ત્રણ તલાક .   Leave a comment

ત્રણ તલાક.

બિન સામ્પરદાયિક …ધર્મ નિરપેક્ષ …..! આપણા દેશ માટે આવા વિશેષણો વાપરવા મા આવે છે, આપણ ને એનો ગર્વ પણ છે, પણ જો આપણે ધર્મ નિરપેક્ષ છીએ તો ધર્મ ને ધ્યાન માં રાખી ને અલ્પસંખ્યક બહુ સંખ્યક જેવા વિભાગો શા માટે કર્યા છે..?જો ભારત એક છે, દેશ એક છે, તેના નાગરીકો સમાન છે તો ધર્મ પ્રમાણે અલગ વ્યવસ્થા. અલગ કાયદા અલગ અનામત શા માટે રાખવી જોઈએ..?અલ્પસંખ્યકો માટે વિશેષ દરજ્જો શા માટે ઉભો કરવો પડે..?એકજ દેશ માં કોઈ ખાસ કોમ માટે અલગ કાનૂન શા માટે રખાયા છે..? અને એ પણ માત્ર મુસ્લિમ અલ્પ્સંખય્કો માટેજ. પારસીઓ માટે, બૌદ્ધો માટે જૈનો માટે શિવભકતો માટે, વૈષ્ણવ ધર્મીઓ માટે, દેવીપૂજકો માટે કેમ અલગ કાનૂની વ્યવસ્થા નથી..? બિનસાંપ્રદાય ની વ્યવસ્થા માત્ર મુસ્લિમ અલ્પ્સંખ્યકો માટેજ એ કેવું અવ્યવહારુ લાગે છે..?શરિયત, મુસ્લિમ પર્સનલ લો મુસ્લિમો માટે અન્ય નાગરીકો કરતા અલગ અસ્તિત્વ ઉભું કરે છે, એકજ દેશ મા એકજ કાયદો હોવો જોઈએ, અને બિન સાંપ્રદાયિક દેશ મા હિંદુ મુસ્લિમ નાં ભાગલા કેવી રીતે પાડી શકાય..એ વિચારવું જોઈએ.આ કોમી વિભાજન થી તો દેશ એક વાર વિભાજીત થઇ ચુક્યો છે, તો પણ હજી આવા અલગ કાનૂનો શા માટે રાખવા મા આવ્યા છે.?
મુસ્લિમો માટે ત્રણ તલાક, ચાર પત્ની કરવા ની છૂટ અને બીજાઓ માટે એ ગુન્હો બનતો હોય એવું આપણા આ રેઢીયાળ દેશ માજ જોવા મળે, બીજા અનેક મુસ્લિમ દેશો એ પણ ત્રણ તલાક ને માન્યતા નથી આપી, તો આપના દેશ માં જ આ મુસ્લિમ નાગરીકો ને આવા લાડ કેમ લડાવવા મા આવે છે..?અને ઉપર થી એક લાંછન તો આપણા ઉપર લાગેલુજ છે કે ભારત મા મુસ્લિમો અસલામત છે, !આ કયા પ્રકાર ની રાજનીતિ છે…જેમાં બંધારણ દ્વારા જાહેર થયેલ બિનસાંપ્રદાયિક રાજ્ય મા સંપ્રદાય નાં આધારે બે કોમ વચ્ચે ભેદભાવ રાખવા મા આવે છે..!
સુપ્રીમ કોર્ટ નો આજનો ચુકાદો આ અસમાનતા ને હળવી કરવા નો પ્રયત્ન થયો છે તે સારી શરૂઆત છે, જો કે ત્રણ તલાક ની પ્રથા ને દૂર કરવા થી અન્ય ધર્મ ના લોકો ને સીધો ફાયદો નથી. એવું કહેનારા પણ છે કે ત્રણ તલાક નાબૂદ થવાથી અન્ય ધર્મ ના લોકો શા માટે રાજી થાય છે…! એનું એકજ કારણ કે હિંદુ મુસ્લિમ વચ્ચે જે વિશેષ વિભાજન રહેલું છે તે દૂર થવા ની દિશા મા આ પ્રથમ પ્રશસ્ય પગલું છે. હવે સમાન નાગરિક ધારો, કાશ્મીર ના વિશેષ દરજ્જા ની નાબુદી, જેવા વધુ પગલા લેવાશે એવી આશા બંધાય છે. મુસ્લિમો માટે અલગ કાનૂની વ્યવસ્થા એ એક જાત નો અન્યાય જ છે, અલ્પસંખ્યક અને બહુ સંખ્યકો માટે જુદા જુદા કાનૂનો એ સરળતા થી સમજાવી ન શકાય એવી હકીકત છે, આટ આટલી સવલતો ભોગવવા છતાં મુસ્લિમો અસલામત છે એવું તો સામ્ભળવુંજ પડે છે, બહુમતી પ્રજા ને જે નથી આપવા મા આવ્યું તે આ લઘુસંખ્યકો ને આપવા મા આવ્યું છે, જાણી જોઈ ને તેમની એક અલગ ઓળખ ઉભી કરવા મા આવી છે, તેમ છતાં બે કોમ વચ્ચે ભાઈચારો બહુ ઓછાપ્રમાણ મા દેખાય છે એનું કારણ જ આ અલગ ઓળખ છે. આપણા બિનસાંપ્રદાયિક દેશ માં બહુમતી પ્રજા ને બીજા નંબર ના નાગરીકો ગણવા મા આવે છે, જો ધર્મ નિરપેક્ષ છો તો ધર્મ ને રાજ્ય વહીવટ માંથી દૂર કેમ નથી કરતા..? મતબેંક ની આળ પંપાળ ..?
એક દેશ માં એક સરખોજ નાગરિક ધારો હોવો જોઈએ, કોઈ ને કોઈ પણ પ્રકાર ના વિશેષ અધિકારો હોવા ન જોઈએ, ધર્મ નું કોલમ જ જાહેર ડેકલેરેશનો માં થી દૂર કરવું જોઈએ, ત્રણ તલાક નો વિશેષ અધિકાર દૂર થવાથી આ દિશા મા સાચું પગલું ભરવા મા આવ્યું છે. એમ લાગે છે અને એ માટે સરકારે નહિ પણ સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો છે એ આપણી ન્યાય પરંપરા માટે એક વધુ શોભનીય દ્રશ્ટાન્ત છે.

Posted ઓગસ્ટ 23, 2017 by sureshmsheth67 in Uncategorized

તપશ્ચર્યા ,અન્ય દ્રષ્ટિબિંદુ .   Leave a comment

તપશ્ચર્યા અન્ય દ્રષ્ટિબિંદુ .

