવા મા આવ્યું. હું પણ ત્યાંજ હતો, મને પણ આવી ભાભી મળે તો કેવું સારું એવું થતું હતું, છોકરી સારી હતી, દેખાવ માં અને સંસ્કાર મા પણ ઘરરખ્ખુ દેખાતી હતી. પણ હસમુખે એમાં બહુ ઇન્ત્રેસ્ત ન બતાવ્યો. મારી વાત એ સંભાળતો , મેં પણ તેને આગ્રહ કર્યો, પણ તે મક્કમ રહ્યો.
એ પછી મારા કઝીન મોટાબહેન નાં દિયર મનસુખલાલ પોતાની સાળી ની વાત લઇ ને આવ્યા. તેમને સાત કે આઠ સાળીઓ હતી, એમાં આ ત્રીજા ક્રમ ની હતી. જોવાનું ગોઠવાયું. છોકરી જરા શ્યામ . અને થોડી હેલ્ધી દેખાતી હતી, પણ તેના વર્તન માં પોતે કોઈ સર્વશ્રેષ્ઠ હોય તેવી ખુમારી દેખાતી હતી. મરીન્લાઈન્સ વિસ્તાર માં કોઈ નાં ઘર માં જોવાનું ગોઠવાયું હતું. હું મારી નોકરી ઉપર થી સીધો પહોંચ્યો હતો.મનસુખલાલ હાજર હતા, મારે ઉતાવળે પાછા જવાનું હોવાથી મેં રજા લીધી. અને ઉભા થઇ ને જવા માંડ્યું. ત્યાં તો એ છોકરી બોલી ઉઠી
‘અરે ચા તો પી ને જાવ..!”તેના આ વર્તન માં મને આછકલાઈ કરતા આત્મીયતા વધુ લાગી. તેનું માન જાળવવા હું ચા પીવા રોકાયો. બંને ઉમેદવારો વચ્ચે શી વાત થઇ તે ખબર નથી.
સાંજે ઘરે અમે ભેગા થયા, હસમુખભાઈ ને છોકરી માં બહુ રસ પડ્યો ન હતો, તે તેના માતા સાથે લીંબડી રહેતી હતી, એસ.એસ.સી સુધી ભણી હતી, જરા શ્યામ પણ હતી, હસમુખભાઈ નાં સ્વપ્ન મા તે બંધ બેસતી ન હતી. હસમુખ ભાઈ એ ચોખ્ખું કહી દીધું કે મને આમાં રસ નથી.
બધાજ તેમના ઉપર તુટી પડ્યા,
સુ વાંધો છે..?છોકરી શું ખોટી છે… બીજી કોઈ ઓફર આવતી નથી, તો આ શું ખોટી છે..?”પણ હસમુખ ભાઈ નું મન માનતું નહોતું, તેમને જેવા સ્વપ્ન સેવ્યા હશે એમાં આ લીંબડી ની છોકરી ક્યાયે બંધ બેસતી ન હતી.
પ્રાણલાલ મામા એ પણ છોકરી જોઈ હતી. તેમને હસમુખ ભાઈ નો ઉધડો લીધો.
“ક્યા સુધી નાં નાં કર્યા કરીશ…? તારું પતે તો આનું પણ ગોઠવાય ને…!મામા એ મારા તરફ નિર્દેશ કરતા કહ્યું.હસમુખભાઈ એ કશો જવાબ ન આપ્યો.
“જો મનમાં મોટા વિચારો નહિ કરવા ના, જમીન ઉપર પગ રાખવાના, આ લીંબડી ની છોકરી છે તો ભોગાવા નું પાણી ભરશે, બાકી મુંબઈ ની છોકરી પાણી નો પ્યાલો પણ નહિ આપે. માટે વિચાર કરજે.બીજું કોઈ ધ્યાન માં હોય તો કહે, નહિ તો આ છોકરી ખોટી નથી. મારી સાથે પણ હસમુખભાઈ બધો પરામર્શ કરતા. મેં પણ મારો અભિપ્રાય આપી દીધો,કે આમાં નાં પાડવા જેવું નથી. આપણે તો તે દિવસે ચા પીવા રોક્યા તે દિવસ થી છોકરી ના વિવેક ઉપર આફરીન હતા,
હસમુખભાઈ ઘણા દિવસ ગૂમસૂમ રહ્યા, તેમને આ છોકરી સાથે લગ્ન કરવા જ ન હતા, તેમને મને પણ કહ્યું કે તારે ઉતાવળ હોય તો તું ગમે ત્યાં ગોઠવાઈ શકે છે, પણ મને આમાં નાખવા ની સલાહ ન આપીશ.
તેમનું મનોમંથન બહુ ચાલ્યું. છેવટે એક દિવસ મનસુખલાલ અને તેમના પત્ની ઇન્દીરાબેન આવ્યા, ખુબજ લાચાર મુખ કરી ને તેમને અમારો વિચાર પૂછ્યો. હસમુખભાઈ પણ હતાશ થયા હતા, છેવટે અમે મનસુખલાલ ની સાળી ,લીંબડી ની હંસા માટે હા પાડી.
બા અને પિતાજી કંટાળી ને જોરાવરનગર જતા રહ્યા હતા, એમને ખબર કરવા મા આવી. ઇન્દીરાબેન નાં નણંદ મરઘા બેન જોરાવરનગર માજ અમારી પાછળ રહેતા હતા, તેમણે વાત સાંભળી , વધુ તો ન બોલ્યા પણ એટલું કહ્યું કે મને વાત તો કરવી હતી…!તે આવું કેમ બોલ્યા એ એમને ખબર…!
હસમુખ ભાઈ ના લગ્ન માટે અમે જોરાવર નગર આવ્યા, જાન લીંબડી લઇ જવાની હતી. ભાવનગર ની ટ્રેન માજ જવા નું હતું. જોરાવરનગર પછી વઢવાણ અને એ પછી લીંબડી નું સ્ટેશન આવતું. લગ્ન થઇ ગયા, પાછા વળતા ભાવનગર થી આવતી રાત ની ટ્રેન માં જ પાછા જવાનું હતું. એ રાત ની ટ્રેન ને અમે મિક્ષ કહેતા, હું ભાવનગર થી એજ ગાડી મા આવ્યો હતો, આ મિક્ષ ગાડી નિયમિત આવતી, પણ તે દિવસે કોણ જાણે શું થયું કે એ રાત ની મિક્ષ આવીજ નહિ. આવું પહેલીવાર જ બન્યું હતું કે કોઈ ગાડી કેન્સલ થાય…!પણ તે દિવસે બન્યું. અમે સવારની ટ્રેન માં કે અન્ય વાહન કરી ને જોરાવરનગર આવ્યા. અને બહુ દિવસ થી ચર્ચાતો લગ્નસમારંભ આમ પૂરો થયો. હજી અમે બહેન નાં ઘરેજ રહેતા હતા, ભાભી નાં આવ્યા પછી પણ અમે બધા ત્યાંજ સાથે રહેતા હતા, કારણ મુંબઈ માં ઘર લેવું એ કોઈ સહેલું કામ ન હતું.
અને જોરાવરનગર ના એ ઘર માં પરિવાર માં એક નવો પ્રવેશ થયો.
મુંબઈ માં ઘર ન મળે ત્યાં સુધી ભાભી દેશ માં રહ્યા, અને અમે અમારા કામે લાગ્યા.