પર્યુષણ પર્વ ની તપશ્ચર્યા ને બીજી રીતે પણ મૂલવવી જોઈએ, વ્રત અને ઉપવાસ એ કોઈ સહેલું કે સરળ કામ નથી, અન્ય ધર્મ નાં ઉપવાસો મા તો સામાન્ય કરતા ઉલટું વધુ ખવાતું હોય છે, એમાં સાત્વિક ગણાતા પદાર્થો મન ભરી ને ખાઈ પી શકાય છે, પરંતુ જૈન ઉપવાસો મા આવું કશું નથી હોતું, પાણી સિવાય મુખ મા કશું જઈ ન શકે, શ્રદ્ધા મુજબ તપસ્વીઓ લાંબી કે ટૂંકી મુદત ના ઉપવાસો કરે છે, ઉપવાસ એક દિવસ નો હોય કે ૪૫ દિવસના, તેના નિયમો તો સરખાજ હોય છે, વધુ લાંબી મુદત ના ઉપવાસીઓ ને વધારા ની છૂટછાટ મળતી નથી, અહી હોલસેલ નાં લાભ આપવા મા નથી આવતા, !
સ્વાદેન્દ્રિય ને વશ રાખવી એ બહુજ અઘરી બાબત છે, એક રીતે જુઓ તો માણસ ખાવા માટેજ મહેનત, પરિશ્રમ કરતો હોય છે, એ ખાવા નું સ્વેચ્છા એ અમૂક સમય માટે છોડવું એ બહુજ કઠીન કામ છે, લોલૂપ્તા, ઉપવાસ તોડી નાખવા ની ઈચ્છા, ઉપવાસ કરી ને શું લાભ છે એવા નેગેટીવ વિચારો ઉપવાસ વખતે વધુ આવે છે, અને ચાલો ઉપવાસ તોડી નાખીએ એવા બળવાખોર વિચારો પણ આવી જતા હોય છે, પણ આ શ્રધ્ધાળુ ઓ જે રીતે મન ને મક્કમ રાખી ને ધારેલી તપશ્ચર્યા પૂરી કરે છે એ કાબિલે દાદ છે,
મેં ત્રણ ઉપવાસ નું તપ એક થી વધુ વાર કર્યું છે, પણ ખુબ જહેમત પડી હતી તેને પૂરું કરવા માં ખુબજ આત્મબળ ની જરૂર પડી હતી. પહેલા તો સવાર પડે તે સાથેજ મન મા ધ્રાસકો પડે, કે શું ખરેખર આ તપ કરવું છે..? કરાશે ખરું..?પહેલીજ કસોટી ચા પીવાના ટાઈમે થવી શરુ થઇ જાય, આજે ચાં નથી પીવાની, એ કડવું સત્ય યાદ કરવુજ પડે, ધીમે ધીમે આપણા પીવા માટે પાણી ઉકાળવા મા આવે, તેને ઠંડુ કરી ને માટલી મા ભરવા મા આવે, એજ પાણી પીવાનું છે એવી સભાનતા થી માટલી તરફ વિચિત્ર દ્રષ્ટિ એ જોવાઈ જાય, ધીમે ધીમે રોજ નો જમવા નો ટાઈમ આવી જાય, પણ આજે ઉપવાસ છે, જમવાનું નથી એ કઠોર હકીકત સ્વીકારવીજ પડે, સમય પસાર કરવા વાંચન,અથવા ઊંઘવા ની ક્રિયા થોડી મદદ રૂપ બને, બે ત્રણ વાર પાણી પીવા મા આવે, ત્યાં બપોર ની ચા નો વખત આવી જાય, પણ ચા નથી પીવાની એ પણ સાથેજ યાદ આવે. ઊંઘ અને બગાસાં સાથે એ સમય પણ પૂરો થાય, ઘડિયાળ મા હજી તો માંડ અઢી વાગ્યા હોય…! હજી તો આવા વધુ બેદિવસ કાઢવા નાં છે, એ યાદ આવતા મન નિર્બળતા અનુભવવા માંડે ..!અન્ય શ્રધ્ધાળુ ઓ તો ઘણો સમય સામાયિક અને પ્રતિક્રમણ ની ક્રિયાઓ મા વ્યસ્ત રહી ને જીભ નાં વિપ્લવ ને વશ કરી લે, પણ આપણ ને તો એવું પણ ગમે નહિ. એટલે ભૂખ નું દુખ સહન કર્યેજ છૂટકો થાય. એ સમય બેકારી નો હતો. આવા તપ કરવા પાછળ કોઈ આધ્યાત્મિક ભાવ ન હતો, પણ એવું સાંભળ્યું હતું કે તમે જે તપ કરો એનું ફળ શાશન્દેવો પાસે થી માગી શકો છો, એટલે એક લાલચ જ હતી કે તપ કરી ને તેનું મનગમતું ફળ માગી લેવું. એ સમયે મુંબઈ , નાગદેવી સ્ટ્રીટ ની લોખન્ડ બજાર ની એક વેપારી પેઢી મા સાધારણ નોકરી હતી, અમારી દુકાન સામેજ દેનાબેંક ની બ્રાંચ હતી. તેમાં ચેક ભરવા જવાનું બનતું, અને બેંક નું વાતાવરણ જોઈ ને મન મા થઇ આવતું કે આપણ ને પણ બેંક ની નોકરી મળે તો કેવું સારું…! ઉપવાસ નું તપ કરવા પાછળ મુખ્યત્વે આ પ્રલોભન જ મુખ્ય હતું, કે સફળ પણે તપ પૂરું કરી શકાય તો તેના ફળ સ્વરૂપે શાશન્દેવતા પાસે બેંક ની જોબ માગી શકાય…!
પણ ત્રણ સળંગ ઉપવાસ કરવા એ એક ભયંકર કસોટી હતી,એકાદ વાર તો તપ પૂરું કરી શકાયું, પણ ધાર્યા મુજબ ફળ મળ્યું નહિ. બીજા વર્ષે ફરીથી આ તપ આદર્યું, પણ એટલો ત્રાસ પડ્યો કે લગભગ દોઢ દીવસ મા વ્રત તોડી નાખવું પડ્યું. વ્રત તોડ્યા પછી ઘણોજ પસ્તાવો થયો, જાત ઉપર તિરસ્કાર પણ છૂટ્યો, પણ ભૂખ સહન કરવાનું બહુજ મુશ્કેલ લાગવા થી વ્રત અધ્વાચ્ચેજ છોડી દેવું પડ્યું. કોઈ પણ તપ મા આ પ્રલોભન થી દૂર રહેવું એનુજ મહત્વ હોય છે, જો તમે સંકલ્પ પ્રમાણે દ્રઢ રહી શકો તોજ દેવતાઓ પાસે કઈક માગવા નો અધિકાર પ્રાપ્ત કરી શકો, લાલચ મા આવી જવાય તો દેવો તમને શા માટે મદદ કરે..?પણ આ બધું ડહાપણ તો એક વાર ઉપવાસ તોડી ને ખાઈલીધા પછીજ સુઝે, એ પહેલા તો નેગેટીવ વિચારોજ મગજ નો કબજો લઇ લે, કે આમ ન ખાવા થી શું મળી જવાનું છે..? સાંભળેલી વાત સાચી છે કે ખોટી એ કોણ જોવા ગયું છે….વિગેરે.