Posted ઓગસ્ટ 29, 2017 by sureshmsheth67 in Uncategorized

એ યુગ, મુંબઈ ,   Leave a comment

એ યુગ.
મુંબઈ

એક ખુબજ છૂટ થી મોટા ખુલ્લા મકાન માં અને ચારે તરફ મોટા ફળિયા વચ્ચે રહી ને ઉછરેલ વ્યક્તિ ને મુંબઈ નું તંગ , સંકડાશ અને દોડાદોડી વાળુ જીવન જરા આકરું તો લાગ્યું. માળા નાં રૂમ ની એક તરફ બધા રહેવાસીઓ ના બે કોમન ટોઈલેટસ હતા, જેમાં લાઈટ ન હતી, પાણી આવતું ન હતું, પાણી ભરી ને જવાનું રહેતું, સાફ સફાઈ પણ બહુ થતી ન હતી.ગામ ની સગવડો યાદ આવ્યા કરતી,ખુલ્લી હવા, ઉજ્વળ પ્રકાશ, પ્રદુષણ રહિત વાતાવરણ નાં બદલે અહી તો તેના થી તદ્દન બીજા છેડા નું વાતાવરણ હતું. .એ વખતે રેડિયો માં આવતું ગીત અવારનવાર ગણ ગણી જવાતું, “કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન..”ગામ ના હવાપાણી, ગામ ના મિત્રો સાથીઓ, સ્વચ્છતા, બધુજ બહુ યાદ આવવા લાગતું.
હસમુખ તો એક સ્વપ્ન લઇ ને મુંબઈ આવ્યો હતો, તેનું સ્વપ્ન ફિલ્મી જગત માં ગીતકાર તરીકે પ્રવેશ મેળવવા નું હતું. તે ઘણા વખત થી આ પ્રકાર ના ફિલ્મી લાગે તેવા ગીતો લખતો રહેતો,તેનું મ્યુઝીક પણ મો થી બનાવાતો, તેણે કહ્યું ન હતું કે પણ તેનું સ્વપ્ન ગીતકાર તરીકે પ્રખ્યાત થઇ ને એ સમય ની બેબી નાઝ નામની બાળકલાકાર સાથે પ્રેમ માં પડવા નાં તરંગ તેના મન મા ચાલતા રહેતા, કારણ એ સમયે બેબી નાઝ સૌથી નાની વય ની કલાકાર હતી.!
મને એવા કોઈ સ્વપ્ના ન હતા, પણ બેંક ની જોબ મળે એવા મનોરથો મા હું પણ રાચતો. મારી સાથે કોલેજ મા વઢવાણ થી આવતો એક કંસારા જ્ઞાતિ નો છોકરો હતો. એ વખતે બેંક of ઇન્ડિયા માં મેનેજીંગ ડીરેક્ટર શ્રી ટી.ડી .કંસારા હતા, કહેવાતું કે તેમણે કંસારા જ્ઞાતિ ની જુદી ફાઈલ જ રાખી હતી, અને કંસારાઓ ને બેંક મા ભરતી કરતા હતા, મારો પેલો કોલેજ નો મિત્ર ભૂપત પીત્તલીયાપણ કંસારા જ્ઞાતિ નો હતો. તેને બેંક of ઇન્ડિયા મા જોબ મળી ગઈ હતી, મેં બેંક of ઇન્ડિયા માં બે અરજી કરી, એક મારા પોતાના નામે અને બીજી એસ.એમ.કંસારા નાં નામે. મારા સ્શ્ચાર્ય વચ્ચે એસ.એમ કંસારા. નાં નામે કરેલ અરજી સામે બેંક માંથી ઈન્ટરવ્યું કોલ આવ્યો, પણ મારા સાચા નામ ની અરજી નો કોઈ જવાબ ન આવ્યો. મને ખાતરી થઇ ગઈ કે બેન્કોફ ઇન્ડિયા માં કંસારાઓ ને સારો ચાન્સ છે. ખોટા નામે આવેલ ઈન્ટરવ્યું કોલ નો કોઈ અર્થ ન હતો. એ વખતે હજી રીક્રુટ મેંટ બોર્ડ ન હતું એટલે આવી રીતે ભરતી થતી રહેતી હતી. સેન્ટ્રલ બેંક મા પારસીઓ ની વધુ ભરતી કરવા મા આવતી. રિજર્વ બેંક ની જાહેરાત ઉપર પણ અરજી કરી હતી, પણ આપણી એવી પરિપકવતા ન હોવાથી જવાબ ન આવ્યો. સરકારી કચેરીઓ માં તો મરાઠી અને ઈંગ્લીશ જ ચાલતું, એટલે ગુજરાતી તરીકે કોઈ પત્તો લાગે તેમ ન હતું.
હવે ખાનગી કચેરીઓ માજ ટ્રાય કરવા ની હતી..એમાં પણ મોટી કોર્પોરેટ કંપનીઓ માં તો પત્તો ખાય એવું ન હતું, એક વખત રસ્તા માં જતા ભાવનગર કોલેજ નો એક વિદ્યાર્થી મળી ગયો તેને કોઈ ની ઓળખાણ થી એક ઇન્શ્યોરેન્સ કંપની મા જોબ મળી ગઈ હતી, પણ તે ગુજરાત ના ઈંગ્લીશ થી બહુ અપમાનિત થતો હતો. તેને નિરાશા પૂર્વક મને કહ્યું કે “આપણે તો આહી હાલી જ નહિ..”(હાલીયેજ નહિ).ઈંગ્લીશ વગર તો અહી પટાવાળા પણ દાદ નથી આપતા..!”ગુજરાત નું ઈંગ્લીશ ગુજરાત બહાર બહુજ નડતર રૂપ હતું, નાની નાની કંપનીઓ, દુકાનદારો પણ ઈંગ્લીશ નો આગ્રહ રાખતા.
અમે મુંબઈ છોડયા પહેલા વાલકેશ્વર રહેતા હતા, ત્યાં અમારી બાજુ ના બ્લોક મા એક મહેરા પરિવાર રહેતું હતું, રામનાથ મહેરા અને અમરનાથ મહેરા બે ભાઈઓ કોઈ વેપાર માટે દિલ્હી થી આવ્યા હતા, એ વખતે તેમના પરિવાર ની કોઈ મહિલા ની તબિયત સીરીયસ થઇ ગઈ હતી. મહેરા ભાઈઓ મુંબઈ માં કોઈ ને ઓળખાતા ન હતા, પિતાશ્રી એ વખતે મુંબઈ મ્યુનીસીપલ કોર્પોરેશન મા કાઉનસીલર હતા, એટલે તેમનું હજી મુંબઈ માં સારું માંન અને ઓળખાણ હતા, તેમણે પોતાના એક ઓળખીતા ડોક્ટર ને બોલાવી આપ્યા, ત્યાર થી મહેરા ભાઈઓ અમારી સાથે બહુજ નિકટ ના સંપર્ક માં આવ્યા. તેમની પત્નીઓ વારાફરતી મુંબઈ આવતી, બાળકો પણ વેકેશન મા દિલ્હી થી મુંબઈ આવતા, અને અમે બધા એ વખતે સાથે રમતા. તેમનો એક અમારીજ વય નો છોકરો હતો તેનું નામ તો પુસ્પતીનાથ હતું, પણ ઘર માં તેને બધા બૌઓ કહેતા,

એ પછી તો અમે જોરાવરનગર ગયા અને એ પરિવાર વ્યાપાર મા બહુજ કમાયું. તેમની એક પેન્સિલ બનાવવા ની ફેક્ટરી વિક્રોલી મા ચાલતી હતી.અમારે તો તેમની સાથે બહુ સંપર્ક રહ્યો ન હતો પણ મોટાબહેન અમારા એજ ઘર મા રહ્યા હોવાથી તેમની સાથે સારો ઘરવટ સંબંધ થયો હતો મોટા બેન ની ભલામણ થી મને ફેક્ટરી મા જોબ માટે બોલાવવા મા આવ્યો. વધુ કશું પૂછ્યા વિના મને રાખી લેવા મા આવ્યો, બીજા દિવસે નાનપણ નો મિત્ર બૌઓ એટલે કે પુસ્પતીનાથ મને મળવા આવ્યો. તે તો અસલ પંજાબી નવજવાન થઇ ગયો હતો. તેણે નાનપણ ની મૈત્રી તો બહુ યાદ ન કરી પણ ઉષ્માભેર હાથ મિલાવ્યા. સ્ટાફ ના અન્ય માણસો આ જોઈ ને જરા નવાઈ પામ્યા,મારે જેમની નીચે કામ કરવા નું હતું તે મિસ્ટર ઈનામદારે પૂછ્યું કે તમે એમને ઓળખો છો..?મેં કહ્યું કે હા તે એક વખત અમારા પાડોશી હતા,
ઈનામદાર સાચું માની ન શક્યા, કારણ અત્યારે મહેરાઓ જે આલીશાન ફ્લેટ મા શાન થી રહેતા હતા એ જોતા તેમનો પાડોશી હું કેવી રીતે હોઈ શકું એ તેમને સમજાયું નહિ.પણ તેમનું વર્તન મારા તરફ જરા કોમળ થઇ ગયું.
ફેક્ટરી નો ટાઈમ સવારે નવ થી સાંજે પાંચ નો હતો. સવારે જઈએ એટલે ચા ના કપ સાથે ત્રણ મોનાકો બિસ્કુટ આપવા મા આવતા, બપોરે અર્ધા કલાક નો લંચ અવર હતો. બપોર પછી ફરીથી ચા અને બે બિસ્કુટ આપવા માં આવતા. બધું નિયમિત ચાલતું હતું. ઈનામદાર સારા સ્વભાવ ના હતા, તેમનો દેખાવ વેસ્ટઇન્ડીઝ ના પ્લેયર સોબર્સ જેવો હતો.તેમને પણ આવું સાંભળવું ગમતું.
મને ફેક્ટરી નાં ટાઈમિંગ ખબર ન હતા, એટલે હું ચાર વાગ્યે ઈનામદાર ને કહી ને રજા લેતો. તેમને શરૂઆત મા તો વાંધો ન લીધો, પણ બીજા ત્રીજા દિવસે પણ મેં ચાર વાગ્યે જવા માંડ્યું એટલે એમણે જરા નારાજગી થી પૂછ્યું
“so અરલી..?”
મેં કહ્યું કે આઈ ડોન્ટ નો the time “
“ઇટ ઈઝ ફાઈવ ઓક્લોક “તેમણે કહ્યું
“ધેન આઈ એમ સોરી “કહી ને હું બેસી ગયો. પાંચ વાગ્યે બધા જવા લાગ્યા, એટલે મેં પણ જવા ની રજા માગી.વિક્રોલી થી સેન્ટ્રલ લાઈન ની ટ્રેન માં દાદર સુધી જવાનું રહેતું, દાદર થી વેસ્ટર્ન લાઈન ની ટ્રેન બદલી ને ગ્રાન્ટ રોડ આવી ને ત્યાં થી ચાલી ને ખેતવાડી જવાનું રહેતું.
એ જ અરસા માં નાઝ સિનેમા kampaund માંથી નીકળતું ગુજરાતી વારતા નું મેગેઝીન ‘મેહેંદી” એ મારી વાર્તાઓ છાપવા માંડી હતી. પુરસ્કાર તો નહોતો મળતો પણ એડિટર વખાણ ખુબ કરતો, અસગર ભાવનગરી એના માલિક અને તંત્રી હતા, ભોગીલાલ કલ્યાણી સહ તંત્રી હતા, આમ તો હું જોરાવર નગર હતો ત્યાર થીજ મહેંદી મારી વાર્તાઓ છપાતું હતું. મુંબઈ મા હું મારું એડ્રેસ બહેન નાં ઘર નું ખેતવાડી નું આપતો હતો.
એક સાંજે વિક્રોલી થી ઘરે આવ્યો ત્યારે બહેને મને એક અંતર્દેશીય પત્ર આપ્યો.
મેં કહ્યું કોનો કાગળ છે..?”
“ટપાલ માં આવ્યો છે,”બહેને કહ્યું. અક્ષર અજાણ્યા હતા, મેં કુતુહલ થી ખોલ્યો.
કોઈ સરિતા શાહ નામની છોકરી નો પત્ર હતો. તેણે મહેંદી માં છપાયેલી મારી વાર્તા નાં બહુજ વખાણ કર્યા હતા, આપણા ઉપર કોઈ છોકરી નો સામે થી પત્ર આવે એ અદભૂત ઘટના હતી, ખુબજ રોમાંચ થઇ આવ્યા, મોટા બહેને પૂછ્યું કોનો પત્ર છે..?
મેં તેમનેજ વાંચવા આપી દીધો. બહેન ખુશ થયા,
બે દિવસ પછી રજા નો દિવસ હોઈ હું ઘરે હતો, લગભગ સાંજ નાં પાંચ વાગ્યે બહેન ની રૂમ નાં બારણા મા એક સારા દેસ્ખાવ ની , યુવાન છોકરી આવી ને ઉભી રહી.
“સુરેશભાઈ અહી રહે છે..?”તેણે પૂછ્યું. હું ધડકતા હૃદયે ઉભો થઇ ગયો બહેને હસી ને આવકાર આપ્યો.
“ હા, આવો, આ રહ્યા સુરેશભાઈ.”તેમણે મારા તરફ નિર્દેશ કરતા કહ્યું.
“તે મારા તરફ ફરી
“ હું તમારી વાર્તાઓ નિયમિત વાંચું છું, બહુ સરસ લાખો છો તમે..!” તે બોલી, છોકરી બોલ્ડ લાગતી હતી, આપણે તો કદી કોઈ છોકરી સાથે વાત કરી ન હતી એટલે લગભગ બઘવાઈ ગયા જેવું થઇ ગયું.એ સમય મા છોકરા છોકરીઓ સાથે ભણતા ત્યારે પણ એક બીજા સાથે બોલવા નું ન હતું. એટલે અને આમેય થોડો શરમાળ સ્વભાવ હોવાના કારણે શું વાત કરવી એ સમજાતું ન હતું. બહેન અમને એકલા મુકવા ચાં બનાવવા ગયા. છોકરી એ મને બધું પુછવા માંડ્યું, ક્યા નાં છો, જૈન છો કે નહિ, પોતાનું ઘર છે કે બહેન સાથે રહો છો ,શાની જોબ કરો છો.વિગેરે ના જવાબ મેં તેને આપ્યા, અમારા ગામ ની છોકરીઓ તો ખુબ શરમાળ હતી જયારે આ તો બહુજ બોલકણી અને હિંમતવાન લાગતી હતી.
તે ઘાટકોપર થી આવતી હતી, ચા પીને તેને રજા લીધી બહેન ને આપણા બાઘાપણા ની ખબર ખરી એટલે તેમણે સુચન કર્યું કે જા નીચે સુધી મૂકી આવ “
એટલે અમે બહાર નીકળ્યા, માળા ની નજીકજ અલંકાર સિનેમા હતું, નીચેજ પટેલ આઈસ્ક્રીમ કોર્નર હતું, પણ આપણ ને એને આઈસ્ક્રીમ ઓફર કરવા નું સુઝ્યું નહિ. મેં તેના થી છુટકારો મેળવવા ટેક્ષી બોલાવી.મારો વિચાર એવો હતો કે તેને ઘાટકોપર સુધી મૂકી આવું, પણ તેને નજીક નું લોકલ ટ્રેન નાં સ્ટેશન તરફ લેવા કહ્યું. તેને સ્ટેશન ઉતારી ને ઘરે આવ્યો.
એ પછી તેના બેત્રણ કાગળો આવ્યા, એનું એડ્રેસ પણ તે લખતી હતી. તેના લખવા મુજબ તે તેના કાકા સાથે રહેતી હતી કાકા બહુજ કડક હતા, હું તેને જવાબ પણ આપતો રહેતો. બહેને માની લીધું કે આમનો કિસ્સો આગળ વધશે ખરો, છોકરી પણ તેમને ગમી હતી.
તેનો છેલ્લો કાગળ આવ્યો તેમાં તેણે જણાવ્યું કે અમે હવે બીજે રહેવા જઈએ છીએ ત્યાં નું એડ્રેસ પછી મોકલીશ. એ પછી પત્રવ્યવહાર બંધ થઇ ગયો અને છોકરી નું શું થયું એ રહસ્ય જ રહ્યું.
બહેને કહ્યું કે એ છોકરી તારી તપાસ કરવા જ આવી હોવી જોઈએ, પણ તારું અતડું વર્તન, બહેન નાં ઘરે રહેવાની સ્થિતિ એ બધું જોઈ ને તે પાછી પડી ગઈ હોવી જોઈએ, કદાચ કાકા નાં ત્રાસ થી આમ કોઈ યોગ્ય છોકરો શોધવા નો તેનો ઈરાદો હોઈ શકે, પણ આપણા મા તેને કાઈ રામ લાગ્યા નહિ હોય એટલે પછી ગૂમ થઇ ગઈ. !!!.નહીતર ભાગી આવવા તેની તૈયારી હોવી જોઈએ.રોમાન્સ કહો કે અનાડીપણું , આ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો.
જોકે મારો દેખાવ એ વખતે બહુ નિરાશાજનક ન હતો, દેવ આનંદ જેવો વાળ નો ગુચ્છો, અને કપડા ની જેટલી થઇ શકે એટલી ફેશન થી મારો લૂકસ કાઈ બહુ ખરાબ ન હતો, પણ ગામડા નો ઉછેર, જૂની ફેશન નાં બેત્રણ જોડ પેન્ટ શર્ટ અને થોડી લઘુતા ગ્રંથી ના કારણે એકંદર દેખાવ નિરાશા જનક કોઈ ને લાગે તો તેનો વાંક કાઢી ન શકાય. બોલ્ડ અને ફડાકીદાસ જેવા છોકરાઓ એ વખતે પણ ન હતા એવું નહિ, અમારો કિશોર જ જુઓ તો છોકરીઓ મા ફેવરીટ ગાણાતો હતો, પણ આપણે એ બાબત મા બહુ ઉકાળી શક્યા ન હતા.