એ પછી લગભગ બે કે ત્રણ વર્ષ સુધી આ ત્રણ ઉપવાસ નું તપ થઇ શક્યું, અને તેના ફળ ની માગણી પણ સત્તાવાર રીતે કરી નાખી, તપ નું ફળ માગવું એને જૈન ધર્મ મા “નિયાણું “કરવું કહે છે, અમારા ગ્રંથો મા કહેવાયું છે કે શ્રીકૃષ્ણ નાં પિતા વસુદેવ આગલા જન્મ મા મોટા તપસ્વી હતા, અને તપ થી કંટાળી ને તેમણે નિયાણું કરી ને તેમણે “સ્ત્રી વલ્લભ” બનવા નું માગ્યું બીજા જન્મ મા વસુદેવ એક રંગીલા યાદવ યુવક બન્યા, અને અનેક સ્ત્રીઓ તેમની પાછળ મુગ્ધ થઇ ને ફરતી હતી. એવોજ કિસ્સો શ્રી કૃષ્ણ નાં આગલા ભાવ મા બન્યો હતો, એ તપસ્વીએ તપ થી કંટાળી ને નિયાણા મા “જગત્વલ્લભ” થવાનું માગ્યું. અને બીજા અવતાર મા તે કૃષ્ણ થઇ ને જગત નાં લાડીલા બન્યા,
આવું બધું વાંચું હતું એટલે આપણ ને પણ એમ કે આપણે ક્યા મોટી માગણી કરવી છે,,,! આપણું તપ નાનું છે તો માગણી પણ નાનીજ છે ને…!જો કૃષ્ણ તપ ના પ્રભાવ થી જગત્વલ્લભ બની શકતા હોય તો આપણ ને એક બેંક ની જોબ નહિ મળે..? કોઈ લોજીક ન હતું, એક આછી શ્રદ્ધા હતી,મોટાભાગે તો અવિશ્વાસ જ હતો, પણ છેવટે બેંક ની જોબ મળી ત્યારે લાગ્યું કે લોકવાયકાઓ મા તથ્ય તો હશેજ.
એ પછી પણ આવું તપ કરવા નું દર વર્ષે ચાલુ રાખ્યું. મુશ્કેલી તો ઘણી પડતી. પણ ઓફીસ મા કામ આડે બે દિવસ તો પસાર થઇ જતા, ત્રીજો દિવસ જાહેર રજા નો આવે, એટલે ઘર માજ રહેવા નું થાય, અને નવરું મગજ જાત જાત નાં ખાદ્યપદાર્થો ને યાદ કરી ને રિબાતું રહે, એ વખતે તો આપણે આજ સુધી ન ખાધું પીધું હોય એ બધુજ યાદ આવે, પારણા પછી તો આઈસ્ક્રીમ ઉડાવીશું, ફેન્ટા પીશું, થમ્સપ પણ પીશું, દાલવડા જાપટીશું એવું થયા જ કરે, ત્રીજો દિવસ ખુબજ આકારો લાગતો, કારણ એ દિવસ પસાર થાય એટલે મુકમ્મલ આઝાદી મળવા ની હતી. પણ એ દિવસ કેમ પસાર થાય…!ક્યારે રાત્રી વીતે અને પ્રભાત પ્રગટે એની આતુરતા વધતી જાય, સાંજ નું સાવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી તો હવે રાત ક્યારે વીતે એનુજ રટણ ચાલ્યા કરે,પારણા ની રાબડી, સુંઠ ની લાડુડી ,નજર સમક્ષ તરવર્યા કરે.
છેવટે સવાર પડે, પારણા નો સમય થાય, પણ ત્રણ દિવસ પછી ખાવા નાં પ્રસંગે કશું ખાવા નું મન જ ન થાય, અશક્તિ થી શરીર તુટતું હોય, અને સગાસંબંધીઓ એ કરેલા મોટા મોટા તપ નાં પારણા કરાવવા જવા નું હોય, જમવા નું હોય, ત્રણ દિવસ થી જેની લિજ્જત માણવા માટે લાલાયિત હોઈએ તે તમાકુ ક્યારે મો માં જમાવીયે એજ વાત મન મા ઘોળાતી હોય,
છેવટે પારણું થઇ જાય, પેટ મા કશુક પડે એ પછી બધું નોર્મલ થતું જાય, બેંક ચાલુ હોય એટલે હાજર પણ થવું પડે, બેંક નાં જૈન મિત્રો ત્રણ ઉપવાસ ના તપ કર્યા નું જાણી ને અહોભાવ વ્યક્ત કરે તેના થી જરા ગર્વ પણ ઉપજે. અને બધું પાછું રાબેતામુજબ થવા લાગે.
મારા આ અનુભવ ઉપર થી હું સારી રીતે સમજી શકું છું કે જીભ ઉપર સ્વાદ ઉપર અને ખાવાપીવા ઉપર સંયમ રાખવો એ કેટલું કઠોર કામ છે..! આપણે એક, બે કે ત્રણ ઉપવાસ થી જો ત્રાસી જતા હોઈએ તો આઠ , સોળ,કે માસ ભાર નાં ઉપવાસો કરનાર ની ઇચ્છાશક્તિ ને તો બીરદાવાવીજ જોઈએ,ભલે તમે તપ માં માનતા હો કે ન માનતા હો, તપ અને ઉપવાસ નાં આધ્યાત્મિક પાસા ને તમે ભલે ન માનતા હો, કે આ બધું મિથ્યા ત્રાસ ભોગવવા નું કારણ સમજતા હો, પણ એ તપ કરવા મા જે આત્મબળ, દ્રઢ ઇચ્છાશક્તિ,ઇન્દ્રિયો ઉપર સંયમ ની જરૂર પડે તે તો સ્વીકારાવુંજ રહ્યું. ભલે આ બધું અંધશ્રદ્ધા હોય, કે અતાર્કિક હોય, ભલે આવું તપ કરવા થી કોઈ નું ભલું થતું ન હોય, તપ કરનાર નાં આત્મા ની કેવી ગતિ થશે એ પણ કોઈ જાણતું ન હોય, તો પણ દ્રઢ શ્રધ્ધા થી તપ કરવું એમાં કોઈ ઓછી બહાદૂરી નથી.
ઉપવાસો ના તપ ની મશ્કરી ઉડાવનારાઓ કોઈ વાર એક કે બે ઉપવાસો કરી જુએ , એ પછીજ એ માટે કેટલી આત્મિક શક્તિ ની જરૂર પડે છે એ સમજી શકાશે.
ઉપવાસો યોગ્ય છે, કે વ્યર્થ છે, આત્મા નું કલ્યાણ કરે છે કે શરીર ઉપર જુલમ કરવા મા આવે છે એ વિષય અલગ છે, પણ ઉપવાસ કરવા માટે કેટલું દ્રઢ મનોબળ જોઈએ એ તો આવું કોઈ તપ કરીએ તોજ સમજાય. આપણે માનીએ કે ન માનીએ, પણ ઉપવાસીઓ જે સંયમ, શિસ્ત, અને દ્રઢ મનોબળ દર્શાવે છે એ તો નમન ને જ યોગ્ય છે,
ગઈ કાલ ની મારી પોસ્ટ મુક્યા પછી હું ધારતો હતો કે જૈન મિત્રો ની ખુબજ નારાજી નો ભોગ બનવું પડશે, પણ હું જોઈ શક્યો કે જૈનો કેટલા મોટા મન વાળા , છે, તેઓ જરા પણ અસહીષ્ણ નથી, અને વિરોધી વિચારો ને પણ ઉદારતા થી પચાવી શકે છે.
સૌ તપસ્વીઓ ને પ્રણામ, અને મનવચન કર્મ થી મિચ્છામી દુક્કડમ

Posted ઓગસ્ટ 22, 2017 by sureshmsheth67 in Uncategorized

તપશ્ચર્યા.   Leave a comment

તપશ્ચર્યા..

પર્યુષણ ચાલી રહ્યા છે, જૈન ભાઈઓ માટે આ એક ખુબજ મહત્વ નાં પવિત્ર દિવસો ગણાય છે, જો કે આ દિવસો કોઈ ભગવાને નક્કી નથી કર્યા, પણ વર્ષ મા થોડા દિવસો લોકો ધર્માચરણ કરે તે માટે નું એક સર્વસંમત આયોજન છે, (બાકી નાં દિવસો મા ધર્માચરણ ન કરે એમ નહિ..!) જૈન ધર્મ અને જૈન કોમ્યુનીટી એક માત્ર કડક અને ચુસ્ત આચાર સંહિતા ધરાવનાર સંપ્રદાય છે, આ સંપ્રદાય ની સખત આચારસંહિતા નાં કારણે આ સંપ્રદાય નો બહુ પ્રચાર નથી થયો એમ લાગે છે, જૈનો નાં વ્રત ઉપવાસ ખુબજ કડક અને જરા પણ છૂટછાટ વગર ના હોય છે, આ ઉપવાસો મા સુર્યાસ્ત પછી પાણી પણ પીવાતું નથી. આખોદિવસ માત્ર ઉકાળેલા , બિન ક્ષાર યુક્ત પાણી ઉપરજ રહેવાનું હોય છે, ફલાહાર, કે ચાદૂધ ,કે સુકો મેવો કશું લઇ શકાતું નથી. ભાવિકો આવા એક બે નહિ પણ આઠ, સોળદિવસ ના , મહીના કે તેનાથી પણ વધારે દિવસો નાં આવા ઉપવાસો કરે છે, જે ખરેખર આપણે જે કુદરત ના નિયમો જાણીએ છી એ તે જાણકારી મા બંધ બેસતા નથી. માત્ર ઉકાળેલા પાણી ઉપર આટલા દિવસો પસાર કરવા એ આમ તો બહુજ અઘરું કામ છે, મેં જાતે ત્રણ થી વધુ દિવસ ના ઉપવાસો કર્યા નથી. એમાં એ ત્રીજો દિવસ તો કાઢવો ખુબજ મુશ્કેલ લાગ્યો છે, પણ સળંગ આઠ, સોળ દિવસ નાં કે તેના થી વધુ મુદત ના ઉપવાસ કરનાર ને ધન્યવાદ તો આપવા જ પડે, નાના બાળકો જે હજી રમત માજ જીવ રાખતા હોઈ શકે તે પણ આવા આઠ દિવસ ના ઉપવાસ કરે ત્યારે આશ્ચર્ય જરૂર થાય, કે કઈ શક્તિ તેમને ખાધાવીના આટલા દિવસ ટકાવી રાખતી હશે…!
જો કે એક પ્રશ્ન જરૂર થાય, કે આટલું કષ્ટ વેઠી ને ઉપવાસો કરવા થી ભૌતિક રીતે શું લાભ થતો હશે..! તમે આટલા દિવસ કશું ખાતા નથી તેનાથી કોને લાભ થશે..? સમાજ ને જાતીબંધુઓ ને, તેનાથી શું ફાયદો થશે..?ખાસ કશો નહિ. આ બધી તપશ્ચર્યા માત્ર પોતાના આત્મા ના કલ્યાણ માટેજ કરવા મા આવતા હોય છે, એની પાછળ જનહિત ની ભાવના નથી હોતી પણ પોતે શરીર ને કષ્ટ આપી ને ભવસાગર તરી જવા ની ભાવના હોય છે, આ ભવસાગર , મોક્ષ જેવા શબ્દો આપણી સંસ્કૃતિ મા બહુજ જાણીતા છે, મર્યા પછી જીવ નું શું થાય છે એ કોઈ જાણતું નથી, તપ કરવા થી તમારા કર્મો ખપી જશે, અને તમારી મૂકતી થઇ જશે એવા ઉપદેશો નાં કારણેજ આટલા કષ્ટદાયક ઉપવાસો કરવા મા આવતા હોય છે, તમે એક મહિના સુધી ખાશો નહિ તે જો કોઈ જરૂરતમંદ ને આપવા મા આવતું હોય તો હજી કઈક પણ વ્યાજબી ગણી શકાય, પણ એ બચેલો ખોરાક અન્ય કોઈ ને મળતો નથી, ઉલટું તપ ની ઉજવણી નાં ઠઠારા કરી ને, વરઘોડા કાઢી ને, પારણા નાં ઉત્સવો કરી ને નાણા ઉડાવવા મા આવે છે, તપ જો પોતાના આત્મા નાં શ્રેય માટેજ થતું હોય તો તેની જાહેરાતો, વર્તમાનપત્રો મા, ન આપવી જોઈએ, તપસ્વી નાં પારણા નાં દિવસે તેને પારણું કરાવવા જવું, પારણું કરાવવા આવનારાઓ માટે જમણવાર નાં ઉત્સવો કરવા , કોઈ પારણું કરાવવા ન આવ્યું હોય, કે ઉપવાસો દરમ્યાન ખબર પુછવા ન આવ્યું હોય તો તેની સુક્ષ્મ નોંધ રાખવી , લગ્ન સમારંભ ની જેમ તપસ્વી ને ભેટ ધરવી,.આવું શામાટે..?ઉપવાસ તમે તમારા માટે, તમારા મોક્ષ માટે કરો છો, એમાં બીજા ને તમે મોક્ષ અપાવી શકવા નાં નથી. તમે કોઈ ને પુછ્યાવીના આ તપ કરો છો પછી કોઈ તમારી ખબર પુછવા ન આવે તેને ઇસ્સ્યું કેમ બનાવો છો..?તમે તપસ્વી છો,ત્યાગી છો,તમારે આવી બધી અપેક્ષા પણ ત્યાગવી જોઈએ.
તેઓ જે તાપ કરે છે એ જરા પણ સહેલું નથી એ કબુલ, પણ તપસ્વી પોતે જાતે , પોતાની જાત માટે આ તપ કરે છે, એમાં અન્ય ની મરજી કે સંમતિ લેવા મા આવતી નથી ,હું તપ કરું છું એટલે બધાએ મારી ખબર પુછવા આવવુજ એવું કોઈ લેખિત કે મૌખિક વચન કોઈ આપતું નથી, તેમ છતાં તપસ્વી ની શાતા પુછવી, તેને ભેટ ધરવી, એ એક સામાજિક રીવાજ અને પ્રથા બની ગઈ છે, સર્વસ્વ ત્યાગવા નાં ધર્મ મા આવી ભેટસોગાદો. કારણ વગર ના અનુંમોદનો, પ્રશંષા, કે અહોભાવ દર્શાવવા નો એક રીવાજ જૈનો માં થઇ ગયો છે, તપશ્ચર્યા એ અંગત કલ્યાણ ની ભાવના નાં બદલે બીજાઓ ઉપર સામાજિક બોજો ઉભો કરવા નો પ્રસંગ બની જાય છે, તપસ્વી ને પારણા નાં દિવસે નવા વસ્ત્રો થી સજાવવા મા આવે છે, કોઈ તો વળી ફેસિયલ પણ કરે છે, જેણે બધું ત્યાગવા નું છે એને આવા મોહ માયા મા શા માટે નાખવા જોઈએ..?
તપ અઘરું છે એમાં ઇનકાર નથી પણ એ જો એક દેખાડો થઇ જાય, પ્રચાર ની બાબત બની જાય, તો આ તપ અને ત્યાગ નાં ધર્મ માટે યોગ્ય નથી લાગતું.
નાના બાળકો ને પણ આવા અઘરા તપ મા શા માટે ઉતારવા જોઈએ..?જેમણે જીવન જોયું નથી, મોજ મજા કે દુખ કશું અનુભવ્યું નથી એવા નિર્દોષ ભૂલકાઓ ને શા માટે તપ માં ઉતારવા જોઈએ..?માત્ર પ્રશંષા મેળવવા માટે કે તેનો આગલો ભવ સુધારવા માટે જ ને..?એને આ જે મળ્યો છે તે ભવ તો સારીરીતે ભોગવી લેવા દો , પછી આગલા ભાવ નું બુકિંગ કરાવજો…!લોકો તમારી ધર્મ ભાવના ની પ્રશંષા કરે એટલા માટે બાળકો ને શા માટે દાવ ઉપર લગાવવા જોઈએ..?
એક બીજો પણ પ્રશ્ન છે, ત્યાગ , તપ,સુખસુવિધા થી દૂર રહેવું માત્ર ધર્મ ગ્રંથો મા કે આગમો માજ વ્યસ્ત રહેવું એ જૈનો નો મુખ્ય ઉપદેશ છે, આખું જીવન સાધુ સાધ્વીઓ એ ખુલ્લા ઉપાશ્રય મા રહેવું, ઇલેક્ટ્રીસીટી નો ઉપયોગ ન કરવો. ટોયલેટ બાથરૂમ નો ઉપયોગ ન કરવો ,નહાવું નહિ, માથા નાં કે દાઢી મૂછ નાં વાળ નો લોચ કરવો, પરિગ્રહ ન કરવો, વાહન ન ઉપયોગ ન કરવો, ખુલ્લા પગે ચાલવું ,જરૂર પુરતું જ જમવા નું ગોચરી મારફત લાવી ને જમવું, બગાડ ન કરવો, વિગેરે ખુબજ ચુસ્ત આચારો નું પાલન તેમણે કરવા નું હોય છે, પણ આ બધું શા માટે કરવું..?ગ્રંથો મા લખ્યું છે એ માટે..? કે અચાર્યભગવાનો એ ઉપદેશ આપ્યો છે એ માટે..?આમ કરવા થી સમગ્ર સમાજ નું કોઈ હિત થશે ખરું..?તમારા ઉપવાસો થી ભૂખે મરતા કોઈ અકિંચન ને ખાવા નું મળશે ખરું..?તમે ટોઇલેટ નો ઉપયોગ નહિ કરો એટલે કોને ફાયદો થશે..? ઉલટું ગંદકી થી આસપાસ નાં લોકોને વ્યથા પહોચાડવા થી સુક્ષ્મ હિંસા નહિ થાય..?
આજે દેશ અને દુનિયા મા જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એમાં બાળકો ને તપસ્વી કે સંયમી બનાવવા નાં બદલે બહાદૂર, લડાયક અને દેશ માટે કુરબાન થવા તૈયાર હોય એવા બાળકો બનાવવા ની જરૂર છે, ચીન કે પાકિસ્તાન આક્રમણ કરશે, તો શું તેની સામે ઉપવાસીઓ ની ફોજ ને પ્રતિક્રમણ કરવા બેસારશો..?કે તેમની બંદૂકો સામે માળા ફેરવવા ની તાલીમ આપશો..?આવતા ભવ ની ફિકર મા આ ભવ શા માટે બગાડવો જોઈએ..?આવતો ભવ, સ્વર્ગ,નર્ક,મોક્ષ ,મૂકતી એ બધું કલ્પિત છે, જે હકીકત છે એ તમારી સામે છે,
એક પ્રશ્ન અવશ્ય થાય છે, તમે અહી જે તપ અને ત્યાગ કરશો એના થી તમને ઊંચું સ્વર્ગ મળશે, એ સ્વીકારીએ, પણ સ્વર્ગ માં તો મોજ મજા, ખાણીપીણી, અપ્સરાઓ,નાચગાન,વિમાનો મા ફરવાનું, વિગેરે સ્વાભાવિક છે, પણ તમે આ ભવ મા તો બધું ત્યાગ્યું છે, એ ત્યાગેલી વસ્તુઓ થી તદ્દન વિપરીત જીવન સ્વર્ગ માં મળવા નું છે, તો તમે તો તેના થી ટેવાયેલા જ નથી,તમને એ બધી સગવડો વાપરતા જ નહિ આવડે, તો સ્વર્ગે જઈ ને શું કરશો..?સામે અપ્સરાઓ નાચતી હોય ત્યારે તમે શું માળા લઇ ને બેસશો..? જો સ્વર્ગે જઈ ને પણ આવુજ કરવું હોય તો અહી શા ખોટા છો..?અને આ બધું શાના માટે ત્યાગો છો..?અસહ્ય કષ્ટ શા માટે ઉઠાવો છો..?એમ માત્ર મોક્ષ ની કલ્પિત મહેચ્છા નાં કારણેજ તમે આ બધું કરો છો, કોઈ મહામૂની સ્વર્ગે જઈ ને તમને કહેવા આવ્યા..?કે સ્વર્ગ મા શું શું છે..?કે મોક્ષ થવાથી શું શું થાય છે…?
કષ્ટ ની વાત થઇ છે તો એક બીજી વાત ની પણ નોંધ લઈએ, માનવા મા આવે છે કે શરીર ને કષ્ટ આપવા થી આત્મા ની ઉન્નતી થાય છે, જો આમજ હોય તો મોટા મોટા આચાર્યો માંદા પડે ત્યારે હોસ્પિટલ મા સારવાર શા માટે લેવા જાય છે..?જો કષ્ટ ઉઠાવવું છે તો ભગવાને રોગ દ્વારા તમને કષ્ટ આપ્યુજ છે તે દૂર કરવા શા માટે હોસ્પિટલ માં જવું પડે..?કષ્ટ ભોગાવો, કર્મ ખપાવો, અને મોક્ષે જાઓ, એક તરફ કષ્ટ ભોગવવા નાં આયોજનો કરો છો અને બીજી બાજુ ભગવાન રોગ રૂપે કષ્ટ આપે તો તેની સારવાર કરાવવા જાઓ છો, આવી બેવડી નીતિ કઈ રીતે ચાલે..?
કાઈ વધારે પડતું કહેવાયું હોય તો ક્ષમા કરશો, આ કોઈ ધર્મ સામે વિરોધ નથી, પણ જે શંકાઓ ઉભી થાય એનું સમાધાન મેળવવા માટે જ કહેવા મા આવ્યું છે, કોઈ આ સમાધાન કરાવી આપશે તો સ્વીકાર્ય છે.

Posted ઓગસ્ટ 21, 2017 by sureshmsheth67 in Uncategorized

સ્વતંત્રતા દિવસ ના સ્મરણો.   Leave a comment

સ્વાતંત્ર્ય દિન ના સ્મરણો.