એજ અરસા માં મારા મોટા મામા એ મને બોલાવ્યો.
“ કેમ ચાલે છે નોકરી..?”
“મેં મારી નોકરી ની વિગતો આપી,
“ત્યાં ફાવે છે..?”
આનો જવાબ આપવો મુશ્કેલ હતું કારણ મામા નો સ્વભાવ તીખો મરચા જેવો હતો , જો નથી ફાવતું કહીએ તો લેકચર જ સાંભળવું પડે, તેથી મેં જરા ગલ્લાતલ્લા કર્યા. મામા સમજી ગયા,
“કાલે મારી દુકાન ઉપર આવજે, “
મામા પ્રીન્સેસ સ્ટ્રીટ મા એક લોખન્ડ અને મશીનરી ની પેઢી મા નોકરી કરતા હતા, બીજે દિવસે હું તેમની ઓફિસે પહોંચી ગયો.
“ચાલ” કહી તે ઉભા થયા, અને ચાલવા લાગ્યા, તેમનો સ્વભાવ જોતા કશું પુછવા ની તો કોઈ હિંમત કરતાજ નહિ, હું તેમને અનુસર્યો.
ચાલતા ચાલતા અમે નાગ્દેવી સ્ટ્રીટ મા આવ્યા. એક દુકાન મા તે મને લઇ ગયા, દુકાન નાં આગળ નાં ભાગ મા ત્રણ શેઠીયાઓ બેઠા હતા, તેમાહેના મુખ્ય શેઠ ત્રિકમલાલ શેઠ પાસે તેઓ મને લઇ ગયા,
“ આને લાવ્યો છું.”કહી તે દુકાન નાં પગથીયા ઉતરી ગયા.
ત્રિકમલાલ શેઠ પણ બહુજ ઓછાબોલા અને ઘણે અંશે પ્રાણલાલ મામા જેવોજ સ્વભાવ ધરાવતા હોય એમ લાગ્યું. તેમણે મને મુખ્ય મુનિમ અકબરઅલી પાસે મોકલ્યો.
મામા સાથે વાત થઇ ગઈ હશે, એટલે મને એજ ક્ષણે રાખી લેવા મા આવ્યો.
ઉધાર નોંધ અને જમાનોન્ધ નાં ચોપડાઓ લખવા નું મને અકબરઅલી એ શીખવવા માંડ્યું.
અને અહી ની નોકરી ચાલુ થઇ ગઈ.
આ પેઢી મા ત્રણ શેઠિયા હતા, ત્રિકમલાલ શેઠ અને ઓચ્છવલાલ શેઠ બે બનતા સુધી કઝીન ભાઈઓ હતા, ત્રીજા ભાગીદાર એક વહોરાજી હતા, પણ તેમની સાથે છુટા થવા વાતચીત ચાલતી હોય એમ લાગ્યું. ઓચ્છવલાલ શેઠ નો પુત્ર હર્ષદભાઈ પણ કામ કરતા હતા, શાંતિલાલ નામના એક કર્મચારી ઉઘરાણી , માલના નમૂના, કવોટેશન લાવવા વિગેરે કામ કરતા હતા, અકબરઅલી ઉપરાંત એક વહોરા યુવાન મહમદ હુશેન નામના કર્મચારી ટાઈપ અને અન્ય પરચુરણ કામ કરતા હતા, તે છેક વિરાર થી આવતા હતા, બહુજ ફ્લ્યુએન્ટ ઈંગ્લીશ બોલતા હતા, મારા માટે બેસવા ની જગ્યા અલગ હતી,શાંતિલાલ નાં નાના ટેબલ ની સામે મારે બેસવાનું રહેતું,શાંતિલાલ ને અગવડ પડતી હતી, ઘણી વાર તે શેઠીયાઓ ને વ્યવસ્થા કરવા કહ્યા કરતા, પણ શેઠીયાઓ બહુ ધ્યાન ન આપતા, શાંતિલાલ ને મોટાભાગે બહાર ફરવાનુજ રહેતું, શેઠિયાઓ સરકાર નાં ટેન્ડરો ભરતા, તેના માટે વસ્તુઓ ના ભાવ જાણવા નું કામ શાંતિલાલ કરતા, બજાર માં જુદી જુદી દુકાનો માં પેમેન્ટ ની અલગ અલગ ચોક્કસ તારીખો નો રીવાજ હતો, જેતે દુકાનો ની તારીખ ના ત્રણેક દિવસ પહેલા તેમને બીલ ની વિગતો ની ચિઠ્ઠી આપીઆવવી પડતી, પછી પેમેન્ટ ની તારીખે જઈને ચેક લઇ આવવાનો રહેતો. શાંતિલાલ સાથે મને પણ કોઈ વાર શીખવા માટે મોકલવા માં આવતો, મારો દેખાવ જોઈ ને ઘણા દુકાન માલિકો મને શેઠ નો છોકરો પણ સમજતા, અને મને માન પણ આપતા, મારે સ્પષ્ટતા કરવાનું કોઈ કારણ ન હતું.
પેમેન્ટ ના ચેકો મળે તે શેઠ ને આપવા મા આવતા, સામેજ દેનાબેંક હતી તેમાં ભરવા નાં રહેતા,
એક વાર ઓછ્ચ્વ્લાલ શેઠે મને ચેકો ની સ્લીપ ભરવા આપી, મેં ચેકો ની વિગતો તો ભરી, પછી કાઉન્ટર ફોઈલ નો ભાગ ફાડી ને અલગ કર્યો. શેઠ જોતા હતા, તેમણે તુરત જ કહુંયુ કે આ શું કરે છે..?બેંક માં આખી સ્લીપ જ ભરવા ની હોય બેંક પોતાનો સિક્કો મારી ને કાઉનટર પાછું આપશે, હવે જા બેંક માં એટલે ખબર પડશે…! બેન્કે ફાડેલા કાઉનટર માટે વાંધો ન લીધો, પણ બેંક માં કેવી રીતે ચેકો ભરવા તે મને શીખવા મળ્યું.
શેઠિયાઓ જાત જાત ની ચર્ચાઓ કરતા, રાજકીય ઘટનાઓ મા તેમને બહુ રસ પડતો. પણ ત્રિકમલાલ શેઠ જે કહે તેજ બધાએ માનવું પડતું, ચર્ચા દરમ્યાન તેઓ ઓછ્વ્લાલ્શેઠ ને તોછડાઈ થી ઉતારી પણ પાડતા, પણ તેમની વચ્ચે કોઈ કટુતા જોવા ન મળતી. ઓછાવ્લાલ શેઠ નાં પુત્ર હર્ષદભાઈ ઉપર ત્રિકમલાલ શેઠ ને બહુજ સદભાવ હોય એમ લાગતું. હર્ષદભાઈ મારા જેવડા કે એક બે વર્ષ મોટા હશે, આત્મવિશ્વાસ થી ભરપુર, એજ્યુકેટેડ અને બીઝનેસ મા માહેર હતા,
શેઠીયાઓ એ વખત ના વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીજી ની બહુ મજાક ઉડાવતા, પાકિસ્તાન ની ધમકીઓ એ વખતે પણ ચાલુજ હતી. લાલબહાદૂર તરફ એ વખતે કોઈ ને માન ન હતું. “આ શું કરવા નો છે..?”એવુજ વલણ રહેતું. ૧૯૬૫ નું વર્ષ હતું. પાકિસ્તાન નું એક વિમાન છેક મુંબઈ ઉપર થી પસાર થઇ ગયું હતું. આપણા લશ્કરે વિમાંન્વીરોધી તોપ ના ધડાકા પણ કર્યા, તે ધડાકા પણ સંભળાયા હતા. . બધા છૂટી ને ભાગવા લાગ્યા, ત્રિકમલાલ શેઠ ની શિખામણ મને યાદ છે, તેમણે કહ્યું કે રસ્તા મા ચાલતા દુકાનો મકાનો ની બાજુ મા ન ચાલવું, મકાન પડે તો દબાઈ જવાય, માટે રસ્તા વચ્ચે જ ચાલવું. પાકિસ્તાન સાથે નું એ પ્રથમ યુદ્ધ હતું. લાલબહાદૂર શાસ્ત્રી એ એ દરમ્યાન જે નિર્ણયો લીધા, એ જોઈ ને બધાજ અભિભૂત થઇ ગયા, તેમની જે નબળા માણસ ની છાપ હતી તે ભૂંસાઈ ગઈ અને એક યુદ્ધવિર તરીકે તેમની પ્રતિભા બહાર આવી.એ વખતે રશિયા સિવાય કોઈ આપણા દેશ ની સાથે ન હતું. શાસ્ત્રીજી એ અઠવાડિયા મા એક દિવસ ભાત ન ખાવા ની અપીલ કરી જેણે બહુજ સારો પ્રતિભાવ મળ્યો, જમણ વારો મા ૧૦૦ માણસો થી વધુ ને જમાડવા ઉપર પણ પ્રતિબંધ લાદવા મા આવ્યો.
એજ અરસા માં વહોરાજી શેઠ ને ત્યાં લગ્ન પ્રસંગ આવ્યો. અમને બધા ને આમંત્રણ હતું. બહુજ સરસ ભોજન હતું. લોકો એકસો થી વધુ વ્યક્તિ થતા હોય તો બે ત્રણ સ્થળો એ વ્યવસ્થા કરી ને પ્રસંગ ધામધૂમ થી ઉજવતા. દર બુધ વારે હોટલો લોજ માં પણ ભાત ન પીરસાતા, તેને બદલે સામો નામનું જાડુ ધાન આપવા મા આવતું. લોક નો સહકાર સારો હતો.શાસ્ત્રીજી લોક માનસ ઉપર છવાઈ ગયા હતા, તાશકંદ ની મંત્રણા દરમ્યાન શાસ્ત્રીજી નું એકાએક રહસ્ય્ભાર્યું અવસાન થયું એની ગમગીની આખા દેશે અનુભવી, શેઠીયાઓ ગરમાગરમ ચર્ચા કરતા હતા, તેમની વાતો માં થી ઘણું જાણવા મળતું, શીખવા પણ મળતું. પાકિસ્તાન ની પીછેહઠ તો થઇ મંત્રણા નાં ટેબલ ઉપર આપણે જીતેલું બધું પાછું આપી દેવું પડ્યું. આ દબાણ નાં કારણેજ કદાચ શાસ્ત્રીજી અવસાન પામ્યા હશે.
દરમ્યાન હસમુખ નાં લગ્ન ની ચર્ચા ચાલુ થઇ હતી.