૧૫ મી ઓગષ્ઠ નો દિવસ સ્વાતંત્ર્ય દિવસ નું મહાપર્વ ગણા તું. એ દિવસે સ્કૂલ મા રજા રહેતી તેમ છતાં બધા ઉત્સાહભેર સ્કૂલે જતા, સ્કૂલ નાં વિશાળ મેદાન મા ધ્વજ્વંદન નો કાર્યક્રમ યોજાતો. ઊંચા પાઈપ નાં થાંભલા ઉપર ધ્વજ બાંધવા મા આવતો, સ્કૂલ નાં પ્રિન્સીપાલ શ્રી મારું સાહેબ સફેદ શેરવાની અને ફીટ સુરવાલ માં સજ્જ થઇ ને આવતા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા,ઝંડા ઊંચા રહે હમારા..”એ ગીત ગવાતું, મારુસાહેબ ધ્વજ ની દોરી ખેંચતા અને તિરંગો ધ્વજ લહેરાઈ ઉઠતો. મારુસાહેબ થોડું ટૂંકું પ્રવચન કરતા, અને પછી “જનગણ મન અધિનાયક “નું રાષ્ટ્રગીત ગવાતું. મોટે અવાજે “જયહિન્દ “નાં ઉચ્ચારો થતા, એ પછી બધાજ સ્ટુડન્ટસ ને રંગીન કાગળ મા વીંટાયેલો ખાંડ નો કે બુંદી નો એક એક લાડુ વહેંચવામાં આવતો. જે ઘરે પહોંચતા પહેલાજ ખવાઈ જતો. પર્વ ના આનંદ ઉપરાંત લાડુ ની મીઠાશ થી આખો દિવસ ખુશ ખુશાલ જતો. છાપાઓ મા નહેરુ, ગાંધી, સરદાર ,મુનશી, મોરારજી, ઢેબરભાઈ,જેવા નેતાઓ નાં વિવિધ ફોટા આવતા, તેની નીચે લખાણ તો આવતું પણ એ વાંચવા કરતા આ લોકપ્રિય નેતાઓ ને જોવા માજ વધુ આનંદ આવતો.
ઘર ની પાછળ ના મેદાન મા સેવાદળ ચાલતું, ત્યાં પણ ધ્વજવંદન યોજવા માં આવતું. મોટા નેતાઓ તો અન્ય સ્થળે વ્યસ્ત હોવાથી પિતાશ્રી ને ધ્વજવંદન માટે આમંત્રિત કરવા માં આવતા, તેઓ બહુ સારા ઓરેટર તો ન હતા, પણ જે બોલતા તે હૃદય મા થી બોલતા, તેમના લડત નાં અનુભવો કહેતા, દેશ માટે અમારી પેઢીએ ઘણા બલિદાનો આપ્યા છે, હવે દોર નવી યુવા પેઢી નાં હાથ મા છે, જેવા ચલણી શબ્દો તેઓ કહેતા, અને પછી ધ્વજ ફરકાવી ને વિજયી વિશ્વ તિરંગા ગાવા મા આવતું.
એ પછી તો આખો દિવસ રજા ની મજા માણવા મા આવતી. મુંબઈ હતા ત્યારે તો રાત્રે રોશની જોવા જવાતું. ભવ્ય બિલ્ડીંગો ઉપર જાતજાત ની રોશની થી શહેર ચમકતું. માર્ગો ઉપર ભીડ પણ ઘણી રહેતી, એ વખતે અમારી પાસે એક જૂની મોટરકાર હતી. જેને ચલાવવા માટે ડ્રાયવર રાખવા મા આવતો, ગાડી નું ઉપર નું છાપરું ખોલી નાખવા મા આવતું અને ખુલ્લી ગાડી મા રોશની જોવા નીકળતા, એ સમયે આઝાદી હજી હમણાજ મળી હતી એટલે તેનો ઉત્સાહ પણ ગજબ નો રહેતો, ભ્રષ્ટાચાર, લાંચ રુશ્વત છેતરપીંડી જેવા દુષણો હજી બહુ બહાર દેખાતા ન હતા, એકંદરે લોકો પણ પ્રામાણિક હતા, અને દેશ પ્રત્યે ની લાગણી હજી પુરજોશ મા લોકો નાં હૃદય મા છલકાતી હતી.
આજ ની સાથે એ સમય ને સરખામણી કરવા નો કોઈ અર્થ નથી, કારણ એ ચીલાચાલુ વાતો થઇ પડશે, સમય ના અનેક વિભાજનો હોય છે, કોઈ પણ બે સમય વચ્ચે સરખામણી કરવી એ નિરર્થક છે. સીત્તેર પ્લસ વર્ષો મા અગણિત પરિવર્તનો આવતા હોય છે, કહો કે એક આખો યુગ પલટાઈ જતો હોય છે, અને પરિવર્તન એ સંસાર નો નિયમ જ છે. પંદર મી ઓગષ્ટ ભલે ઉજવીએ, પણ તે સાથે દેશપ્રેમ ની ભાવના, પ્રામાણીકતા, કાર્ય નિષ્ઠા ,જેવા આચરણની દેશ ને ભેટ આપીએ , તથા ધાર્મિક વિવાદો, કુડ કપટો થી દૂર રહેવા નો પ્રયત્ન કરી શકીએ એવીજ અભ્યર્થના છે. આજ ની તારીખે દેશ આઝાદ થયો પણ આપણે હજી અનેક કુલક્ષણો નાં ગુલામ છી એ એમાં થી મૂકતી મળે એ જરૂરી છે.

Posted ઓગસ્ટ 16, 2017 by sureshmsheth67 in Uncategorized

દિવ્યાંગ …!   Leave a comment

દિવ્યાંગ…!

આજકાલ જુના રૂઢ થયેલા શબ્દપ્રયોગો મા ઘણા સુધારા થવા લાગ્યા છે, જેમ કે આયોજનપંચ નું નામ નીતિ પંચ , હરીજન નાં બદલે દલિત, અને અપંગ નાં સ્થાને દિવ્યાંગ વિગેરે, હવે આ દિવ્યાંગ શબ્દ શા માટે..?એક રૂઢ થયેલ શબ્દ ને બદલવા થી શું લાભ થશે..?શારીરિક ક્ષતિગ્રસ્ત લોકો માટે અપંગ અથવા વિકલાંગ શબ્દ એપ્રોપ્રિએટ છે, એને સુધારી ને તેમને દિવ્યાંગ કહેવા ની ફેશન ચલાવવા મા આવી છે, વિકલાંગ ને દિવ્યાંગ કહી ને તેમની મશ્કરી થતી હોય એવું નથી લાગતું..?તેમના અંગો ની ક્ષતિ શું દિવ્ય છે..?કઈ જાત ની દિવ્યતા એમાં દેખાય છે..?તેમને પડતી મુશ્કેલીઓ શું તેમને દિવ્યાંગ કહેવાથી દૂર થઇ જશે..?પછાત વર્ગ નાં લોકો ને હરીજન કહેવા થી શું તેમની સ્થિતિ માં સુધારો થયો..?બળાત્કાર પીડિતા ને બહાદૂર બેટી કહેવા થી શું તેનો દરજ્જો વધી જશે..?આવી બધું ચાંપલાશ નો કશો અર્થ નથી. અપંગો માટે પૂર્વે પ્રયોજાયેલો શબ્દ વિકલાંગ મા બદલવા જેવું કશું નથી, તેમને દિવ્યાંગ કહેવા એ તેમની મજબૂરી ની મજાક ઉડાવવા જેવું છે, આપણે કોઈ ભિખારી ને સુદામા કહીએ એટલે શું એની સ્થિતિ સુધરી જવાની છે..?આપણે ગરીબી ને ગૌરવ્યુક્ત કહીએ એટલે શું તેની ભૂખ મટી જશે..?આ બધી શબ્દો ની રમત બાજુએ મૂકી ને બધાનું કલ્યાણ થાય એ તરફ ધ્યાન આપવા ની વધુ જરૂર છે ,આપણે ઘેટા જેવા છી એ , એક વ્યક્તિ એ દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો એટલે બધાજ એને વળગી પડ્યા, કોઈ એ એમ ન વિચાર્યું કે વિકલાંગ વ્યક્તિ ને દિવ્યાંગ કેવી રીતે કહેવાય..?એ શું દેવો ની ભેટ છે..?જેમ પહેલા દીવ્યાશ્ત્રો ખુબ પાવરફુલ ગણાતા હતા, એમ દીવ્યાન્ગો કહેવા થી તે એમની સ્થિતિ ઈશ્વરીય વરદાન મા ખપી જશે..?તો તમે પણ દિવ્યાંગ થાઓ ને…!આમ ને આમ વધુ ને વધુ વર્ગો ઉભા થતા જાય છે, જે અટકવું જોઈએ

Posted ઓગસ્ટ 13, 2017 by sureshmsheth67 in Uncategorized

આપણે રાષ્ટ્રભક્ત કેમ નથી..?   Leave a comment

આપણે દેશ ભક્ત અથવા રાષ્ટ્રભક્ત કેમ નથી,,?

છેક એવું તો ન કહેવાય, આપણે આપણા દેશ ને ચાહિયે છીએ, આપણા રાષ્ટ્ર ને પણ પ્રેમ કરીએ છી એ, પણ એમાં રાષ્ટ્ર માટે ફના થઈજવાની લાગણી ઓછી દેખાય છે, એનું એક કારણ આપણ ને બહુ મોટા સંઘર્ષ પછી આઝાદી નથી મળી, બહુજ સહેલાઇ થી, લોહી વહાવ્યા વીના આપણે આઝાદ થયા છી એ, અલબત્ત આઝાદી માટે અથવા કહો કે વિદેશીઓ ની ધૂંસરી ને ફગાવી દેવા નાં સંનિષ્ઠ પ્રયત્નો થયા છે,અને એ માટે અનેક વીરો એ બલિદાન આપ્યા છે, પણ એ પણ સત્ય છે કે તેમના બલિદાન નો લાભ તો ઘરેબેસી ને તમાશો જોતા રહેનારાઓ નેજ મળ્યો છે, દેશ ના મોટાભાગ નાં લોકો ને તો વગર માગ્યે, વગર પ્રયત્ને આઝાદી મળી છે એટલે તેમને એ આઝાદી ની યોગ્ય કીમત સમજાઈ નથી. આઝાદી નો અર્થ એ લોકો એ મનફાવે તેવી લૂંટ ચલાવવી એવોજ કર્યો છે, શહીદો, ભોગ બનનારાઓ અને લોહી વહાવાનારાઓ ભુલાતા ગયા છે, અને તકવાદી વ્યક્તિઓ, તકવાદી સમાજ અને તકવાદી નાગરીકો થવા માંડ્યા છે, એવીજ રીતે રાજકારણ પણ તકવાદી અને પોતાના જ ખિસ્સા ભરવા વાળા લોકો થી ભરચક થઇ ગયું છે, બધેજ ખાયકી, ભ્રષ્ટાચાર, અને સ્વાર્થ જોવા મળે છે, ભંગાર રસ્તાઓ બનાવનારાઓ, તકલાદી પૂલ બનાવનારાઓ, જાહેર મિલકતો ને નૂકશાન કરનારાઓ એવું નથી સમજતા કે આ દેશ પ્રત્યે ગદ્દારી છે, વિવિધ માગણીઓ ને લઇ ને આંદોલનો કરવા, એ દરમ્યાન દેશ ની મિલકતો નો નાશ કરવો એ રાષ્ટ્રપ્રેમ નથી.
આપણે બધાજ પોતાના વતન ને, પોતાની જ્ઞાતિ ને, પોતાના માર્યાદિત સમાજ ને ચાહિયે છી એ, પણ એક ભારતીય તરીકે નું અભિમાન આપણે ધરાવતા નથી. હું હિંદુ છું, હું બ્રાહ્મણ છું, હું વણિક છું, હું રાજપૂત છું, હું પછાતવર્ગ નો છું, કે હું મુસ્લિમ છું અથવા ક્રિશ્ચિયન છું એવું અભિમાન આપણે લેતા હોઈએ છીએ, પણ હું ભારતીય છું એવું આપણે છેક છેલ્લે જ કહેતા હોઈએ છીએ, એ પણ આપણ ને પરાણે શીખવવા મા આવે છે એટલે, કોઈ ને પંજાબી હોવાનું ગૌરવ હોય છે, કોઈ ને કાઠીયાવાડી હોવા નો ગર્વ હોય છે, કોઈ પોતા ને ગુજરાતી મરાઠી બંગાળી કે સાઉથ ઇન્ડિયન હોવા નો ગર્વ ધરાવતા હોય છે, પણ ભારતીય હોવાનું બહુ યાદ નથી રહેતું.
અલબત્ત એનું એક કારણ છે, ભારતીયો અંદરો અંદર “હું ભારતીય છું” એવું કહેતા નથી, પણ બહાર નાં દેશો મા જાય ત્યારે પોતે ભારતીય છે એવું કહેવુજ પડે છે, કારણ એ દેશો મા નાતજાત, ઊંચ નીચ, બ્રાહ્મણ ક્ષત્રિય નો ભેદ કોઈ સમજી શકતું નથી. તમે અમેરિકા કે બ્રિટન મા જઈ ને કહો કે હું બ્રાહ્મણ છું અથવા હું લોહાણા છું, કે પટેલ છું તો કોઈ સમજી શકતું નથી તેમને મન તો તમે ભારત થી આવનાર વ્યક્તિ છો અને તમારે પણ બધું ભૂલી ને પોતાની જાત ને ભારતીય કહેવું પડે છે,
એક બીજું પણ નિરિક્ષણ છે, એક તો ભારત ઘણો વિશાળ દેશ છે, એમાં કોઈ એકજ ધર્મ, જ્ઞાતિ ,જાતી, નથી, એટલે પોતાની જાત ને અન્ય ભારતીયો થી જુદા બતાવવા માટે દરેક પોતાની જ્ઞાતિ પેટા જ્ઞાતિ, વતન, નો ઉપયોગ કરવો પડે છે, મુસ્લિમ દેશો મા બધાજ મુસ્લિમ જ હોય છે, ક્રિશ્ચિયન દેશો મા બધા ક્રિશ્ચિયન જ હોય છે, યહૂદી દેશ માં બધાજ યહૂદી હોય છે, તેમના કોઈ પેટા પ્રકારો નથી હોતા, એટલે તેમને પોતાનાં જેતે દેશ નાં નાગરિક તરીકેજ ઓળખ મળતી હોય છે,જ્ઞાતિ, જાતી, ધર્મ ,સંપ્રદાય પેટા સંપ્રદાય, એ બધું આપણા દેશ માજ જોવા મળે છે,આપણા મા ભારતીય હોવું એ સૌથી છેલ્લે કહેવાની વાત હોય છે,
આનું એક બીજું પણ કારણ છે, જરા કડવું લાગશે , પણ કહેવું પડે છે કે આમ જુઓ તો ભારત એક દેશ તરીકે ખાસ નામના પામી શક્યો નથી. દરેક ને પોતાની જાતી નું પોતાના વતન નું વળગણ હોય છે કારણ એ જાતિઓ એ જ્ઞાતિઓ એ સમયાંતરે કોઈ ને કોઈ ગૌરવ પૂર્ણ અથવા પરાક્રમ થી યુક્ત કામગીરી બજાવી હોય છે, પણ એ કામગીરી સમગ્ર ભારત નાં નામ ઉપર ચડતી નથી. આપણે ત્યાં રાજપૂતો નાં પરાક્રમો રાજપૂતો ને ગૌરવ અપાવે છે, તો વણિકો નાં વ્યાપાર સાહસો , અથવા બ્રાહ્મણો ની વિદ્યા સાધના કે ખેડૂતો ની હરિયાળી અને શ્વેતક્રાંતિ તેમને ગૌરવ અપાવે છે, પણ એ બધી સિદ્ધિ ભારત દેશ ને નહિ પણ જે તે જાતિઓ ને મળે છે,