Posted ઓગસ્ટ 29, 2017 by sureshmsheth67 in Uncategorized

એ યુગ ,   Leave a comment

એ યુગ .

પિતાશ્રી ની વિસ્મૃતિ નો રોગ વધતો જતો હતો, તે પોતાનું રોજ નું કામ જાતે કરતા, નિયમિત દેરાસર જતા , રેન્ટીયો કાંતતા, પણ કોઈ સાથે બોલતા નહિ. બીડી નું વ્યસન ચાલુજ હતું. આમ બધું સામાન્ય હતું, પણ હું પાછો ઘરે આવ્યો એ અરસા માં તેમને નવી સમશ્યા થઇ આવી, તે દેરાસર જતા, પણ પાછા ઘરે આવવા નાં બદલે ચાલ્યાજ કરતા, ઘર પાસે થી પસાર થાય પણ ઘર માં આવવાનું તેમને સુઝે નહિ, પોતે કોણ છે એ ભૂલી જતા હોય કે ગમે તેમ પણ તે ચાલ્યાજ કરતા, ચારપાંચ વખત તેમને ઘર પાસે થી પસાર થતા જોયા પછી અમને ખ્યાલ આવતો કે તેમને કશું વધારે લાગે છે, પછી તેમને દોરી ને ઘરે લઇ આવવા પડતા, ત્યાં સુધી મા તેમના પગ સુઝી ને દડા જેવા થઇ જતા.
ઘર સામે લાયબ્રેરી હતી, લાયબ્રેરીયન જેન્તી ભાઈ અમારા મિત્ર જેવા હતા, પિતાશ્રી ત્યાં જતા, અને ટેબલ ઉપર પડેલા બધા છાપા ઉપાડી ને એક તરફ બેસી જતા, વાંચવા આવનારા ને તેમની માનસિક હાલત ની ખબર ન હોવાથી બધા ગુસ્સે પણ થતા, પણ જેન્તી ભાઈ તેમને શાંત પાડતા, અને સમજાવી ને કેટલાક છાપા પાછા મુકાવતા, કેટલાક તો તેમને છાપા એકત્ર કરતા જોઈ ને ચિડાઈ ને હાથ મા રહેલું છાપું પણ આપી ને કહેતા કે “લો આ પણ લઇ લો.” પિતાશ્રી સાહજીકતા થી લઇ લેતા, અને પેલા ભાઈ વધુ ગુસ્સે થતા, દેશ ના આઝાદી ના જંગ મા ખુવાર થયેલા એક આજાર સ્વાતંત્ર્ય સેનાની નાં બલિદાન ની કોઈ કીમત કે યાદગીરી રહી ન હતી, આવા અનેક ભૂલાયેલા સ્વાતંત્ર્ય સૈનિકો માહે ના જ એક પિતાશ્રી હતા.
એ જ અરસા માં મુંબઈ થી અમારા ફોઈબા આવ્યા, તે ખુબ સુખી અને સમૃદ્ધ હતા, તેમને ભાવનગર અને પાલીતાણા જવા નો પ્રોગ્રામ બનાવ્યો સાથે બા અને પિતાશ્રી ને લઇ જવા માંગતા હતા, હું તો ઘરેજ રહેવાનો હતો એટલે એક બે દિવસ મા તેઓ ગયા,
પાછળ થી ખબર પડી કે ભાવનગર માં પિતાશ્રી ચાલવા નીકળી ગયા તેનું કોઈ નું ધ્યાન ન રહ્યું. ઘણી વાર છતાં તેઓ પાછા ન ફર્યા એટલે માતુશ્રી નું ધ્યાન ગયું, હવે આટલા મોટા અજાણ્યા શહેર મા તેમને ક્યા શોધવા…! નંદલાલ કાકા એ બોર્ડીંગ નું એડ્રેસ આપ્યું, ત્યાં ગયા, છોકરાઓ ને ચારે તરફ દોડાવ્યા, કામદાર , વોરા ભાલાણી ગુણવંતબધાજ એમાં જોડાયા, તેમણે કોઈ એ પિતાશ્રી ને જોયેલા ન હતા, પણ ખાદીના ઝભ્ભા ધોતી અને ટોપી નું નિશાન તેમને આપવા મા આવ્યું. અને સદભાગ્યે ઘણી શોધ પછી તેઓ મળી આવ્યા, ચાલી ચાલી ને તદ્દન બેહાલ થઇ ગયા હતા, બોર્ડીંગ ના મિત્રો એ સારું કામ કર્યું. મને તો આ વાત પાછળ થી જાણવા મળી.
ઘરે તો નિરાંત હતી, મોટું ઘર, જૂની અને પરિચિત જગ્યા, યાદગાર વાતાવરણ એટલે વાંચવા સિવાય અન્ય કોઈ કામ ન હતું. કામદાર એક બે રજાઓ માં ગામ મા આવ્યો હતો તેણે મને મળી ને કહ્યું નંદ્લાલ કાકા તારા ઉપર બહુજ ગુસ્સે ભરાયા હતા, આમ અધવચ્ચે ઘરે જતું રહેવું એ રખડુંપણા ની નિશાની છે, નંદલાલ કાકા એ જાહેર કરી દીધું કે હું પાસ થવા નોજ નથી. કામદાર પણ એ વાત સાથે સંમત હતો. તે અવારનવાર નન્દ્લાલ કાકા ને મળવા જતો રેહેતો હતો, અને ઓળખાણ જાળવી રાખતો હતો. મને એવી ચાપલુસી ગમતી ન હોઈ હું બહુ સંપર્ક માં રહેતો ન હતો.
ઘણા સમય થી વોરા નો કોઈ પત્ર ન હતો કોલેજ માં હાજરી પુરાય છે કે નહી એની મને બહુજ તાલાવેલી રહેતી. એટલે મેં જરા કડક ભાષા મા વોરા ને લખ્યું કે મને કશી જાણ કેમ નથી કર તા…વિગેરે. મારી હાજરી બાબત પણ પૂછ્યું. પત્ર વાંચી ને વોરા ખુબ ચિડાયો અને મને લખ્યું કે મેં કાઈ તારી હાજરી નો ઠેકો નથી લીધો, બહુ ચિંતા હોય તો અહી આવી જા, તારી હાજરી બાબત હું કશું ન જાણું…! જે કામ ની તેણે બાહેધારી આપી હતી, પચાશ રૂપીયા જેવી માતબર રકમ પડાવી હતી તે કામ કરવા નો તેણે આમ તદ્દન ઇનકાર કરી દીધો. મને ખયાલ આવી ગયો કે તેણે કોઈ પ્રોફેસર ને પૈસા આપ્યા ન હતા, અને હાજરી ખૂટે નહિ એટલે મને પાછો બોલાવતો હતો. એ માણસ આટલો દગાબાજ હશે એવું એ વખતે લાગતું ન હતું. કામદાર જેવા ની ચઢવણી પણ એમાં સામેલ હોવી જોઈએ,
મારે પાછું ભાવનગર જવું પડ્યું. અમારી રૂમ માજ ઉતરવા નું હતું, આ વખતે જમવા નું સ્ટેશન પાસે ચાલતી એક ભોજનશાળા મા રાખ્યું હતું. પ્રમાણ માં તેનું ખાવાનું સારું હતું. નિયમિત કોલે જ જવાનું શરુ થઇ ગયું. ભલાણી ને મેં વોરા ની દગલબાજી ની વાત કરી, તેને વોરા તરફ ખાસ માન ન હતું. તેણે મને શિખામણ આપી કે કોઈની વાતો મા આવી જવું નહિ, તે સાચો હોય તો તને કેમ પ્રોફેસર ને મળવા ન લઇ ગયો…! અને ગમેતે પરિસ્થિતિ મા ટેવાવું જોઈએ, એમ કોલેજ છોડી ને ભાગી જવું એ સારું નથી. મને પણ એની વાત સાચી લાગી.
એમ કરતા કરતા પરિક્ષા આવી પહોંચી. બી.એ. મા જે કોમન વિષય હતા એની એક્ઝામ અમારે આપવા ની ન હતી. બાકી નાં પેપરો આપવા માંડ્યા.પરિક્ષા પૂરી થતાજ અમે બધા છુટા પડ્યા. આજ સુધી નાં સાથ બદલ એકબીજા નો આભાર માન્યો. વોરા અને ગુણવંત તો ભાવનગર ના જ હતા, તેઓ તો ભણવા માટેજ બોર્ડીંગ માં રહેતા હતા, હું, કામદાર અને અરવિંદ જ બહારગામ ના હતા, અરવિંદ ભાઈ ના ઘરે થોડું રોકાવા નો હતો. છુટ્ટા પડતી વખતે તેને મને લગ્ન માં આવવા નું ખાસ આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. તેનું વતન કોઠ ગાંગડ હતું. મેં ચોક્કસ આવવા નું વચન આપ્યું. અને રીઝલ્ટ ની પ્રતિક્ષા સાથે પાછા જોરાવરનગર આવી ગયા.
મારા પેપર એમ તો સારા ગયા હતા, તેમ છતાં ચિંતા રહેતી કે શું થશે…!બી.એ પછી એક વર્ષ માં બી.com કરનાર ને કોઈ ક્લાસ આપવા મા ન આવતો. ગમે તેટલા સારા માર્ક હોય તો પણ પાસ્ક્લાસ જ ગણવા મા આવતા. રીઝલ્ટ નો દિવસ આવી ગયો.એ વખતે રીઝલ્ટ વર્તમાનપત્રો માં આવતા હતા, મેં મારો નંબર પાસ્ક્લાસ નાં લીસ્ટ મા જોવા માંડ્યો. મારા આશ્ચર્ય વચ્ચે મારો નંબર પાસ નાં લીસ્ટ મા હતો….!આનદ થી મને રોમાંચ થઇ ગયા, હું બી.com થઇ ગયો હતો હવે મારા નામ પાછળ બી.એ બી.com એમ ડીગ્રી લાગુ થઇ શકતી હતી.
થોડી વાર માં કામદાર હસું હસું થતા આવ્યો. તેને એમજ હતું કે હું નાપાસ જ થયો હોઈશ, મેં તેને મારો નંબર આપ્યો ન હતો. તે લુચ્ચાઈ ભરી ઉત્સુકતા સાથે મારું રીઝલ્ટ પુછવા લાગ્યો.
“હું પાસ થયો છું.” મેં જરા ગર્વ થી કહ્યું.
“નાં હોય…!”તેનાથી બોલાઈ ગયું.
“ કેમ નાં હોય..?તું એકલોજ પાસ થયો હોઈશ કે..? “મેં જરા તોર થી કહ્યું.
“ નાં, એમ ક્યા કહું છું…! આ તો તે બહુ ધ્યાન નહોતું આપ્યું એટલે મને થયું કે ……!”તેને વાક્ય પૂરું ન કર્યું.
તેને જરા નિરાશા થઇ હતી. મારા જેવો વિદ્યાર્થી પાસ થાય જ કઈ રીતે…!એના પાસ થવા નાં કરતા મને નાપાસ થયેલો જોવા નો તેનો આનદ વધુ હતો…!પણ હવે જે થયું તે તો થયુજ.
હવે પછી નો તબક્કો કોઈ સારી જોબ શોધવાની હતી. સરકારી કચેરીઓ મા, કાંતિ કોટન મિલ માં ,એ વખતે તાજેતર માજ અસ્તિત્વ માં આવેલ gebord મા અરજીઓ કરવા માંડી . મિત્ર કનૈયાનું ઈંગ્લીશ સારું હતું. તેના બાપાએ મારી મારી ને તેને પાઠ માળા શીખવી હતી, એણે મને અરજી નો એક ડ્રાફ્ટ કરી આપ્યો હતો, તે મુજબ બધે અરજી કરવા માંડી. મને જોરાવરનગર ગમતું હતું, મારે બને ત્યાં સુધી ગામ છોડવું ન હતું. પણ બદનસીબે ગામે મને આશ્રય ન આપ્યો. જોબ માટે ની બધી અરજીઓ નો કોઈ અનુકુળ જવાબ ન આવ્યો.
મિત્ર મહેન્દ્ર બાબલા નાં મોટા ભાઈ ઇન્દુભાઇ સ્થાનિક પંજાબ નેશનલ બેંક માં હતા, એ વખતે બ્રાન્ચો ને થોડી રીકૃટમેંટ કરવા નો પાવર હશે, તેમણે મને ઓફર કરી કે જો ટાઈપ આવડતું હોય તો ટેસ્ટ આપવા આવીજા. મને ટાઈપ આવડતું ન હતું એટલે એ તક જતી રહી.
મારા મિત્રો ધીમે ધીમે ઠેકાણે પડતા જતા હતા, લલિત સુરેન્દ્રનગર પીપલ્સ બેંક મા, સી.કે.ઠાકર જી.ઈ.બોર્ડ માં અભરામ sbs મા કામે લાગી ગયા હતા, સૌથી વધુ જરૂર મને હતી પણ મારું હજી કશું ઠેકાણું પડતું ન હતું. છેવટે મુંબઈ જવા નું નક્કી થયું.
મારો ભાઈ હસમુખ તો અગાઉથીજ મુંબઈ પહોંચી ગયો હતો અને નાનુંમોટું કામ કરતો હતો. મોટાબહેન અને બનેવી ખેતવાડી નાં એક માળા મા રહેતા હતા, તેમની સાથેજ રહેવાનું હતું. તેમના પાંચ સંતાનો, અમે બે ભાઈઓ બધા નોજ સમાવેશ એ એક રૂમ નાં ઘર મા ખુબજ સારીરીતે કરવા માં આવ્યો હતો. બહેન અને બનેવી જરા પણ મો કટાણું કર્યા વિના અમને રાખતા હતા. તેમની સ્થિતિ કાઈ સારી ન હતી તેમ છતાં તેમણે જે પ્રેમ થી અમને રાખ્યા એ ઉદારતા અને આત્મીયતા કદી ભૂલી શકાય તેમ નથી.
મુંબઈ ના સંઘર્ષ કથા હવે પછી.