બીજી રીતે જોઈએ તો ભારતે એક હજાર વર્ષ થી પરાજય નોજ સામનો કર્યો છે, વિદેશી આક્રમકો, વિદેશી વેપારીઓ એ ભારત નાં નાગરીકો ને છેલ્લી ઘણા વર્ષો થી પદ દલિત બનાવી રાખ્યા છે, આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતે કોઈ દાખલારૂપ કામગીરી બતાવી નથી, માત્ર ક્રીકેટ ની રમત મા ભારતે કઈક નૂર બતાવ્યું તે પણ હમણા થોડા વખત થી. આપણે પાડોશી રાજ્યો ની ઘુસણખોરી અટકાવી શકતા નથી, યુધ્ડો મા આપણે ઘણી ભૂમિ દુશ્મનો એ દબાવી છે, કાશ્મીર લગભગ હાથ થી જવા બેઠું છે, કૃષિ ઉત્પાદન ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, પેયજળ કે વીજળી નાં ક્ષેત્રે આપણે ઘણા પાછળ છી એ, ઓલમ્પિક ની રમતો મા આપણે ભાગ્યેજ એક બે સુવર્ણ ચંદ્રકો મેળવી શક્યા છીએ, પ્રામાણિક વ્યાપાર, પ્રામાણિક કર્મચારીઓ અને જવાબદાર નાગરિક તરીકે આપણે બહુ જળકી શક્યા નથી, દાણચોરી, કરભારણ, સોષણખોરી , લાંચ રુશ્વત , ગરીબી, અન્યાય, એક બીજા ને છેતરવા ની વૃતિ, ઓછી મહેનતે વધુ લાભ પ્રાપ્ત કરવા ની આપણી વૃતિ વિગેરે નાં કારણે આપણા નાગરીકો ને પોતાના ભારતદેશ તરફ ગૌરવ થાય એવું વાતાવરણ જ બનતું નથી. એટલેજ કોઈ પોતાને ભારતીય નહિ પણ વિવિધ નામે ઓળખાવતા રહે છે.
રાષ્ટ્રપ્રેમ ત્યારેજ જાગે જયારે રાજ્ય્કરતાઓ ને નાગરીકો ની ચિંતા હોય, નાગરીકો ને વધુ મા વધુ સુવિધા આપવા મા આવતી હોય,તેમની કાળજી લેવાતી હોય, તેમણે ભરેલા કરવેરા સામે તેમને મહત્તમ સેવા મળતી હોય, સ્વચ્ચતા, અનાજ્પાની, આવાસ વસ્ત્રો નાગરીકો ને વિના સંઘર્ષ મળી જતા હોય તો એવા દેશ નાં નાગરીકો પોતાના દેશ નું રાષ્ટ્ર નું અભિમાન લઇ શકે, જયારે અહી તો શોષણ, અન્યાય, બિનસલામતી જ જોવા મળતી હોય તો રાષ્ટ્રપ્રેમ કયા પાયા ઉપર વિકસે..?ભૂખ્યા, શોષિત, ગટર જેવા સ્થળો એ રહેનાર નાગરિક ને કેવી રીતે દેશ ઉપર પ્રેમ આવે..?માત્ર સૂત્રો પોકારવા થી કોઈ નું પેટ ભરાતું નથી. મુઠ્ઠીભર રાજ્યકર્તાઓ, શ્રેષ્ઠીઓ,ઉદ્યોગપતિઓ ,અમલદારો સિવાય આ દેશ મા સામાન્ય નાગરિક ને શું મળે છે કે તેઓ પોતા ના દેશ તરફ પ્રેમ દર્શાવે..? દેશ પ્રેમ કે રાષ્ટ્રભક્તિ કોઈ કુદરતી લાગણી નથી, પણ એક સંગઠન તરીકે તેનો આવિષ્કાર કરવા મા આવ્યો છે, પણ જો એ સંગઠન નો કોઈ લાભ સામાન્ય વ્યક્તિ ને ન મળે તો એ રાષ્ટ્રપ્રેમ ક્યા સુધી જીવંત રહે..?ચારે તરફ લૂંટ, ખાયકી, અને ખીસ્સાભારવા ની પ્રવૃત્તિ ચાલતી હોય તો જેને તક મળે એ પણ એમાં જુકાવેજ ને..! તેને મોટા આદર્શો બતાવી ને ક્યા સુધી રોકી શકાશે..?એક શહેર મા રસ્તો બનાવનાર કોન્ત્રાક્તર જો નબળો માલ વાપરે અને બદલા મા તેના અમલદારો ને હપ્તો પહોંચાડે, તો એ રસ્તા નું કામ કરનાર મજૂર પણ પોતાના કામ મા ચીવટ શા માટે બતાવે..?
રાષ્ટ્રભક્તિ નો ઉપદેશ સામાન્ય લોકો ને ભરમાવવા નિજ એક યુક્તિ છે,રાષ્ટ્ર ને વફાદાર રહેવું જોઈએ, પણ એ ઉપદેશ બીજાઓ માટેજ રહી જાય છે, કોઈ પોતે પોતાનો લાભ જતો કરતુ નથી. ત્યાગ તમે કરો, રાષ્ટ્રભક્તિ તમેં કરો ,ટેક્ષ તમે ભરો,ફંડફાળો તમે આપો,દેશ માટે શહીદ તમે થાઓ, દુષ્કાળ, અતિવૃષ્ટિ,અછત, હોનારતો નો ભોગ તમે બનો, અમને અમારું ઘર ભરવા નું કામ કરવા દો , તમને ખાવા ન મળે, શુદ્ધ પાણી ન મળે, તમારા ઉત્પાદન નાં યોગ્ય ભાવ ન મળે, રસ્તા ઉપર તમારી છેડતી થાય, તમારી બહેન દીકરીઓ ઉપર બળાત્કારો થાય,પોલીસ તમનેજ ધમકાવતી હોય, અને લાંચ વિના કોઈ સરકારી કામ ન થતું હોય, તે છતાં રાષ્ટ્ર તરફ તમારી ભક્તિ ઓછી ન થવી જોઈએ,તમે ફૂટપાથ ઉપર સુતા હો, કોઈની બેફામ કાર નીચે ચગદાઈ જતા હો, કાયદા નાં રક્ષકો આવા પૈસાદાર ગુન્હેગારો નોજ પક્ષ લેતા હોય, તો એવું થયા કરે, તમારી રાષ્ટ્રભક્તિ મા ઓટ આવવી ન જોઈએ, અમે તો કેટલે સ્થળે ધ્યાન આપીએ..?અમારે વિદેશો મા પ્રવાસ કરવા નાં હોય , ઘુસણખોરો ને ભેટસોગાદો આપવાની હોય,એમાં આવું બધું ક્યા જોવા રહીએ..? રાષ્ટ્રપ્રેમ એ નાગરીકો ની ફરજ છે,સામે અમારી ફરજો અમને શીખવવા ની જરૂર નથી.
આવું છે આપણું રાષ્ટ્ર, અને આપણો દેશ…!પછી કઈ પ્રેરણા નાં આધારે લોકો દેશપ્રેમી થાય..?દેશ દ્રોહી ઓ નાં પક્ષ મા આ બધું નથી લખાયું, પણ દેશ એટ લીસ્ટ એવો તો હોવો જોઈએ ને કે નાગરીકો તેને પરાણે પ્રેમ કરે…!તમે જેટલો કહો એટલો ટેક્ષ અમે ભરીયે, જયારે આપત્તિ આવે ત્યારે ફંડફાળો પણ અમે ઉઘરાવીયે, સરહદ ઉપર આપણા સૈનિકો મરતા રહે, અને તમે ભાષણો કરતા રહો, તમને દેશપ્રેમ નહિ પણ તમારું જ હિત પસંદ છે, લોકો મરતા રહે અને તમે સાંસદો ની ખરીદી મા જનતા નાં નાણા ઉડાવ્યે જાઓ, જે દેશ મા ગટર નાં કીડા જેવું જીવન જીવવા ની ફરજ પડતી હોય એ દેશ નાં રાજ્યકર્તાઓ દેશપ્રેમ ની દુહાઈ કઈ રીતે આપી શકે..?
આ કોઈ મોદી વિરોધી કે અન્ય ની તરફેણ ની વાત નથી પણ દેશ ની જે પરિસ્થિતિ છે એ તરફ જ નિર્દેશ કરવા મા આવ્યો છે, આજે અમેરિકન કે બ્રીટીશર ની જેમ કોઈ અભિમાન પૂર્વક ભારતીય શબ્દ કેમ નથી ઉચ્ચારતું એનો આ શક્ય તેટલો યથાશક્તિ ખુલાશો છે.