Posted ઓગસ્ટ 28, 2017 by sureshmsheth67 in Uncategorized

એ યુગ.   Leave a comment

એ યુગ .

રૂમ પાર્ટનર અરવિંદ બહુજ પાક્કો અને ગણતરીબાજ હતો, કોઈ વાર મારું દીવાસળી નું બોક્ષ ખલાસ થઇ જાય, ત્યારે એની પાસે માગવું પડતું, તે બીડી પીતો એટલે તેની પાસે દીવાસળી રહેતી. પણ તે એ શરતે આપતો કે જેટલી દીવાસળી વાપરી હોય એટલી મારે તેને પાછી આપવી…!અલબત્ત, જમાનો સોંઘવારી નો હતો, પણ નાણા ભીડ તો બધાજ અનુભવતા, એકસો રૂપિયે તોલો સોનું મળતું પણ એકસો રૂપિયા ક્યા હતા…! એટલે અરવિંદ તેની દીવાસળી ગણી ને પાછી લે એ માટે અફશોશ કરવા નો અર્થ ન હતો. જોકે ચીડ તો ઘણી ચડતી, પણ એક સગવડ સચવાતી હતી તે પણ જોવું પડતું.
અરવિંદ ની સગાઇ થઇ ગઈ હતી, તેની વાઈફ ઇન્દિરા,તેને પત્રો લખતી, જવાબ કોઈ વાર તે મારી પાસે લખાવતો, તે લીંબડી માં રહેતી હતી.અવારનવાર તે અરવિંદ માટે ખાવા ની વસ્તુ મોકલતી, અરવિંદ એ બધું” માત્ર એક વાર “ ની શરતે અમને ચખાડતો. એક વાર તેણે આમળા નાં જીવન ની આખી બરણી ભરી ને મોકલી હતી. એક વાર અરવિંદે અમને ચખાડ્યું, પછી તો એનો સ્વાદ મો મા રહી ગયો, તે બહાર ગયો હોય ત્યારે ઘણી વાર એ બરણી માંથી ચમચી ભરી ને આમળા રસાયણ નો આસ્વાદ કરી લેવાતો. તેને ખબર ન પડતી.
અરવિંદ ના ભાઈ ને સ્ટેટ બેંક નું ક્વાર્ટર મળી ગયું એ પછી અમે કોઈ વાર તેમના ઘરે જતા, તેના ભાભી સારા સ્વભાવ નાં હતા, તેમના ઘર માં થતી રસોઈ ની સુવાસ અમારા મો માં પાણી લાવી દેતું, પણ ભાઈ ભાભી બંન્ને એટલા શ્રુડ હતા કે કદી કશું ઓફર ન કરતા, અને એક રીતે તેમનું વર્તન સાચું હતું, અમારા જેવા મફતિયાઓ ને એમ પેધા પાડવા ન જોઈએ એવી એમની માન્યતા હોવી જોઈએ, અને આશ્વાસન ની વાત તો એ હતી કે તેઓ ખુદ અરવિંદ ને પણ કશું ઓફર કરતા ન હતા, એટલે અમારા થી અન્ય રીતે વિચારી શકાય તેમ ન હતું.
રમેશ ભાઈ એ તેમની બેંક માં અરજી કરવા નાં ફોર્મ લાવી આપ્યા હતા, એ વખતે સ્ટેટ બેંક of સૌરાષ્ટ્ર ની મુખ્ય કચેરી ભાવનગર માજ હતી,અમે બંને એ ફોર્મ ભર્યું. લેખિત ઈન્ટરવ્યું પણ નીકળ્યો, પણ એ વખત ની અમારી બીનઅનુભવી ઉમર અને કોઈ માર્ગદર્શન નો અભાવ હોવા થી અમે લેખિત પરિક્ષા મા ફેઈલ થયા, જો કે રીઝલ્ટ આવ્યું ત્યાં સુધી રંગીન સ્વપ્ના તો ખુબ જોવાયા, જો આ જોબ મળી જાય, તો ભણવા ને તિલાંજલિ આપી દઈશું, બેંક નો પગાર ત્રણસો આજુબાજુ તો હશેજ, એટલે રહેવા જમવા નો ખર્ચ બાદ કરતા સારી એવી રકમ બચે તેમ હતું….! તેમાંથી થોડા ઘરે મોકલીશું, બાકી નાં આજ સુધી જે નથી કર્યું એ કરવા મા વાપરીશું…! આવા સ્વપ્ના ખુબ સેવ્યા, પણ એ સાચા ન પડ્યા. રમેશભાઈ પોતાના નામ પાછળ “બેંક ઓફિસર” ખાસ લખાવતા. એ પણ એક સ્વપ્ન હતું કે આપણે પણ ભવિષ્ય મા આવું લખાવીશું…!
અમારી રૂમ ઉપર ભાલાણી , પી.ટી.વોરા વિગેરે આવતા, તેમને આ મુક્ત વાતાવરણ ગમતું. મારી રફ નોટ મા મેં મારા પોતાના કાર્ટૂન ખુબ દોર્યા હતા, એમાં મેં મને એક ચિત્ર મા નોબેલ પ્રાઈઝ વિજેતા તરીકે દર્શાવી ને નહેરુજી સાથે ચાપીતો બતાવ્યો હતો. અને નીચે લખ્યું કે “નહેરુજી સાથે ગોષ્ટી કરતા સાક્ષર શ્રી સુરેશચંદ્ર..”પી.ટી વોરા એ આ કાર્ટૂન જોયું , એ પછી એ લોકો એ મારું નામ સાક્ષર પડી દીધું, થોડો સમય તો મને સમજ ન પડી પણ પછી ખયાલ આવી ગયો કે આ લોકો એ મારું આવું નામ પાડ્યું છે. જોકે પોતાનુજ કાર્ટૂન દોરવું એ કુશળતા નાં વખાણ પણ તેઓ કરતા,
એકંદરે રૂમ નું જીવન બહુ ફરિયાદ વાળુ ન હતું. પણ જોરાવરનગર નું વિશાલ ઘર, તેમાં ની સગવડો, ઘણી વાર યાદ આવતું રહેતું, તેથી મેં કામદાર ને એક ઓફર કરી કે તું કોલેજ માં રોજ મારી હાજરી પુરાવે તો હું ઘરે જતો રહું.કામદાર એવું ખોટું કામ કરવા તૈયાર ન થયો,તેના મન મા એક એવી છાપ મારા માટે ઉભી થઇ હતી કે હું એક રખડેલ ,અને બેદરકાર માણસ છું, એટલે તેણે મારો સંપર્ક ઘટાડી નાખ્યો હતો. પણ આ વાત પી.ટી.વોરા નાં કાને ગઈ, તેણે મને ઓફર કરી કે હું તારી હાજરી પુરાવી શકું તેમ છું, , તેના કહેવા મુજબ એક પ્રોફેસર તેના પરિચિત હતા, અને તેને કહેવા થી તે હાજરી પૂરી નાખશે, જેથી વાર્ષિક પરિક્ષા વખતે હાજરી ખૂટે નહિ. મેં તેનો આભાર માન્યો. અને આગળ વધવા કહ્યું.
“પણ એ પ્રોફેસર ને પચાસ રૂપિયા આપવા પડે.”વોરા એ કહ્યું.
પચાસ રૂપિયા એ ઘણી મોટી રકમ ગણાતી, મેં આમ તેમ થી બચત એકત્ર કરી,ઇન્ટર એકાઉન્ટ નું પુસ્તક વેચી નાખ્યું અને પચાસ રૂપિયા ની સગવડ કરી. વોરા મને કોઈ ના ઘરે લઇ ગયો , મને બહાર ઉભો રાખી ને તે ઘર માં ગયો. મને વિચાર ન આવ્યો કે મારી ઓળખાણ કરાવવા કેમ નથી લઇ જતો…! પણ વોરા એ કહ્યું કે આવું કામ ખુબ છુપા રહી ને કરાતું હોય છે, પ્રોફેસર આમ જાહેર મા ખુલ્લા ન પડી શકે, પણ તારું કામ થઇ જશે, મેં તેને પચાસ રૂપિયા આપ્યા, એ થોડી વાર માં બહાર આવ્યો અને કહ્યું કે તારું કામ થઇ ગયું છે હવે તારી હાજરી નિયમિત પુરાતી રહેશે.
આ કામ થયા પછી મેં અરવિંદ અને બોટાદ બોય ને ઘરે જવાની વાત કરી, પરિક્ષા વખતે હું તેમની આ રૂમ માજ ઉતારો રાખીશ એવું પણ કહ્યું.
“પણ તો તારે ભાડા નો ભાગ તો આપવોજ પડશે.”અરવિંદે કહ્યું.તે કશું જતું કરવા માંગતો ન હતો. મારે તેને વચન આપવું પડ્યું અને એક સાંજે ભાવનગર રેલ્વે સ્ટેશન થી જોરાવર નગર ની ટીકીટ લઇ ને ટ્રેન માં બેઠો. સાથે મારા સમાન મા એક ગાદલું, સ્ટવ, વધેલું સીધું સમાન, એક પતરાની બેગ , વાસણો ,પુસ્તકો વિગેરે હતું. હવે માર્ચ આખરે લેવામાં આવનાર પરિક્ષા સુધી અહી પાછું આવવા નું ન હતું.
ટ્રેન રાત્રે લગભગ બાર વાગ્યે જોરાવરનગર પહોંચતી હતી. અર્ધી રાત નો સમય હોવાથી નગર સૂમસામ હતું. સ્ટેશને ઉતરનાર કોઈ ન હતું. આટલો સામાન લઇ ને ઘરે કેવીરીતે જવું એ સમશ્યા હતી, મેં જેમ તેમ ગાદલું ખભે ચઢાવ્ય, અને વજનદાર બેગ બીજા હાથ મા લઇ ને ચાલવા નો પ્રયોગ કર્યો. પણ સ્ટેશન ની બહાર માંડ નીકળી શકાયું. હવે કેવી રીતે જવું એ વિમાસણ મા ઉભો રહ્યો, એટલા માં રાત્રે રોન મા નીકળેલો પોલીસ ત્યાં થી પસાર થયો. મને જોઈ ને તે ઉભો રહ્યો,
“ કેમ એકલોજ છે..?’તેણે પૂછ્યું.
“હા.” મેં જવાબ આપ્યો.
“કોઈ લેવા નથી આવ્યું..?”
“નાં, ઘરે કોઈ ને ખબર નથી કે હું આવવા નો છું.”
તે મારી સામે જોઈ રહ્યો,
“તો હવે કેવી રીતે જઈશ..?”
“મેં જરા વિચાર કરી ને કહ્યું”
“જો તમે અહી ઉભા હો તો હું એક દાગીનો લઇ ને ઘરે જાઉં, અને કોઈ ને બોલાવી લાવું.”
એક અજાણ્યા માણસ ને સામાન સોંપી ને જવા નું જોખમ હું જાણતો હતો,પણ તેમ કર્યા સિવાય બીજો માર્ગ ન હતો. તેણે કબુલ રાખ્યું. હું એક ગાદલું ઊંચકી ને ઘર તરફ ચાલ્યો. ઘરે બીજું કોઈ હતું નહિ, પિતા વિસ્મૃતિ ના કારણે કોઈ કામ કરી શકે તેમ ન હતા, માતા ને જગાડી, તે પણ મને એકાએક આવેલો જોઈ ને આશ્ચર્ય પામ્યા, મેં સામાન કોઈ ને સોંપી ને આવ્યા નું કહ્યું કે તુરતજ તેમણે ઘર ને તાળું વાસ્યું અને મારી સાથે સ્ટેશન તરફ આવવા નીકળી ગયા, પેલો પોલીસમેન તેની સાયકલ નાં કેરિયર મા મારી પતરા ની બેગ મૂકી ને મારી પાછળ જ આવતો હતો,તેથી તે રસ્તા મા જ મળી ગયો,મારી બા એ બેગ માથા ઉપર લઇ લીધી અને અમે ઘરે પહોંચ્યા,
ઘરે જઈ ને માતા એ પૂછ્યું કે એ ભાઈ કોણ હતા..?
મેં કહ્યું કે પોલીસ હતો, મને મુન્જાતો જોઈ ને મદદ કરવા આવ્યો હતો.
“તો તેને ચાર આઠ આના આપવા હતા ને…!આવું કામ કોણ કરે..?’બા એ કહ્યું.
હું તો એટલો પરિપકવ ન હતો એટલે મને એવું યાદ ન આવ્યું. પણ એ અજાણ્યા પોલીસ ને કશું આપ્યું નહિ એનો પસ્તાવો મને ઘણા સમય સુધી રહ્યો.
હવે ઘરે રહી ને વાંચવા નું નક્કી કરી ને આવ્યો છું, ઘરે વાંચીશ અને પરિક્ષા આપવા પાછો ભાવ નગર જઈશ. એવું મેં જાહેર કર્યું. હાજરી ના પચાસ રૂપિયા આપવા પડ્યા તે કહેવા નું ન હતું.
બીજા દિવસ થી ઘર ની નિરાંત વચ્ચે વાંચવા નું શરુ કર્યું.