Posted ઓગસ્ટ 2, 2017 by sureshmsheth67 in Uncategorized

ફેસબુક નાં વીરો ફેસબુક નાં વીરો…! ફેસબુક હવે બહુજ સુલભ થઇ ગયું છે, એટલે તેના ખાતાધારકો ખુબ વધ્યા છે, આ ફેસબુક નાં ખાતાધારકો વિવિધ સ્વભાવ નાં અને વિવિધ સ્તર નાં હોય છે, પણ એક વાત આ બધામાં કોમન હોય છે,,,તે એ કે “મારી વિરુદ્ધ કોઈએ લખવું ન જોઈએ.”આ મિત્રો મા આગળ કહ્યું તેમ વિવિધ સ્તર નાં વ્યક્તિઓ હોય છે, કેટલાક તેમના વિષય નાં પ્રકાન્ડ પંડિત હોય છે, તેમના વિષય મા કાઈ પણ લખવું હોય તો માનસિક રીતે બરાબર તૈયાર થઇ નેજ લખી શકાય, જો તેમના વિચાર થી જરા જુદા પડ્યા કે તમારા છોતરા કાઢી નાખવા મા આવે, આ મિત્રો માં થી કોઈ પક્ષીવિદ હોય છે, તો કોઈ વનસ્પતિ નાં નિષ્ણાત હોય છે, કોઈ જ્યોતિષ માર્તંડ અને વાસ્તુ શાસ્ત્ર નાં માંધાતા હોય છે, કોઈ પરમ આસ્તિક હોય છે તો કોઈ નાસ્તિકતા ને વળગેલા હોય છે, કોઈ વિજ્ઞાન નેજ પરમજ્ઞાન સમજનારા હોય છે, તો કોઈ દંતકથાઓ મા વિશ્વાસ ધરાવતા હોય છે, કોઈ રામ ને ઈશ્વર માને છે તો કોઈ કૃષ્ણ અથવા શિવ ને, કોઈ બુદ્ધ ને સાચા માને છે તો કોઈ મહાવીર ને, આ ઉપરાંત અસંખ્ય દેવદેવીઓ તો હોયજ છે જેમના અનેક અનુયાયીઓ હોય છે, કોઈ ગાંધીને ધિક્કારતા હોય છે તો કોઈ ભગતસિંહ નેજ સાચા સ્વનાત્ર્ય્દાતા સમજનારા હોય છે, કોઈ નથ્થુરામ ગોડસે ની પૂજા કરનારા હોય છે તો કોઈ નહેરુવંશ ને ભારત નાં દુશ્મન સમજતા હોય છે, ફેસબુક એક વિચાર મંચ છે, અહી કોઈ પાબંધી નથી. તમે તમારા વિચારો વિના સંકોચે વ્યક્ત કરી શકો છો, દરેક માન્યતા નાં કોઈ ને કોઈ અનુયાયીઓ મળીજ રહે છે, પણ એક વસ્તુ જરા અસ્વાભાવિક લાગે છે, અહી વિચાર વ્યક્ત કરનાર પોતાના થી જરા જુદા વિચાર ને સાંખી શકતા નથી. વિચારો નું આમ તો કોઈ મહત્વ નથી. આપણે ધારેલા સત્ય ને આખું જગત સ્વીકારવા નું નથી.તો જરા વિરોધ દેખાય તો એ સામે મોટું મન રાખવું જોઈએ એવું આ મહાનુભાવો વિસરી જાય છે, અરે આ જગતે કૃષ્ણ, બુદ્ધ મહાવીર કે ગાંધી નાં વિચારો પણ નથી સ્વીકાર્યા તો તમારી ફેસબુક પોસ્ટ ની શી વિસાત છે..?તમે એવા કયા પયગંબર છો કે તમારી વિરુદ્ધ કશું કહીજ ન શકાય..?તમારા વિચારો ને માનવા વાળા માનશે, પણ બધાએજ એ માનવા જોઈએ એવો આગ્રહ રાખનાર તમે એવી કઈ હેસિયત ધરાવો છો..? ઘણા તો તેના વિચારો મા એટલા દ્રઢ હોય છે કે કોઈ એમનું સમર્થન કરે તે પણ સમજી શકતા નથી, એમનું વૈચારિક ઝનૂન એટલું હોય છે કે તેમના પક્ષ મા લખીએ તો પણ એ લોકો વિરુદ્ધ જ સમજે છે, તમે જેમ તમારા વિચારો વ્યક્ત કરી શકો છો તેમ બીજા પણ કરી શકે છે, તમારું જ્ઞાન ભલે ઉત્તમ કોટી નું હોય પણ એ બીજાઓ ઉપર પરાણે થોપવાનું તો ન હોય ને..!અને તમારો વિરોધ થઇ જ ન શકે એવા તમે કોણ છો..?આવા ઝનૂની વિચારકો સમર્થન ને પણ સમજી શકતા નથી, હું અહી એક વિદ્વાન નાં લેખો ઉપર મુગ્ધ હતો, અને હંમેશા તેમના સમર્થન મા કઈક કોમેન્ટ કરતો, પછી એકાએક શું થયું કે તેમણે એવું જાહેર કર્યું કે આ માણસ હંમેશા મારી વિરુદ્ધ માજ લખે છે, એના જૂથ નાં બીજાઓ પણ સમજ્યા કર્યા વિના કહેવા લાગ્યા કે હા, આ મારી પોસ્ટ નો પણ વિરોધજ કરે છે…!પહેલા તો એ કે તમારો વિરોધ માં કર્યોજ નહોતો, સમર્થન કર્યું હતું, અને તમારો વિરોધ થઇ જ ન શકે એવું વરદાન તમને કોણે આપ્યું..?શુતામારું જ્ઞાન અંતિમ જ્ઞાન છે..?તેની ઉપરવટ જઈ જ ન શકાય..?જોકે હું તો હંમેશા તેમના લેખ નિજ પ્રતિક્ષા કરતો, કારણ મને તેમના લેખો ગમતા હતા, પણ તેમણે મને કોઈ કારણ વગર જાહેર મા જાટકી નાખ્યો. !!.આનું શું કરવું..? શું ફેસબુક તેમની માલિકી નું છે..?અને આપણે શું તેમના બગીચામાં ગેરકાયદે ઘુસી ગયેલા કંગાલો છી એ..?ફેસબુક નાં માલિક ની હેસિયત થી તેઓ આપણ ને હાંકી કાઢવા તૈયાર જ હોય છે, એવું કેમ..?શું બીજા ને અહી લખવા નો અધિકાર જ નથી..? અને જૂથબંધી પણ કેવી સોલીડ છે, તેમના વળ નાં કોઈ વિદ્વાને કાઈ લખ્યું તેને આંખ મીચી ને સમર્થન આપવાનુજ. પછી ભલે તે તેમનો વિષય હોય કે નહિ. અને એ વિદ્વાને કોઈ ની ફરિયાદ કરી તો જૂથ નાં બધાજ તેની ખબર લઇ નાખવા તૂટી પડવાના…! એક બે દાખલા આપું છું. એક મિત્રે કોઈ પક્ષી નું ચિત્ર મુક્યું , મેં મારી સમાજ મુજબ એ પક્ષી નું નામ લખ્યું, આટલી સાધારણ વાત ઉપર તે ભાઈ મારા ઉપર , મારા અજ્ઞાન ઉપર વરસી પડ્યા, અલ્યાભાઈ મારું અનુમાન ખોટું હતું એ બરાબર પણ એ બદલ ન કહેવાના શબ્દો કહેવાનો તને કોને અધિકાર આપ્યો..?આ પ્લેટફોર્મ કોઈ નાં પિતાશ્રી ની જાગીર તો નથી ને..? બીજા એક પ્રસંગે આપણા એક મહાન જ્યોતીશાચાર્ય નાં એક વિધાન ઉપર મેં વિદ્યાર્થી ભાવે પ્રશ્ન કર્યો, બસ, થઇ રહ્યું, તેમને જવાબ આપવા નાં બદલે વિરોધ કરનાર સમજી ને મારા વિરુદ્ધ લખી નાખ્યું કે આ માણસ હંમેશા મારી વાત નો વિરોધજ કરે છે…!અલ્યાભાઈ તું જરા જો તો ખરો, કે હું તો તારો એક પ્રશંશક છું, અને શિષ્યભાવે જ પ્રશ્ન પૂછ્યો છે. પણ આવી સહિષ્ણુતા આ મહાનુભાવો મા હોતી નથી, અને એ વિદ્વાન નાં ગ્રુપ નાં અન્ય બધાજ વિદ્વાનો એ પણ મારી વિરુદ્ધ ફરિયાદ કરવા માંડી, એમાં નાં કેટલાક ને તો હું નામ થી પણ ઓળખાતો નથી…! એક પ્રસંગે મારા થી સ્વામી રામદેવજી પ્રશાન્શામાં કઈક લખાઈ ગયું, એ સામે ઘણા જાણીતા વિદ્વાન તેમની કલમ ની લાકડી લઇ ને લગભગ અશોભનીય કહેવાય એવી ભાષા મા મારી સામે કુદી પડ્યા. વિચારો બધાના જુદા હોય છે, એ વિચારો નું ઘડતર બુદ્ધિ, સંસ્કાર,અનુભવ ,અને શ્રદ્ધા નાં ઉપર આધારિત હોય છે, તમે તમારા વિચારો મુજબ ગાંધીજી ને ગાળો આપો, કે કોઈ વિદ્વાન ઈશ્વર નાં અસ્તિત્વ ને નકારે , કે કોઈ મોદી ની ભક્તિ કરે કે વિરોધ કરે એના થી જગત નું ચક્ર ફરતું અટકી જવાનું નથી. કે તમે વ્યક્ત કરેલ વિચારજ અફર સત્ય છે એવું પણ હોતું નથી, તો પછી જેને જે લખવું હોય તે લખવા દો ને..!તમેજ સાચા છો એમ શામાટે માનો છો ..? એ આત્મવિશ્વાસ નહિ પણ અહંકાર છે, કોઈ આસ્તિક હોય એમાં તમારું શું જાય છે..? કે કોઈ નાસ્તિક હોય તો પણ તમને શું નડે છે..? એને સુધારવા કેમ દોડી જાઓ છો..?તમે શું પયગંબર છો ?અને તમારે આ તમારી દ્રષ્ટિ એ અજ્ઞાન લોકો નો ઉદ્ધાર કરવા નું અવતાર કૃત્ય કરવા નું છે..?તો પછી તમે જેમ તમારા વિચારો મા દ્રઢ છો તેમ બીજાઓ પણ હોઈ શકે એ સ્વીકારતા તમને શું તકલીફ પડે છે..? આવા આગ્રહી લોકો નાં કારણે આવું માધ્યમ એક અખાડો બની જાય છે, બધાજ પહેલવાનો અંદર ઉતરી પડે છે અને વૈચારિક કુસ્તી મા ઘાયલ થતા રહે છે, અમેજ સાચા, અમનેજ અહી લખવાનો અધિકાર છે, બીજાઓ ને ઊંચકી ને ફેંકી દેવા જોઈએ, આવો અહંકાર જરા પણ શોભતો નથી. તમે સંમત હોતો લાઇક આપો, ન સંમત હોતો ધીમે થી સરકી જાઓ. પણ કારણ વગર નો ધિક્કાર શા માટે ઉભો કરો છો..? બીજી પણ વાત છે, બીજાઓ ને ઉતારી પાડનાર વિદ્વાનો એટલા જ્ઞાન થી સભર છે તો કેમ કોઈ તેમને ફેસબુક ની બહાર ઓળખતા નથી..?દુનિયાભર નાં વર્તમાન પત્રો મા કે સામયિકો મા તેમના લેખો કેમ નથી આવતા..?તમેજ એકલા પરમ વિદ્યાધર છો તો આવું ફેસબુક નું મર્યાદિત માધ્યમ ને છોડી ને જગતભર નાં સાહિત્ય મા તમારો ડંકો કેમ નથી વાગતો. ? મને યાદ છે, એક વાર કોઈ ભાઈએ દોસ્તી વિષે લખ્યું, મેં તેમના સમર્થન મા એક જાણીતી કહેવત લખી કે “ તમારા જેવો દોસ્ત હોય એને દુશ્મન ની જરૂર ન પડે..!”બસ થઇ રહ્યું, એમણે કહેવત નો મર્મ સમજ્યા વિના ગુસ્સો ઠાલવ્યો કે મેં તામારું શું બગાડ્યું છે..>હું તમને ઓળખાતો પણ નથી, પછી મારી દોસ્તી સામે કેમ આવા ઉચ્ચારો કરો છો..?”આટલા વિદ્વાન હોવા છતાં તેઓ એક કહેવત જે તેમના સમર્થન મા કહેવાઈ હતી એને સમજી ન શકયા… આવા ઘણા અનુભવો પછી લાગે છે કે વૈચારિક ઝનૂન ધરાવતા વિદ્વાનો ની અડફેટે ન ચઢવું, તેમનો વિચાર ગમે તો લાઈક આપવું પણ કોમેન્ટ ન કરવી કોણ જાણે કોમેન્ટ મા પણ તેમની લાગણી ઘવાય તો….!જંગલ મા એકલા ફરતી વખતે જેવી સાવધાની રાખતા હોઈએ એવીજ સાવધાની અહી પ્રવેશ તા પણ રાખવી જોઈએ.નહીતર શિકાર થઇ જવાય…! આ સામાન્ય વાતો છે કોઈ બંધબેસતી પાઘડી પહેરી નહિ લે એવું માનું છું   Leave a comment

Posted ઓગસ્ટ 1, 2017 by sureshmsheth67 in Uncategorized