Posted ઓગસ્ટ 27, 2017 by sureshmsheth67 in Uncategorized

એ યુગ .   Leave a comment

એ યુગ .

સંસ્મરણો ની શ્રેણી ભાવનગર કોલેજ થી થંભી ગઈ હતી, આજે ફરીથી એમાં આગળ વધવા નો પ્રયત્ન કરવો છે,
દશા શ્રીમાળી બોર્ડીંગ નું વાતાવરણ ગમતું ન હતું, તેથી આગળ જણાવ્યા પ્રમાણે અરવિંદ સાથે રમેશભાઈ ની બે રૂમ મા રહેવા આવી ગયા. બીજા દિવસ થી નંદલાલ કાકા ની ભલામણ થી મુખ્ય રોડ અને ફિલ્મ થીયેટરરૂપમ ની સામે આવેલી દશા શ્રીમાળી ભોજનશાળા મા જમવા જવાનું શરુ કર્યું. તેમાં પંદર દિવસ નાં , બે વખત જમવા નાં દશ રૂપિયા ચાર્જ હતો.બહુ મોંઘુ તો ન કહેવાય પણ આવક નો કોઈ સ્ત્રોત ન હોવાથી જરા વિચાર કરવો પડતો.
ભોજન્શાળા મા ઘણા જમવા આવતા, નોકરીયાતો, પિયર ગયેલી પત્નીઓ નાં પતિઓ, વિદ્યાર્થીઓ એમ વિવિધ સ્તર ના જમનારા આવતા હતા, એક લાઈન મા નીચે બેસી ને જમવા નું હતું. પીરસણીયા લાઈનબંધ પીરસતા, કાયમી ગ્રાહકો પીરસણીયા સાથે દોસ્તી કરી લેતા હતા, તેમને ગરમ રોટલી પીરસવા મા આવતી, કેટલાક વળી ઘરે થી પોતાનું ચોખ્ખું ઘી લઇ ને આવતા, અને કોરી રોટલી મંગાવતા, તેના ઉપર ઘી લગાવી ને જમતા, રસોઈ આમ તો ખરાબ ન હતી,પણ આપણે પહેલી વાર ઘર ની બહાર નીકળ્યા હતા, એટલે આવી રીતે જમવા મા જરા અગવડ પડતી. પીરસવા વાળાઓ મા એક ભાઈ નાં શરીરે કોઢ અથવા સફેદ ડાઘ થયેલો હતો આવો રોગ ચેપી નથી હોતો એ ખબર હતી તેમ છતાં તેના હાથે પીરસવા મા આવતી રોટલી ખાતા જરા અસૂયા થઇ આવતી અને ઘર યાદ આવી જતું. જમીને સીધાજ કોલે જ જવા નું રહેતું. એમ.જે.કોલેજ of કોમર્સ બહુજ સરસ વિસ્તાર મા જરા ઉંચી જગ્યા એ હતી. એ સમયે તો બહુ વસ્તી ન હતી. વાહનો તો કોઈ પાસે ન હતા, ચાલી નેજ જવાનું રહેતું. આખી કોમર્સ કોલેજ માં અમારી સાથે માત્ર એકજ છોકરી હતી. મોટાભાગે એ વખતે છોકરીઓ સાયંસ અથવા આર્ટસ સ્ટ્રીમ મા જવું પસંદ કરતી. આખી કોલેજ મા એક માત્ર છોકરી નું હોવું અમારા બધા માટે એક આકર્ષણ હતું.છોકરી ની હિંમત ને પણ દાદ દેવી પડે..! જોકે એ વખતે બહુ છેલ્બટાઉં છોકરા દેખાતા ન હતા, બધા ભણવા માટે આવતા, અને ભણવા માજ રસ દાખવતા.
કોલેજ ની બાજુ માજ થોડે દૂર હોસ્ટેલ હતી, જે લગભગ ખાલી હતી, મેં અને કામદારે હોસ્ટેલ ની તપાસ કરવા નો વિચાર કર્યો. વાઇસ પ્રિન્સીપાલ કોઈ વી.સી.શાહ સાહેબ હોસ્ટેલ નાં રેક્ટર હતા, અમે તેમને મળવા ગયા, શાહસાહેબે અમને આવકાર્યા, કારણ હોસ્ટેલ માં ઘણી રૂમો ખાલી હતી. અમે અમારો પ્રસ્તાવ રજુ કર્યો. અમને હોસ્ટેલ મા રહેવા ની રજા આપો અને અમે જમવા નું બહાર કરીશું .! શાહસાહેબે કહ્યું કે એવું ન ચાલે તમારે હોસ્ટેલ ની મેશ માજ જમવું પડે અને વરાડે પડતો ખર્ચ પણ આપવો પડે, એટલે પછી અમે હોસ્ટેલ મા રહેવા નું માંડી વાળ્યું.કામદાર ને તો બોર્ડીંગ માં ફાવી ગયું હતું અને હું, અરવિંદ અને બોટાદ વાળો છોકરો રૂમ મા સેટ થઇ ગયા હતા, એટલે એજ વ્યવસ્થા ચાલુ રાખી.
સાંજના જમવા મા ભાખરી, ખીચડી, કાઢી કે સવાર ની વધેલી દાળ આપવા મા આવતી. સવારે કોઈ સારું શાક બન્યું હોય તો તે પણ ખાસ કિસ્સા મા આપવા મા આવતું. પણ એ માટે બેચાર દિવસે પીરસનાર ને ચાર આના જેવી રકમ ભેટ કરાવી પડતી, તે એક નાની ઉમર નો છોકરો હતો, ચાર આના લેતા શરમાતો પણ હતો પણ જરીરીયાત માણસ પાસે શું નથી કરાવતી…!તે સવાર નું સારું બનેલું શાક આ ભેટ ના બદલા મા આપતો. જૈન ભોજનશાળા તો ન હતી પણ આહાર જૈન ઢબ નોજ રહેતો.
બજેટ માં થોડી ખાધ આવતી હતી, તેથી મેં હમણાજ મુંબઈ મા કામે લાગેલા હસમુખભાઈ ને દશેક રૂપિયા મોકલવા લખ્યું હતું, તેમનો જવાબ આવી ગયો કે હું હજી હમણાજ કામે લાગ્યો છું, નિયમિત પગાર નથી મળતો, ઉપરાંત જોરાવરનગર માતાપિતા ને પણ થોડી રકમ મોકલવી પડતી હોઈ દશ રૂપિયા મોકલી શકાય તેમ નથી…!આજે દશ રૂપિયા ની વેલ્યુ કશી નથી પણ એ વખતે દશ રૂપિયા ઘણી મોટી રકમ ગણાતી.
પછી નક્કી કર્યું કે ઘરેજ રસોઈ બનાવી લેવી તે સારું પડશે. અરવિંદ અને બોટાદ વાળા છોકરા ને તો પૈસા ની ખોટ ન હતી,પણ આપણે તો બધું વિચારવું પડે તેમ હતું. એટલે પછી શરમ છોડી ને રૂમ માજ રસોઈ બનાવવા નું નક્કી કર્યું. આપણી રસોઈ માં શાકભાજી સાથેની ખીચડી જ બનતી. સવારે આવી ખીચડી બની જતી. તે ઘરેથી લાવેલા ખાખરા સાથે ખાઈ ને વધેલી ખીચડી ને સાંજે ખાવા માટે એક પતરા ની બેગ માં તાળું મારી ને મૂકી રાખવા મા આવતી જેથી જોડીદારો ખાઈ ન જાય…!!.સાંજે એ બંને જમવા જાય એટલે આપણે એ ખીચડી જમી લેવાની. !ગમે તેમ પણ એ વખતે તાજું શાક સસ્તું મળતું, ખીચડી નો સ્વાદ પણ અદભૂત લાગતો, તેલ મશાલા ઘરે થી લાવેલા હતા, તેલ સસ્તું હતું, એટલે ખલાસ થાય તો નજીક નું દુકાને થી બાટલી ભરી લાવતો હતો. મીઠું મશાલા તો ઘણું ચાલે તેટલા હતા. આમ જમવા ની તકલીફ દૂર થઇ ગઈ. કોલેજ માં નિયમિત ક્લાસ ચાલતા હતા, પ્રોફેસરો પણ સારા હતા, એ વખતે બી.એ. પછી એક વર્ષ મા બી.com. કરી શકાતું હતું, બશર્તે કે ઇન્ટર કોમર્સ નું એક પેપર અમારે પાસ કરવું પડતું. ઇન્ટર કોમર્સ નું એકાઉન્ટ્સ નું દળદાર પુસ્તક ખરીદવું પડ્યું. પહેલી ટર્મ્સ માજ એ એક પેપર પાસ કરી દઈએ તો વાર્ષિક પરિક્ષા વખતે ચિંતા ન રહે, એ માટે અમે એ પરિક્ષા નું ફોર્મ પહેલી ટર્મ્સ માજ ભરી દીધું. કામદાર અને તેના મિત્રો પી.ટી.વોરા અને ગુણવંત તો કોમર્સ ના જ વિદ્યાર્થી હતા, એટલે ઇન્ટર કોમર્સ નું એક પેપર મારે કામદારે અને અરવીન્દેજ આપવા નું રહેતું. કામદાર એમ માનતો હતો કે ઇન્ટર કોમર્સ નાં એકાઉન્ટ નું પેપેર પાસ કરવા નું મારું ગજું ન હતું. તે અને તેના મિત્રો મારી પાછળ હસતા હતા, પણ મારી મહેનત અને સીન્સીયારીટી ના કારણે મેં પહેલી ટર્મ્સ માજ ઇન્ટર કોમર્સ નું પેપર પાસ કરી દીધું.
પહેલી ટર્મ પૂરી થયા પછી વેકેશન પડ્યું. અરવિંદ , કામદાર, બોટાદકર બધાજ પોત પોતાના ઘરે જવા નીકળી ગયા. હું તો હમણાજ જઈ ને આવ્યો હતો એટલે જવાનું માંડી વાળ્યું. હવે બે રૂમ નાં એ ઘર મા હું એકલોજ હતો. ભાલાણી પણ પોતાના ગામ ગયો હતો. સાંજે જમી ને ફરવા નીકળતો, નજીક માં જ એક ગાર્ડન હતો, સાંજ ના વખતે તેના વ્રુક્ષો ઉપર પક્ષીઓ ખુબજ ચહેકતા, ગાર્ડન માં માઈક્રોફોન મુકવા મા આવ્યું હતું અને તેના ઉપર સારા ભજનો વગાડવા મા આવતા, તે સાંભળવા મા ઘણી મજા આવતી, અને સમય પણ પસાર થઇ જતો.
એક બે દિવસ એ વખતે વડવા બાજુ નાં એક થીયેટર માં વો કૌન થી ફિલ્મ પણ જોવા જવાતું. એ ફિલ્મ જોયા પછી રાત્રે ઘર માં એકલા રહેતા બીક પણ લાગતી, પણ એ બીક ઉપર કાબુ રાખતા શીખી જવાયું.
અમે જે બંગલા નાં પાછળ નાં આઉટ હાઉસ મા રહેતા તેમાં અમારી સામે ની રૂમ મા એક વિધવા બહેન રસીલા બેન રહેતા,તે લગભગ બારણું બંધ રાખતા, તેમને એક પુત્ર હતો. તે શું કરતો હતો તે ખબર નથી પણ દરેક રવિવારે તેના ઘર મા માદીકરા વચ્ચે તડફડ થતું સંભળાતું. છોકરો લગભગ અમારી ઉમર નોજ હતો , કોઈ સાથે ભળતો ન હતો, માત્ર રવિવારે સવાર થી તેનો કકળાટ ચાલુ થઇ જતો, દર રવિવારે એને ઘર નવેસર થી ગોઠવવા માં બહુ રસ રહેતો, અને છેક બપોર સુધી તે ઘરના ફર્નીચર ની ગોઠવણી નાં ફેરફાર મા વ્યસ્ત રહેતો. તેની માતા રસીલા બેન તેને આમ કરતા રોકતી અને બંને વચ્ચે કલહ ચાલુ રહેતો. એ છોકરો જ્ઘડતી વખતે એવી રીતે બોલતો જાણે ગાતો હોય …!અમને તેનું આ સંગીત સાંભળતાજ યાદ આવતું કે ઓહ, આજે તો રવિવાર છે…!રસીલા બેન આમ સારા સ્વભાવ ની બાઈ હતી. પણ જુવાન વિધવા ના સ્વાભાવિક સંકોચ નાં કારણે તે અમારી સાથે બહુ સંપર્ક રાખતી ન હતી. અને અમને તેવી જરૂર પણ ન પડતી.
બંગલા નાં એક ખૂણે બીજી એક નાની ઓરડી હતી, તેમાં દશેરાબેન નામની બીજી એક વિધવા બેન રહેતી હતી, તેની મુખમુદ્રા તો કડક હતી, પણ તેણે જયારે જાણ્યું કે અમે છોકરાઓ એકલા રહીએ છીએ,ત્યારે તે કામ મેળવવા ની ઈચ્છા થી અમને મળી, અમે તેમને કચરો પોતું, કરવા રાખી લીધા, તેમણે જાણ્યું કે હું જાતે રસોઈ બનાવું છું તો તેમણે સામે થી વાસણો ધોઈ આપવા નું સ્વીકાર્યું, રોજના અન્ડરવેર જેવા કપડા પણ ધોઈ આપવા નું તેમણે માથે લીધું.એ પછી તો ઘણી સરળતા થઇ ગઈ. બંગલા વાળા મકાન માલિકે પણ આ વ્યવસ્થા સ્વીકારી લીધી, અને કોઈ દખલ ન કરી.
દશેરાબેન ને પણ એક છોકરો હતો, તેનું નામ તો યાદ નથી, પણ એ કિશોરકુમાર ની કોમેડી નો મોટો આશક હતો. જયારે ને ત્યારે તે કિશોરકુમાર નાં અંદાજ મા વાત કરતો, એને બીજી એક વિચિત્ર ટેવ એ હતી કે તેને પોતે પરદેશી છે એવું દેખાડવું બહુ ગમતું. એ વખતે ફિલ્મો મા પરદેશીઓ નો બહુજ ચાલ હતો. પોતે પરદેશી છે એવું તે ગમે તે જગ્યા એ બોલ્યા કરતો.
પરદેશી દેખાવા માટે તે એક મરાઠી જેવી હિન્દી બોલતો, સાંજે તખ્તેશ્વર ની ટેકરી ઉપર બધા ફરવા ગયા હોઈએ ત્યાં એ પણ આવતો, અને જેને તેને કહેતો ફરતો “ઈથે ઝાલા તો એથે આલા , ઔર ભૈયા હમતો ઠહરે પરદેશી…!હંમે કા માલુમ…!”આ તેનો તકિયા કલામ હતો. કોઈ પણ ટોળા વચ્ચે ઘુસી ને તે પોતાનું પરદેશી પણું છતું કર્યા કરતો. અને ઝાલા તો આલા, અને હમ તો પરદેશી એવું બોલી ને પોતાની અલગ છાપ ઉભી કરવા મા વ્યસ્ત રહેતો. અમને આબધુ જોવા મા ગમ્મત પડતી.
મીનીવેકેશન માં બધાજ પોતાના ગામ ગયા એ પછી એક રાત્રે મને સખત તાવ ચઢી આવ્યો. કોઈ દવા તો પાસે હતી નહિ, કોઈ મિત્રો પણ ન હતા, ડોક્ટર ક્યા હશે એ પણ ખબર ન હતી. પરિણામે આખી રાત તાવ થી શેકાતા પસાર કરી, સવાર થતા તાવ એની મેળાએ ઉતરી ગયો. એ આખું અઠવાડિયું એકલા એકલા જ પસાર કર્યું. કોઈ વાર બાર્ટન લાઈબ્રેરી મા, તો કોઈ વાર ગાર્ડન મા સમય પસાર કર્યો. પૈસા તો પાસે હતા નહિ, એટલે એક વાર તેલ મશાલા ખલાશ થયે થી માત્ર ચણા મમરા નાં ખીસા ભરી ને ગાર્ડન મા પેટ ભરવું પડ્યું. આટલા ઓછા પૈસે એક અજાણ્યા શહેર મા એ દિવસો કેવી રીતે પસાર થયા એ સમજવું મુશ્કેલ છે,
બાકી નો વૃતાંત હવે પછી.

Posted ઓગસ્ટ 26, 2017 by sureshmsheth67 in Uncategorized